સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડ, ૧૬૦ વેન્ટિલેટર, ૯૬ ડાયાલિસીસ મશીનની વ્યવસ્થા
કોવિડ ડેડિકેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૧૬૦ વેન્ટિલેટર, ૯૬ ડાયાલિસીસ મશીન, ઓક્સિજન પૂરો પાડતી કેન્દ્રીયકૃત પ્રણાલી કાર્યરત છે: સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે તમામ પગલાં લેવાઇ રહ્યા છે – અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર
Real-time મોનીટરીંગની વ્યવસ્થા અમલી બનાવી છે – આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ
કોરોનાના દર્દીઓની સારવાર સુવિધા માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા પૂર્વક પગલા લઈ રહી છે. પૂરી સંવેદનશીલતાથી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલ પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યુ છે કે, દર્દીઓને ઉત્તમ સારવાર આપવા માટે તંત્ર સંવેદનશીલતાથી ફરજ બજાવી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય તંત્ર કાર્યરત છે. આરોગ્ય વિભાગની સુંદર કામગીરીને પરિણામે કોવિડ દર્દીઓની સિવિલ હોસ્પિટલ ખાતે યોગ્ય સુશ્રુષા થઈ રહી છે. ૨૧ માર્ચના દિવસે મુખ્યમંત્રીશ્રીએ આ સ્થળની મુલાકાત લીધી હતી તે બાદ ટૂંકા ગાળામાં કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે આ ડેડીકેટેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અહીં ૧૬૦ વેન્ટિલેટર, ૯૬ ડાયાલિસીસ મશીન, ઓક્સિજન પૂરો પાડતી કેન્દ્રીયકૃત પ્રણાલી કાર્યરત છે.
અત્રે હોસ્પિટલની દર્દીઓ સમાવવાની ક્ષમતા વધારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં જ કેન્સર હોસ્પિટલને કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરવામાં આવી છે. જેની ક્ષમતા ૫૦૦ બેડની છે. આમ સિવિલ હોસ્પિટલની કુલ ક્ષમતા ૧૭૦૦ બેડની થવા પામી છે. જેમાંથી ૩૦૦ જેટલા બેડ ક્રિટીકલ કેર (આઇ.સી.યુ) માટે ઉપયોગમાં લેવાશે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, મેડિસીટી ખાતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસ.ઓ.પી. પ્રમાણે તમામ કાર્યો થઇ રહ્યા છે. અહીં બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ નું પ્રાવધાન કરાયું છે. પર્યાવરણને ધ્યાનમાં રાખતા નેગેટીવ પ્રેશર ઉત્પન્ન કરતું એ.એચ.યુ. યુનિટ બનાવવામાં આવ્યું છે. અહીં અલાયદા આઇસોલેશન વોર્ડ, ઇન્ફેકશન કંટ્રોલ, અને સ્પ્રિંકલર્સ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. સાથે-સાથે કોરોના શંકાસ્પદ વોર્ડ પણ એવી જ રીતે સજ્જ કરાયો છે. અત્યંત ગંભીર હોય તેવા દર્દીઓના મૃત્યુના કિસ્સામાં મૃતદેહો તેઓના સ્વજનોને પરત કરવામાં પણ માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે. ઉપરાંત ફાયર સેફટી, બાયોમેડિકલ વેસ્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેનો પણ ખ્યાલ અહી રખાયો છે.
તેમણે જણાવ્યું કે, એસ.ઓ.પી. પ્રમાણે અહીં 300થી વધુ તબીબો અને ૧૫૦૦ થી વધુ પેરામેડિક કર્મચારીઓ દર્દીઓની સેવામાં ખડે પગે કાર્યરત છે. એટલું જ નહીં અહીં સગર્ભાઓ માટે અલાયદો લેબર રુમ પણ કાર્યરત છે. તેમણે જણાવ્યું કે, અહીં ૨૪ કલાક કાર્યરત એવો કંટ્રોલરૂમ પણ છે. સાથે સાથે અહીં સવારે યોગ-પ્રાણાયામ, હર્બલ ટી ઉકાળો, ચા બિસ્કીટ ગરમ દૂધ એમ નિયમિત ભોજન-નાસ્તો, ટેલિવિઝન એમ તમામ પ્રકારની જરૂરીયાતોનો ખ્યાલ રાખવામાં આવે છે.
દર્દીઓને સ્ટાર હોટલમાંથી સવારનું ભોજન અપાય છે અને જે દર્દી સાજા થઇ જાય તેમને હોસ્પિટલમાંથી ઘરે જવા માટેની વાહન વ્યવસ્થા પણ કરાય છે. આ બધી બાબતો પાછળ કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય અને પોતાના ઘરે પરત ફરી તમને દૈનિક પ્રવૃત્તિઓમાં પરોવાય તેવો આશય છે એમ તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય અગ્રસચિવશ્રી ડૉ.જયંતી રવિએ જણાવ્યું છે કે, કોરોના દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ અત્યંત નિષ્ઠા અને સંવેદના પૂર્વક ફરજ બજાવી રહ્યા છે. સંકલન અને દેખરેખ માટે real-time મોનીટરીંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભારત સરકારની ICMR ના નિર્દેશોનું પાલન કરી અહીં સમગ્ર સિવિલ તંત્ર પવિત્ર ભાવના સાથે કામ કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી પણ રોજ ત્રણ-ચાર કલાક જેટલો સમય ઉચ્ચ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો સાથે આ સારવાર સુવિધા વધુ કેવી રીતે ફળદાયી બની શકે તેની ચર્ચા કરે છે. રોજે રોજ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના સૂચનો અને દિશાનિર્દેશો મુજબ સમગ્ર આરોગ્ય તંત્ર કામ કરી રહ્યુ છે.
ડૉ. જયંતી રવિના જણાવ્યા મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ સેક્ટરના ક્રિટિકલ એક્સપર્ટ એવા ૩૬ જેટલા સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે. જેમાં એનેસ્થેલોજીસ્ટ પલ્મોનોલોજીસ્ટ જેવા નિષ્ણાત તબીબોનો સમાવેશ થાય છે. 136 જેટલા નિવાસી તબીબો કાર્યરત છે. અહીંના દર્દીઓની સારવાર માટે તમામ આવશ્યકતાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
૯૦ જેટલા મેડિકલ ઓફિસર ત્રણ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. આમ સિવિલ હોસ્પિટલ ની ટીમ સાથે બહારની એક્સપર્ટ ટીમોને પણ જોડવામાં આવી છે જેથી કરીને દર્દીઓને સાજા કરવામાં ઝડપ લાવી શકાય. એક શિફ્ટમાં 122 એમ કુલ 366 નર્સિંગ સ્ટાફ, ૬૨૮ પેરામેડિકલ અને ૪૫૦ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓ કાર્યરત છે. પેશન્ટ એટેન્ડન્સની સ્કીલ ધરાવતી અન્ય એજન્સીઓ સાથે પણ ટાઈ-અપ કરીને સ્કિલ્ડ અને ટ્રેન્ડ સ્ટાફ હજી પણ વધુ જરૂર હશે તેવો સ્ટાફ દર્દીઓની સેવામાં ઉપલબ્ધ કરાશે.
ખાસ ફરજ પરના તબીબોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, ડૉ. કમલેશ ઉપાધ્યાય, ડૉ. શિવાની પટેલ, ડૉ. યાજ્ઞિક ચોટાલા, ડૉ. ચિત્રલેખા વોરા, ડૉ. જાનવી, ડૉ.ભરત મહેતા, ડૉ. દીપશિખા ત્રિપાઠી વગેરે તબીબો તેઓની ટીમ સાથે સતત દર્દીઓનું ધ્યાન રાખીને સેવા સુશ્રુષામાં કાર્યરત છે
ઈમરજન્સી માટે ડોક્ટર ચિરાગ પટેલ, ડૉ. બેલા પ્રજાપતિ ટી.બી.ના દર્દીઓ માટે ડૉ. રાજેશ સોલંકી અને તેમની ટીમ કાર્યરત છે. ડૉ. રાઘવ દીક્ષિત દરરોજ કીટ પહેરી પેશન્ટ સાથે વાર્તાલાપ કરે છે. કર્નલ સંજય કુમાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે સંકલન સાધી નાભ(NABH) એક્રેડિટેશનની કામગીરી સંભાળી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
આરોગ્ય અગ્ર સચિવશ્રીએ વધુમાં જણાવ્યું કે, ૧૦ એપ્રિલના રોજ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તબીબી ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત હતા. જે બાદ ખાનગી હોસ્પિટલના તબીબ સર્વશ્રીઓ ડૉ. તુષાર પટેલ, ડૉ.જય કોઠારી, ડૉ. જીગર મહેતા, ડૉ. ફારૂક, ડૉ.ગોપાલ અને ડૉ. વરુણ પટેલ જનસેવામાં આગળ આવ્યા છે.
છેલ્લા ૪૦ દિવસથી તબીબો અને તજજ્ઞો કોરોનાને નાથવા અહીં કાર્યરત છે. તેઓએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં એક હજારથી વધુ કોવિડ પેશન્ટ સાજા થઈને ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. તાજેતરમાં જ એક એચ.આઈ.વી. પોઝિટિવ દર્દીને કોરોનાથી સાજા થયા છે આ ઉપરાંત કોમોર્બિડિટી ધરાવતા ઘણા દર્દિ સાજા થયા છે. તેમણે જણાવ્યું હતું કે આપણી પાસે બધા જ સંસાધનો ઉપલબ્ધ છે પી.પી.ઇ kit માસ્ક, સેનીટાઇઝેશન સુવિધા બધું જ છે. ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસ રાખવાની છે.
ઉપરાંત આરોગ્ય સચિવે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હાથ ધોવાની ટેવ રોજિંદા જીવનમાં અપનાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે કોઈ બીમાર ન પડે તે આપણી સર્વોત્તમ પ્રાથમિકતા છે પરંતુ આ ચેપ ન લાગે તે માટે રક્ષાત્મક પગલાં લેવા પણ એટલા જ જરૂરી છે.