Western Times News

Gujarati News

ડાંગના બીજા કોરોના પોઝેટીવ દર્દીએ કોરોનાને આપી માત

નેહા ગાવિતે કોરોના વોરિયર્સ ડોકટર,નર્સ સહિત સ્ટાફ ટીમ શામગહાનનો આભાર વ્યક્ત કર્યો…
કોરોનામુક્ત થયેલ દર્દી સમાજમાં સામાન્ય માણસની જેમ જીવન જીવી શકે છે. તેની સાથે સારો વ્યવહાર થવો જોઇએ. કોરોનાથી ડરવાની કોઇ જરૂર નથી. – ર્ડા. ચિંતન ડાંખરા,સી.એચ.સી.શામગહાન
(ડાંગ માહિતી બ્યૂરો) આહવાઃ તાઃ ૧૦ઃ ડાંગ જિલ્લાના વધઇ તાલુકાના ભેંડમાળ ગામના વતની અને બીજી કોરોના પોઝેટીવ લક્ષણો ધરાવતી યુવતિ નેહાબેન શશીકાંત ગાવિત (ઉ.વ.૧૬) તા.૨૭/૦૪/૨૦૨૦ ના રોજ તેમનો રીપોર્ટ પોઝેટીવ આવતા શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઇસોલેશનમાં રખાયા હતા. નેહાબેન શશીકાંત ગાવિત ‛બલર ગાયનેક હોસ્પિટલ’,  મોટાવરાછા, સુરત ખાતે ફરજ બજાવતા હતા.

ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આ યુવતિને શામગહાન ખાતે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ૧૪ દિવસ સુધી સંપૂર્ણ સારવાર આપવામાં આવી હતી. ફક્ત એકવાર કોરોના પોઝેટીવ લક્ષણ આવ્યા બાદ આજદિન સુધી નેહાબેનના તમામ રીપોર્ટ નેગેટીવ આવતા પ્રશાશન,પોલીસ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તેઓને ઉત્સાહભેર રજા આપવામાં આવી હતી જે ડાંગ માટે આનંદનો દિવસ બની રહયો હતો.

શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપિ્રન્ટેન્ડન્ટ શ્રી ર્ડા.મિલન પટેલે જણાવ્યું હતું કે કોરોના પોઝેટીવ ડાંગનો બીજો કેસ અમારી પાસે આવતા અમારી ટીમ દ્વારા સંપૂર્ણ કાળજી લેવાઇ હતી. આ દર્દીમાં કોરોનાને લગતા કોઇપણ સિમ્ટમ્સ જણાયા નથી. પરંતુ વિશ્વ વ્યાપી બનેલા કોરોના વાઇરસને હરાવવા નિયત કરાયેલા દિવસ દરમિયાન સારવાર માટે દાખલ રહેવુ પડે છે.

કોવીડ-૧૯ ના ર્ડા. ચિંતન ડાંખરા એ જણાવ્યું હતું કે કોરોના પોઝેટીવ બે દર્દીઓ અહીં સારવાર હેઠળ હતા. તેઓના બધા જ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ આ રોગના કોઇપણ ચિન્હ તેમનામાં જણાયા નથી જેથી નિયમોનુસાર બીજા દર્દીને આજરોજ રજા અપાઇ છે. આ રોગમાં ફક્ત સાવચેતી રાખવાની છે. બહાર નિકળો તો માસ્ક બાંધવો,વારંવાર હાથ ધોવા વિગેરે. વધુમાં આ દર્દીઓ સાજા થયા પછી સામાન્ય માણસની જેમજ જીવી શકે છે. તેમનાથી દુર ન રહેવુ જોઇએ. તેમનાથી ડરવાની કોઇજ જરૂર નથી. આવા દર્દીઓ સમાજમાં માનભેર જીવી શકે છે. જેથી લોકોને મારી અપીલ છે કે કોરોનામુક્ત થયેલ વ્યક્તિ સાથે વ્યવહાર સારો થવો જોઇએ.

ડાંગના બીજા પોઝેટીવ દર્દી સાજા થતા સામુહિક આરોગ્ય કેન્દ્ર,શામગહાન ખાતેથી વિદાય આપવાના અવસરે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.કવા, સાપુતારા પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી એમ.એલ.ડામોર,માજી ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત,ર્ડા.મિહિર ટંડેલે નેહાબેનને ગુલાબનું ફુલ આપી આનંદ વ્યક્ત કર્યો હતો.,સ્ટાફ નર્સ નીતા ઠાકરે,સુનંદા ગાયકવાડ,શંકરભાઇ વાધમારે સહિત તમામ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. કોરોના વોરિયર્સ ડોકટરો,સ્ટાફ નર્સ સહિત તમામ વ્યક્તિઓને નેહાબેને આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.