બીજા રાજ્યોના લોકોને એમના રાજ્યમાં મોકલવાની વ્યવસ્થાના સંકલન માટે વડોદરા કલેકટર કચેરીમાં નિયંત્રણ કક્ષ કાર્યરત કરવામાં આવ્યો…
વડોદરા (શુક્રવાર) વડોદરા શહેર અને જિલ્લામાં બીજા રાજ્યોના લોક ડાઉન ને લીધે અટવાઈ ગયેલા વિદ્યાર્થીઓ,યાત્રાળુઓ,પ્રવાસીઓ અને અટકાવવામાં આવેલા હિજરતી શ્રમિકોને તેમના રાજ્યોમાં મોકલવા માટે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત સરકારના પરિપત્ર અને રાજ્ય સરકારની સૂચનાઓ ને અનુસરીને આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે જાણકારી આપતાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે તેના સંકલન માટે નોડલ ઓફિસર તરીકે નાયબ કલેકટર શ્રીરામ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે અને નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે.આ અંગે હેલ્પ લાઈન નં.1077 પર થી જરૂરી જાણકારી આપવામાં આવશે.
સંબંધિત લોકોએ જરૂરી પાસ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digital gujrat.gov.in ની મદદ થી ઓનલાઇન અરજી કરવાની છે.ઇ પાસ સિસ્ટમ થી જ પરવાનગી આપવામાં આવશે. રાજ્ય સરકારે દેશના વિવિધ રાજ્યો માટે નોડલ અધિકારીઓની નિયુક્તિ કરી છે.તેમની સાથે સંકલન કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે જવા માંગતા લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવા માટે સી.એચ.સી.,પી.એચ.સી.અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીમોની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં આ હેતુસર 9 ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. જ્યાં પોલીસ ટીમની સાથે વધારાની હેલ્થ ટીમ પણ રાખવામાં આવશે.જિલ્લા કે ગ્રામ વિસ્તારમાં જેમનું સ્ક્રીનીંગ ન થઈ શક્યું હોય તેમનું સ્ક્રીનીંગ અહીં કરવામાં આવશે.