વલસાડમાં ધન્વન્તરી આરોગ્ય રથે બે વર્ષમાં ૪૭૧૦૭ દર્દીઓને સ્થળ ઉપર સારવાર આપી
રાજ્યના બાંધકામ શ્રમિકો માટે આશીર્વાદરૂપ ધન્વન્તરી આરોગ્ય રથ
રાજ્ય સરકારે બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓ તેમની કામગીરી દરમિયાન ઇજા થાય કે બીમાર પડે ત્યારે તેઓને ઝડપથી પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુસર શરૂ કરાયેલી ધન્વન્તરી આરોગ્ય રથ આશીર્વાદરૂપ બની રહી છે. આરોગ્ય રથના મેડીકલ સ્ટાફ તેમના બાંધકામના સ્થળે રૂબરૂ પહોંચી સારવાર આપી પ્રાથમિક સારવાર આપે છે. વધુ સારવારની જરૂરિયાત જણાય તો તેઓને સંબંધિત હોસ્પિટલને રીફર કરી આપવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા છેલ્લા બે દરમિયાન ૧૧૨૨ બાંધકામ સાઇટ ઉપર જઇ ૪૭૧૦૭ દર્દીઓને સારવાર આપી છે. જે પૈકી ૧૦૭૮૭ દર્દીઓને લેબ ટેસ્ટ પણ કરી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વલસાડના આરોગ્ય રથને જી.વી.કે. દ્વારા બેસ્ટ ટીમ તેમજ બેસ્ટ રંગોલીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
વલસાડ જિલ્લામાં આરોગ્ય રથના બે વર્ષ પૂર્ણ કરતાં પ્રાંત અધિકારી કે.જે.ભગોરાની ઉપસ્થિતિમાં સ્ટાફમિત્રોએ કેક કાપીને ઉજવણી કરી હતી. પ્રાંત અધિકારીએ ધન્વન્તરી આરોગ્ય રથમાં કાર્યરત સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા છેલ્લા બે વર્ષમાં કરાયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું.
આ ઉજવણીમાં બાંધકામ ઇન્સ્પેક્ટર એચ.પી.રાઉત, પ્રોગ્રામ ઓફિસર ટી.વી.ઠાકોર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ડૉ.રાકેશ પાંડે, મેડિકલ ઓફિસર ડૉ.દિપાલી પટેલ, ફાર્માસીસ્ટ તેજલ પટેલ, લેબ ટેકનીશીયન મેહુલ પટેલ, સુનિલ માલીવાડ તેમજ જયદીપ પાડવી સહભાગી બન્યા હતા.