સશસ્ત્ર દળોએ ગુજરાતમાં કોરોના યોદ્ધા પ્રત્યે એકજૂથતા વ્યક્ત કરી
અમદાવાદ, ભારત અત્યારે કોરોના યોદ્ધાઓની મદદથી સફળતાપૂર્વક કોવિડ-19 સામે લડત આપી રહ્યું છે. કોરોના યોદ્ધાઓનું મનોબળ વધારવા માટે યોજાયેલી દેશવ્યાપી કવાયતમાં, ભારતીય સશસ્ત્ર દળોએ તબીબી સ્ટાફ, સફાઇ સ્ટાફ અને પોલીસ જવાનોએ કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં નિઃસ્વાર્થ ભાવે અવિરત અને અથાક સેવા આપી તે બદલ તેમની સાથે એકજૂથતાની લાગણી વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં ભારતીય વાયુ સેનાએ અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગર ખાતે આવેલી GMERS હોસ્પિટલ પર MI-17 V5 હેલિકોપ્ટરમાંથી સવારે પુષ્પવર્ષા કરી હતી. પૃષ્ઠભૂમિમાં, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના બેન્ડ દ્વારા મધુર કર્ણપ્રિય સંગીતની ધૂન વગાડવામાં આવી હોવાથી સમગ્ર માહોલ ઉર્જામય બની ગયો હતો. સવારે 11:25 કલાકે, ત્રણ SU-30 ફાઇટર એરક્રાફ્ટ દ્વારા લૉકડાઉનની સાચવેતીઓના પાલન સાથે વિધાનસભા ગૃહની ઉપર પ્લે પાસ્ટ કરવામાં આવી હતી.
ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર વિભાગે અમદાવાદ, ધ્રાંગધ્રા અને જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને ફુડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું. સૈન્યના જવાનોએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે અને ધ્રાંગધ્રા તેમજ ગાંધીનગરમાં જિલ્લા હોસ્પિટલ ખાતે ડૉક્ટરો અને તબીબી સ્ટાફનું સન્માન કર્યું હતું. અમદાવાદમાં પોલીસ વડામથક ખાતે અને ધ્રાંગધ્રા તેમજ ગાંધીનગરમાં જિલ્લા પોલીસ વડામથક ખાતે મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરામાં આવેલી કોવિડ હોસ્પિટલોના પરિસરમાં સૈન્યના બેન્ડે દેશભક્તિની ધૂન વગાડીને કોરોના યોદ્ધાઓનો જુસ્સો વધાર્યો હતો.
અગ્ર હરોળમાં લડી રહેલા કોરોના યોદ્ધાઓ પ્રત્યે એકજૂથતાની લાગણી બતાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌસેનાએઓખા અને પોરબંદર ખાતે સાંજે 7:30 વાગ્યાથી મધ્ય રાત્રિ સુધી તેમના જહાજો પર રોશનીનું આયોજન કર્યું છે.