Western Times News

Gujarati News

સરકારે સિંહ માટે રૂ. 23 કરોડ અને વાઘ માટે રૂ.1010 કરોડ 3 વર્ષમાં આપ્યા

વન મંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

 કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત સંકલિત વન્યજીવન રહેણાંક વિકાસ યોજના (સી.એસ.એસ.-આઇ.ડી.ડબલ્યુ.એચ.) હેઠળ કેન્દ્ર સરકારે પાછલાં ત્રણ વર્ષોમાં સિંહના સંવર્ધન માટે રૂ. 23.16 કરોડ, હાથી માટે રૂ. 75.86 કરોડ અને વાઘ માટે રૂ.1010.69 કરોડ આપ્યા છે. ભારત સરકારે ગુજરાત સરકાર સાથે મળીને કુલ રૂ. 97.85 કરોડના અંદાજપત્ર ધરાવતા એક પ્રોજેક્ટ એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્ય સભામાં જુલાઈ 8,2019ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ કરી હતી.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વર્ષ 2016-17, 2017-18 અને 2018-19માં અનુક્રમે રૂ. 1.09 કરોડ, રૂ. 2.24 કરોડ અને રૂ. 19.83 કરોડ આપ્યા હતા. તેવી જ રીતે, સી.એસ.એસ.-પ્રોજેક્ટ એલિફન્ટ અંતર્ગત રૂ. 21.20 કરોડ, રૂ. 24.90 કરોડ અને રૂ. 29.76 કરોડ આ જ સમયગાળામાં આપ્યા હતા. સી.એસ.એસ.-પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.44 કરોડ છેલ્લાં ત્રણ વર્ષમાં આપ્યા હતા.

વન વિભાગે એશિયાઇ સિંહોના સંવર્ધન માટે લીધેલાં પગલાંઓ, છેલ્લાં ત્રણ વર્ષમાં એશિયાઇ સિંહોની સાથે-સાથે વાઘ અને હાથીઓના સંવર્ધન માટે આપવામાં આવેલી રકમ અને સરકાર સિંહો અને હાથીઓના નિદાન માટે આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાનું નિર્માણ કરવા વિચારી રહી છે કે કેમ તે અંગે સાંસદ શ્રી પરિમલ નથવાણી જાણવા માંગતા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ગીરમાં એશિયાઇ સિંહોના રક્ષણ માટે ગુજરાત સરકારે કાનૂની, વહિવટી અને નાણાંકીય જોગવાઈઓ કરી છે. કાનૂની જોગવાઈમાં વધારાના સિંહ વસવાટ વિસ્તારને અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવાનો સમાવેશ થાય છે. નાણાંકીય જોગવાઈઓ રક્ષણ અને તકેદારી, માળખાકીય સુવિધાઓ, પરિવહન/સંવાદ, આરોગ્ય માટેની માળખાકીય સુવિધાઓ અને માનવ-પ્રાણી ઘર્ષણ ઘટાડવાનાં પગલાંઓ માટે કરવામાં આવી છે.

રાજ્યના વન વિભાગે વન્યજીવન (રક્ષણ) કાનૂન, 1972 અન્વયે પાણિયા, મિતિયાળા અને ગીરનારને અભયારણ્ય તરીકે જાહેર કરીને વધારાનો 236.73 કિલોમીટરનો વિસ્તાર સિંહના વસવાટ તરીકે જાહેર કર્યો છે, એમ તેમણે જણાવ્યું.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ગુજરાત સરકારે સિંહોના સંવર્ધન માટે પાંચ વર્ષના ગાળા માટે
રૂ. 231.00 કરોડની ફાળવણી કરી છે, જેમાં માનવ-પ્રાણી ઘર્ષણમાં ઘટાડો કરવા પર ભાર મૂકાશે. તેમાં નવા બચાવ કેન્દ્રો, બચાવ ટીમો, ત્વરીત પ્રતિભાવ ટીમ, વર્તમાન રક્ષણ અને તકેદારી માળખાને મજબૂત બનાવવું, પરિવહન/સંવાદ માળખાકીય સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. રાજ્ય વન વિભાગે ત્રણ વર્ષનું માનવબળ અને સાધનો સહિતનું વાઇલ્ડલાઇફ હેલ્થ કેર એન્ડ વેટરીનરી સપોર્ટ ટીમ પેકેજ જાહેર કર્યું છે.

સંપૂર્ણ ઓટોમેટીક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર, હોમોટોલોજી એનાલાઇઝર, સોનોગ્રાફી મશીન, ડિજીટલ એકસ-રે મશીનો, લેમિનાર એરફ્લો મશીન, બેક્ટેરીયોલોજીકલ ઇન્ક્યુબેટર, ઓક્સીમીટર, ઓટોક્લેવ, સ્ટીરીયો માઇક્રોસ્કોપ અને કંપાઉન્ટ માઇક્રોસ્કોપ વેગેરેથી પશુ હોસ્પિટલો સજ્જ છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગીરની આસપાસનાં ગામડાંઓમાં સ્થાનિક લોકોના સક્રિય સહકાર અને વન્ય પ્રાણી મિત્રની નિમણૂંક માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.