વાજબી ભાવની દુકાનોના કમિશન નો પ્રશ્ન ઉકેલાયો: રિફંડ અને કમિશન જમા કરવામાં આવ્યું
વડોદરા, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા ના ડેટા ઓનલાઇન કરવામાં આવ્યા છે.જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શૈલેષ ગોકલાણીએ જણાવ્યું છે કે સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો ના કમિશન બાબતે જે પ્રશ્ન હતો તે સંપૂર્ણ રીતે ઉકેલવામાં આવ્યો છે .
જિલ્લાના તમામ દુકાનદારોના ખાતામાં રિફંડ અને કમિશનની જમા રકમ જમા થઇ ગઈ છે અને તેઓએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરી એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ મારફતે જિલ્લા પૂરવઠા તંત્રનો આભાર માન્યો છે . આવતીકાલ તા. ૧૭ થી સમગ્ર જિલ્લામાં રેગ્યુલર NFSA, નોન NFSA BPL કાર્ડ ધારકો ને રેગ્યુલર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ નું વિતરણ શરૂ થશે . માનનીય કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ સુચારુ વિતરણ માટે પૂરતી તૈયારી કરવામાં આવેલ છે.
સરકારે નક્કી કરેલા રેશનકાર્ડ નંબર મુજબ આવતીકાલે તા.૧૭ ના રોજ રેશન કાર્ડ નમ્બર નો છેલ્લો અંક ૧ હોય તે લોકો જ રેશન લેવા જશે.તા. ૧૮ ના રોજ 2 અંક હોય તે લોકો લેવા જશે એ પ્રમાણે દસ દિવસ સુધી સળંગ વિતરણ થનાર છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ કારણસર બાકી રહી જશે તો તેને છેલ્લા દિવસે ૨૭ તારીખે અથવા જરૂર પડે તો ત્યાર પછી પણ દુકાન ચાલુ રાખીને અનાજ આપવામાં આવશે . આ વખતે સરકાર તરફથી સંપૂર્ણ સો ટકા મુજબ જથ્થો આપવામાં આવનાર છે. જેથી રેશન વિતરણનો જથ્થો પર્યાત માત્રામાં ઉપલબ્ધ છે.
સરકાર દ્વારા આંતર રાજ્ય અથવા અન્ય દુકાનના ગ્રાહકને અન્ય દુકાનેથી અનાજ આપવા માટે અસલ રેશન કાર્ડ અને બાયોમેટ્રીક થમ્બ ફરજિયાત છે. પુરવઠા વિતરણ અંગે કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો શહેરમાં ઝોનલ ઓફિસર અને તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર પુરવઠા અને તાલુકા મામલતદાર નો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા પુરવઠા અધિકારી એ ઉમેર્યું હતું.