લોકડાઉનમાં સરકારે આપી છૂટ-છતાંય કેટલીક સોસાયટીમાં અવર-જવર પર પ્રતિબંધ
અમદાવાદ, લોકડાઉન હળવું કરાતા પ્રહ્લાદનગરમાં રહેતા પ્રોફેશનલ ફોરમ શાહ (નામ બદલ્યું છે)ને મંગળવારે ફરીથી કામ શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ ઓફિસે જઈ રહ્યા હોવાથી તેઓ એક તરફ ઉત્સાહિત હતા, તો બીજી તરફ તેમને અન્ય એક ચિંતા સતાવી રહી હતી. લોકડાઉન હળવું કરાયા બાદ થોડી રાહત મળશે તેવી આશા હું રાખી રહી હતી પરંતુ હું જે સોસાયટીમાં રહું છું ત્યાં હજું પણ મુલાકાતીઓ, ફેરિયાઓ, મેઈડ અને કૂકના પ્રવેશ પર પ્રતિબંધ છે. સોસાયટીઓ કેવી રીતે જાતે બનાવેલા નિયમો લોકો પર થોપી શકે ? હવે વર્ક પ્રેશર પણ વધવાનું છે ત્યારે ઓફિસનું કામ અને ઘરકામ હું એકલા હાથે કેવી રીતે સંભાળી શકીશ ? તેમ ફોરમે કહ્યું.
સરકારે લોકડાઉન હળવું કર્યું હોવા છતાં અને ડિસ્ટન્સિંગ જાળવી રાખવાની શરતો સાથે સવારથી ૭ના સાંજના ૭ વાગ્યા સુધી લોકોની અવરજવર, દુકાનો અને ઓફિસો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં અમદાવાદની કેટલી સોસાયટીઓએ મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવ્યો નથી.
અમારી સોસાયટીના કેટલાક લોકો ડરેલા હોવાના કારણે બહારના લોકોને પ્રવેશવાની મંજૂરી નથી. જા કે, અમે આગામી બે-ત્રણ દિવસમાં મેઈડ અને અન્ય મુલાકાતીઓને પ્રવેશ આપવો કે કેમ તે અંગે નિર્ણય લઈશું. આ જવાબદારી હવે જે-તે વ્યક્તિ પર રહેશે કે તેઓ સાવચેતી રાખે છે કે નહીં. તેમ શહેરના મકરબા વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીના ચેરમેન અલ્પેશ શાહે કહ્યું.
સરકારના નિર્ણયની જાહેરાત બાદ કેટલીક સોસાયટીઓએ મુલાકાતીઓ અને મેઈડની અવર-જવરને મંજૂરી આપી છે. કોવિડ-૧૯ના સમયમાં સાવચેતી અને સુરક્ષા વિશેની ચર્ચા ક્યારેય ખતમ નહીં થાય. તેથી સરકારના નિર્ણય બાદ અમે તરત જ અમારી સોસાયટીમાં મેઈડ, સફાઈકર્મીઓ અને અન્ય લોકોને પ્રવેશવાની મંજૂરી આપી દીધી. દૈનિક વેતન મેળવનારાઓને કામ મળી રહે તે માટે સરકારે છૂટ આપી છે
ત્યારે અમારી પાસે પણ કોઈ ઓપ્શન નહોતો. તેમ રેસિડેન્શિયલ સોસાયટી અસોસિએશનના ચેરમેન હેમંત પંડ્યાએ કહ્યું. છેલ્લા બે મહિનાથી ઘરમાં રહીને લોકો કંટાળી ગયા છે અને તેમનું માનવું છે કે યોગ્ય સાવચેતી રાખીને વ્યક્તિઓની અવરજવર પર છૂટ આપવી જાઈએ.
જા સોસાયટીના લોકો બહાર આવ-જા કરશે તો તેમાંથી કોઈ સંક્રમિત નહીં થાય તેની કોઈ ગેરંટી નથી. આપણે સાવચેતી સાથે સામાન્ય જીવન તરફ ફરીથી વળવું પડશે. તેથી સોસાયટીઓમાં આ રીતે પ્રતિબંધો મૂકે તેનો કોઈ અર્થ નથી. સાવચેતી રાખીશું તો સ્થિતિ સામાન્ય થઈ જશે. તેમ બોડકદેવમાં રહેતી ગૌરીએ કહ્યું.
બે મહિના લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનનું મહત્વ સમજી ગયા છે. જ્યારે આ આપણા જ હિતમાં છે તો કેમ આપણે તેને ન અનુસરીએ ? જ્યારે સરકારે લોકોની અવરજવરને મંજૂરી આપી છે ત્યારે સોસાયટીઓ મુલાકાતીઓ અને મેઈડને પ્રવેશવાની મંજૂરી ન આપે તેમાં કોઈ તથ્ય નથી. તેમ વસ્ત્રાપુરમાં રહેતા રૂપલ શાહે કહ્યું.