અમદાવાદમાં કોરોનાના નવા 143 કેસ : કુલ 743 કેસ નોંધાયા
મધ્યઝોન માં 292 અને દક્ષિણ ઝોન માં 283 કેસ- બહેરામપુરા ની એક જ ચાલીમાંથી 40 કેસ કન્ફર્મ થયા
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના નો આતંક સતત વધી રહ્યો છે. શહેર માં છેલ્લા 12 કલાકમાં જ 143 નવા કેસ કન્ફર્મ થયા છે. જેના કારણે નાગરિકો માં ફફડાટ જોવા મળે છે જયારે તંત્ર ની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે.
મધ્યઝોન ના દરિયાપુર અને જમાલપુર એમ બે વોર્ડમાં જ પોઝિટિવ કેસ ની કુલ સંખ્યા 200 ને પાર કરી ગઈ છે. જયારે દક્ષિણઝોન ના બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાં પણ કુલ કેસની સંખ્યા 200 આસપાસ થઈ છે. ચોંકાવનારી માહિતી મુજબ દાણીલીમડા ની સૈફ મંઝિલ ની જેમ બહેરામપુરા ની એક જ ચાલીમાંથી 40 જેટલા કેસ બહાર આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ની એક મહિલા કર્મચારી પણ કોરોના નો ભોગ બની છે. દેશના 25 રાજ્યો કરત.અમદાવાદ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધારે છે. જયારે શહેર ની દ્રષ્ટિએ મુંબઈ અને ઇન્દોર બાદ અમદાવાદ ત્રીજા ક્રમે છે..
અમદાવાદમાં માત્ર 12 કલાકમાં જ કોરોના ના 143 કેસ પોઝિટિવ જાહેર થયા છે. શહેરના દક્ષિણઝોન માં કોરોના ના નવા 92 કેસ કન્ફર્મ થયા છે. ઝોન માં કોરોના ના કુલ કેસ ની સંખ્યા 283 થઈ છે. ઝોન ના દાણીલીમડા અને બહેરામપુરા રેડઝોન માં આવી ગયા છે. દક્ષિણઝોનમાં 18 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી જે 91 કેસ કન્ફર્મ થયા છે
તેમાં ચતુર રાઠોડ ની ચાલી માંથી જ 40 કેસ બહાર આવ્યા છે. તદુપરાંત દૂધવાળા ની ચાલી માં નવા 05 , જેઠાલાલ ની ચાલી માં 14 કેસ પોઝિટિવ આવ્યા છે. મધ્યઝોન માં નવા 38 કેસ કન્ફર્મ થયા છે. જેમાં મોટાભાગના કેસ જમાલપુરમાં નોંધાયા છે. જમાલપુર ની જૈતુંન મંઝિલ માં એક જ પરિવાર ના આઠ સભ્યો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે જમાલપુર ના નવ દર્દીઓને બપોર સુધી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા નહતા.
મધ્યઝોન ના 292 કેસ પૈકી 220 જેટલા કેસ જમાલપુર અને દરિયાપુરમાંથી બહાર આવ્યા છે. જયારે શહેર ના 743 કેસ પૈકી 575 કેસ માત્ર મધ્ય અને દક્ષિણ ઝોનમાં નોંધાયા છે.મતલબ, શહેર ના કુલ કેસ ના 75 ટકા કેસ બે ઝોનમાંથી કન્ફર્મ થયા છે.
અમદાવાદમાં કોરોના ના 743 કેસ નોંધાયા છે . દેશ ના મહારાષ્ટ્ર , રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને તેલંગણા માં જ અમદાવાદ કરતા વધારે કેસ નોંધાયા છે.
જયારે 25 રાજ્યોમાં અમદાવાદ શહેર કરતા પણ ઓછા કેસ નોંધાયા છે. શહેર ની દ્રષ્ટિએ જોઈએ તો મુંબઇ અને ઇન્દોર બાદ અમદાવાદ નો ત્રીજો ક્રમ છે. નોંધનીય બાબત એ છે કે ત્રણ દિવસ પહેલા અમદાવાદ અને જયપુર માં કેસ ની સંખ્યા એકસરખી રહેતી હતી. જયારે 18 એપ્રિલ ના રિપોર્ટ મુજબ અમદાવાદ ના 743 કેસ સામે જયપુર માં કેસની સંખ્યા 462 છે