Western Times News

Gujarati News

વલસાડ જિલ્લાની મહાલક્ષ્મી સખી મંડળ દ્વારા ૯ હજારથી વધુ માસ્‍ક બનાવ્‍યા

સાફલ્‍યગાથા- કાકડકુવાની સખી મંડળ બની કોરોના વોરીયર્સ —સરકાર દ્વારા આપવામાં આવેલ તાલીમના સદઉપયોગનું ઉત્તમ ઉદાહરણઃ મહાલક્ષ્મી સખી મંડળ

(-આલેખન-વૈશાલી જે. પરમાર) માહિતી બ્‍યૂરો, વલસાડ, લોકડાઉનના સમયમાં દરેક સામાન્‍ય વ્‍યકિત દેશને કઇ રીતે ઉપયોગી થઇ શકે તે વિશે વધુ જાગૃત બન્‍યા છે. દેશમાં એકતાની ભાવના સાથે કામ કરવામાં આવે તો મોટીમાં મોટી મુશ્‍કેલીઓનો સામનો હસ્‍તા મોઢે કરી શકાય છે. તે બાબત આપણે આ મહામારીમાં શીખ્‍યા છીએ.
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. જે તમામનો ઉદ્‌ેશય એક જ છે- લોક કલ્‍યાણ. અનેક યોજનાઓના માધ્‍યમથી લાખો-કરોડો લોકોનું જીવન સધ્‍ધર થાય છે. જેથી એકંદરે દેશનો વિકાસ થાય છે. દેશ પોતાના લોકો માટે સર્વસ્‍વ આપવાની નીતીને જ ધ્‍યાનમાં રાખે છે. અને બદલામાં ફકત-ઇમાનદાર અને પ્રામાણિક દેશ ભકતની આશા રાખે છે. માનવીની એક આદત છે કે તે કયારે મફતનું મળે તે જતું કરતો નથી. પરંતુ દર વખતે દેશ જ આપતું રહે તે પણ કયા સુધી શકય છે? કુદરતી આપત્તિનો સમય એવો હોય છે જયારે દેશને પોતાના નાગરિકો પાસેથી અમુક અપેક્ષાઓ હોય છે. આ અપેક્ષાઓ પુરી કરવી દરેક નાગરિકની ફરજની સાથે નૈતિક જવાબદારી પણ છે.

આ નૈતિક જવાબદારીઓ ગુજરાત રાજયની દરેક જિલ્લાની સખી મંડળની બહેનો સમજી ચુકી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનકડા ગામ કાકડકુવામાં ચાલે છે. જેનું નામ મહાલક્ષ્મી સ્‍વસહાય જુથ છે. દરેક સખી મંડળની જેમ મહાલક્ષ્મી સ્‍વસહાય જુથને પણ ગુજરાત સરકારની સિવણની તાલીમ મેળવી હતી. આ જુથમાં ૧૦ બહેનો છે. તથા સિવણના સાધનો પણ ટ્રાયબલ સબ પ્‍લાન યોજના હેઠળ મેળવ્‍યા છે. સિવણકામ દ્વારા બહેનો પોતાના ઘર પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહી છે. બહેનોને મદદરૂપ થવા સરકાર દ્વારા શિવણને લગતા નાના-મોટા ઓર્ડર પણ આપવામાં આવતા જેથી તેઓની રોજગારીમાં વધારો થઇ શકે.

લોકડાઉનના કારણે શિવણ કામ બંધ થયું તથા ઘર પરિવાર ઉપર આર્થિક બોજ વધવા માંડયો ત્‍યારે આ બહેનોએ આવા સમયમાં પણ સુઝબુઝથી કામ લીધુ. સરકાર પાસેથી માસ્‍ક બનાવવાની કામગીરીની માંગણી કરી. મહાલક્ષ્મી સ્‍વસહાય જુથને માસ્‍ક બનાવવા માટે તાલુકા પંચાયત દ્વારા ૬૩૦૦નો પ્રથમ ઓર્ડર આપવામાં આવ્‍યો હતો. જેના માટે ૨૦ હજાર રૂપિયા લીધા હતા. જેમાંથી કાપડ, ઇલાસ્‍ટીક, દોરા વગેરેની ખરીદી કરી હતી અને ઓર્ડર પુરો કર્યો હતો. એક માસ્‍કના ૧૦ રૂપિયા પ્રમાણે ભાવ મેળવ્‍યો હતો. તેઓની કામગીરીનો ઉત્‍સાહ જોઇને તાલુકા પંચાયત દ્વારા અન્‍ય ૩ હજાર માસ્‍કનો ઓર્ડર આપવામાં આવ્‍યો છે. આ ઉપરાંત ધરમપુરના અન્‍ય ગ્રામ પંચાયત દ્વારા પણ ઓર્ડર પ્રમાણે માસ્‍ક બનાવી આપવાની કામગીરી હાલ કાર્યરત છે.

સરકાર એ આપેલી તાલીમ અને સંસાધનોનો ઉપયોગ આજે દેશની સેવા માટે કરવાની સુઝબુઝ ખરેખર પ્રસંશનિય છે. સરકાર દ્વારા તો ફકત સિવણની તાલીમ જ આપવામાં આવી હતી, પરંતુ બહેનો આ કૌશલ્‍યનો ઉપયોગ એક તરફ દેશને કોરોના વાઇરસથી બચાવવાના ભાગરૂપ માસ્‍ક બનાવીને કરી રહી છે અને બીજી તરફ પોતાના પરિવાર ઉપરથી આર્થિક સંકટ પણ ટાળી રહી છે. ખરેખર જયારે નિઃસ્‍વાર્થ ભાવે કોઇની મદદ કરવામાં આવે ત્‍યારે તેનું પરિણામ સુખદ જ આવે છે. દેશ એ મહિલાઓને આર્થિક સંકટમાંથી ઉગારવા કૌશલ્‍ય આપ્‍યું હતું આજે એ જ કૌશલ્‍ય દ્વારા મહિલાઓ દેશને ઉપયોગી બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.