Western Times News

Gujarati News

નાણાંમંત્રીએ જી-20 દેશોના નાણાંમંત્રીઓની બીજી અસાધારણ વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી

નવી દિલ્હી PIB Ahmedabad, કેન્દ્ર સરકારના નાણાં અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણે જી-20 દેશોના નાણાં મંત્રીઓ અને મધ્યસ્થ બેંકોના ગવર્નરો (એફએમસીજીબી) ની બેઠકમાં હાજરી આપી હતી. આજે આ બેઠક સાઉદી અરેબિયન પ્રેસિડેન્સી હેઠળ યોજાઈ હતી અને વિશ્વના અર્થતંત્ર ઉપર કોરોનાવાયરસની અસરો અંગે તથા આ વૈશ્વિક પડકાર સામે સંકલિત પ્રયાસો વડે પગલાં લેવા બાબતે ચર્ચા થઈ હતી.

નાણાં પ્રધાને સાઉદી પ્રેસિડેન્સીની આ બેઠક યોજવા બદલ પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ બેઠકને કારણે જી-20 દેશોના સભ્યોને પોતાના વ્યક્તિગત અનુભવોનું આદાન-પ્રદાન કરવાની તક તો મળશે જ, પણ સાથે-સાથે બહેતર સંકલનની તક પણ પ્રાપ્ત થશે. આ અગાઉ તા. 23 માર્ચ, 2020ના રોજ જી-20 દેશોના નાણાં પ્રધાનો અને મધ્યસ્થ બેંકોના ગવર્નરોની વર્ચ્યુઅલ બેઠક (એફએમસીજીબી) યોજાઈ હતી. આ બેઠકમાં વર્ચ્યુઅલ ધોરણે વધતા જતા કોરોનાવાયરસ રોગચાળા અંગે ચર્ચા કરવા માટે નિયમિત સમયાંતરે બેઠક યોજવાનું નક્કી થયું હતું. આ બેઠકમાં કોરોનાવાયરસની બજારો અને આર્થિક સ્થિતિ ઉપર થનારી અસરો અને આ તબક્કા પછી અર્થતંત્રને ટેકો પૂરો પાડવા માટે લેવાનારા પગલાં અંગે ચર્ચા થઈ હતી. પ્રથમ વર્ચ્યુઅલ મિટીંગના અનુસંધાને જી-20 દેશોના આગેવાનોએ બહાર પાડેલા નિવેદન મુજબ તા. 26 માર્ચ, 2020ના રોજ આગેવાનોની વર્ચ્યુઅલ બેઠક યોજવાનું નક્કી થયું હતું. આ સમીટ દરમિયાન આગેવાનોએ જી-20 દેશોના નાણાં પ્રધાનો અને મધ્યસ્થ બેંકોના ગવર્નરોને સંબંધિત આંતરરાષ્ટ્રીય સંગઠનોના ઘનિષ્ટ સંપર્કમાં રહીને કોરોનાવાયરસના સંદર્ભમાં જી-20 દેશોનો એક્શન પ્લાન ઘડી કાઢવાની કામગીરી સોંપી હતી.

શ્રીમતિ સીતારમણે સૂચિત જી-20 એક્શન પ્લાનને ટેકો આપ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રકારની કવાયત હાથ ધરવાથી વિવિધ બાબતો અંગે જાણકારી અને ઊંડાણ પ્રાપ્ત થશે. જી-20 દેશોના આગેવાનોના નિવેદનનો ઉલ્લેખ કરતાં તથા નિયમનલક્ષી અને સુપરવાઈઝરી પગલાં અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનાં પગલાંથી નાણાંકીય વ્યવસ્થાને ચાલુ રાખવા તથા અર્થતંત્રને ઝડપથી ટેકો મળવાની ખાતરી રહેશે.

નાણાંમંત્રીએ આઈએમએફ ટુલકીટ અને સ્વેપ લાઈનના વધુ વિસ્તરણ અંગે સમીક્ષા કરવાની અને તેમાં વૃદ્ધિ કરવાની ચોક્કસ દરમિયાનગિરી અંગે સૂચન કરતાં તેમણે જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ સ્વદેશી પદ્ધતિઓથી કોરોનાવાયરસ સંબંધિ નાણાંકીય જરૂરિયાતો હલ કરવા નવતર પ્રકારના કદમ ઉઠાવી શકે છે. તેમણે કહ્યું કે મોટા ભાગના દેશોમાં નીતિ વિષયક બાબતો હાથ ધરવામાં હાલના અભૂતપૂર્વ સંજોગોમાં અવરોધો નડી રહ્યા છે.

સ્વેપ ગોઠવણના મુદ્દા અંગે શ્રીમતિ સીતારમણે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડને હાલના સ્રોતોનો પૂર્વગ્રહ વગર ટૂંકાગાળાની પ્રવાહિતા માટે સ્વેપ ફેસિલીટી પૂરી પાડવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ વિવિધ દેશોને દ્વિપક્ષી સ્વેપ એરેન્જમેન્ટ માટે સુગમતા પૂરી પાડવી જોઈએ.

શ્રીમતિ સીતારમણે સાથી દેશો સમક્ષ પોતાના પ્રવચનમાં તાજેતરમાં ગરીબો અને તાકીદના પગલાં તરીકે કોરોનાવાયરસની કટોકટીના સંદર્ભમાં રૂ.1.7 ટ્રિલિયનનું રાહત પેકેજ પૂરૂ પાડવા અંગે ટૂંકી માહિતી આપી હતી. આ ઉપરાંત ગરીબો માટે રૂ.150 અબજના તાકીદના હેલ્થ ફંડ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે તેમના પ્રવચનમાં આર્થિક અને સામાજિક સમસ્યાઓ હલ કરવા માટે તથા આ કટોકટી દરમિયાન સૌથી વધુ અસર પામેલા ક્ષેત્રો માટે વિવિધ નાણાંકીય, રાજકોષીય અને નિયંત્રણકારી પગલાં અંગે માહિતી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.