કર્તવ્યનિષ્ઠ કલેક્ટરઃ માતાની અંતિમવિધિ પૂર્ણ કરીને 24 કલાકની અંદર જ સંભાળી લીધી ફરજ
મહામારી કોરોના સામેની જંગમાં અનેક કોરોના વોરિયર્સ પોતાના કર્તવ્યપાલનની સાથે દેશસેવા કરી રહ્યાં છે… આ કોરોના વોરિયર્સમાં વલસાડ જિલ્લાના કલેક્ટર સી.આર. ખરસાણની દેશપ્રત્યેની ચિંતા અને ઉંડી કર્તવ્યનિષ્ઠા ઉજાગર થઈ છે..
વલસાડ જિલ્લાના કલેક્ટર સી.આર. ખરસાણની માતાનું ૧૫ એપ્રિલના રોજ બનાસકાંઠામાં અવસાન થયું હતું.. માતાની અંતિમવિધી માટે વલસાડથી બનાસકાંઠા આવેલા કલેક્ટર માતાની અંતિમવિધી પૂર્ણ કરીને 24 કલાકની અંદર જ ફરજ પર પરત હાજર થઈ ગયાં હતાં.. પરિવારના અન્ય સભ્યો અને કુંટુબીજનોને પણ રૂબરૂ ન આવવાનું અને ફોન પર જ શ્રદ્ધાંજલિ પાઠવવાનો અનુરોધ કર્યો ,
આવી વસમી વેળાએ પણ તેમણે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી… એક તરફ માતાનાં અવસાનનો શોક અને બીજી તરફ દેશપ્રેમ અને કોરોના વાઇરસનાં પગલે નાગરિકોની ચિંતા કરતા આ કલેક્ટર સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પહેલા કલેક્ટર ખરસાણ માતા સાથે જ બનાસકાંઠા લગ્નમાં ગયાં હતાં.. જોકે, લોકડાઉનનાં પરિણામે લગ્ન મોકૂફ કરાયા અને કલેક્ટર ખરસાણ માતાને લોકડાઉન ખુલે ત્યારે આવીશ
એવું કહીને વલસાડ ફરજ પર ચાલ્યા ગયાં હતાં.. જો કે, લોકડાઊન ખુલે ત્યાર બાદ માતાને મળવાની તેમની ઈચ્છા કાયમ માટે અધુરી જ રહી ગઈ..