સંરક્ષણ મંત્રી દ્વારા લોકડાઉન બાદ કરવાના કામોની પૂર્વ સમીક્ષા કરાઈ
અમદાવાદ,
સંરક્ષણ મંત્રી એ કોવિડ-19 સામે લડવા માટે નવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં DPSU દ્વારા રજૂ કરવામાં આવેલા નવીન કૌશલ્યોની પ્રશંસા કરી હતી તથા સ્થાનિક વહીવટીતંત્રને વિવિધ રૂપે તેમણે કરેલી સહાયની કામગીરી પણ બિરદાવી હતી.
સંરક્ષણ મંત્રીએ તેમને શક્ય હોય એટલી હદે ગુમાવેલા કાર્યકારી સમયને સરભર કરવા અને ઉત્પાદન વધારવા માટે લૉકડાઉન પછી કામગીરી ફરી શરૂ કરવાની કટોકટી યોજનાઓ તૈયાર કરવાની સૂચના આપી હતી.
લૉકડાઉન પછી અર્થતંત્રને બેઠું કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની યોજનાઓનો ઉલ્લેખ કરતા શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ખાનગી સંરક્ષણ ઉદ્યોગ સાથે DPSU આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP), સંરક્ષણ મંત્રાલય (MoD), OFB અને DPSU દ્વારા PM CARES ભંડોળમાં આશરે રૂ. 77 કરોડની નાણાકીયનું યોગદાન કરવાની પ્રશંસા કરી હતી. આ રકમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ભંડોળ અને એક દિવસના પગારનાં યોગદાનમાંથી ઉભી કરવામાં આવી છે. એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે, DPSUમાંથી PM CARES ભંડોળમાં વધારે યોગદાન એપ્રિલ, 2020 દરમિયાન થવાની અપેક્ષા છે.
આ મીટિંગ દરમિયાન ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડે માહિતી આપી છે કે, તેમના 41 ઉત્પાદન સ્થળોમાંથી કોઈ પણ સ્થળે કોવિડ 19નો એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. કોવિડ-19 સામે સંઘર્ષ કરવામાં OFBનાં યોગદાનમાં 100થી વધારે વેન્ટિલેટર્સનું રિપેરિંગ, 12,800 કવરઓલનું ઉત્પાદન, PPEના પરીક્ષણ માટે વિશેષ મશીનરી તૈયાર કરવી, સ્થાનિક સત્તામંડળોને 6.35 લાખ માસ્કનો પૂરવઠો આપવો, કોવિડ-19ના દર્દીઓ માટે અરુણાચલ પ્રદેશમાં 340 વિશેષ તંબુઓનો પૂરવઠો, 1 લાખ લિટર હેન્ડ સેનિટાઇઝરનો જથ્થો આપવો વગેરે સામેલ છે. OFBએ 10 સ્થળોમાં પોતાની હોસ્પિટલોમાં 280 આઇસોલેશન બેડ નિર્ધારિત કર્યા છે. ઉપરાંત HLL દ્વારા કોવિડ-19ના દર્દીઓ માટે બેંગલોરમાં 93 આઇસોલેશન બેડ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા મે 2020માં 12,000 અને જૂન 2020માં વધુ 18,000 વેન્ટિલેટર્સનું ઉત્પાદન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 3,000 એન્જિનિયરો આ વેન્ટિલેટર્સને કાર્યરત કરવામાં આરોગ્ય ક્ષેત્રનાં કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરીમાં સહભાગી થશે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા 300 એરોસોલ કેબિનેટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને વિવિધ હોસ્પિટલોને તે પૂરાં પાડવામાં આવ્યા છે. કંપનીએ 56,000 માસ્કનું વિતરણ પણ કર્યું છે અને વિસ્થાપિત શ્રમિકોને સહાય આપી છે. ઉપરાંત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HLL) દ્વારા કોવિડ-19 દર્દીઓ માટે બેંગલોરમાં 93 આઇસોલેશન બેડ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. HLLના કોઇપણ કર્મચારીઓમાં કોવિડ-19નો પોઝિટીવ કેસ નોંધાયો નથી.
ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા પણ વેન્ટિલેટર્સ માટે ડિઝાઇનને અંતિમ ઓપ આપવા માટે તેમજ તેનું પ્રોટોટાઇપ તૈયાર કરવા માટે અગ્રણી વૈજ્ઞાનિકો સાથે આ દિશામાં કામ ચાલી રહ્યું છે.
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા મુંબઈનાં નૌસેના ક્વૉરેન્ટાઇન કેન્દ્રને રૂ. પાંચ લાખની દવાઓ અને PPE આપવામાં આવ્યા છે તેમજ 4,000 લિટર સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું છે.
OFB અને DPSUના કેટલાંક એકમો રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં છે ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લગભગ તમામ DPSUએ લૉકડાઉન પછી ઉત્પાદન વધારવા માટે કટોકટીની યોજના ઘડી કાઢી છે. આ એકમોએ ત્રણ શિફ્ટમાં કામ કરવાની અને અઠવાડિયામાં કામ કરવાના દિવસો પાંચથી વધારીને છ કરવાની યોજના બનાવી છે. આ કામગીરીમાં સામાજિક અંતરના માપદંડો અને આરોગ્ય સાથે સંબંધિત અન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે.