Western Times News

Gujarati News

કોરોના વાયરસ(કોવિડ-૧૯)ની મહામારીમાં ખેડા જિલ્‍લામાં મનરેગા યોજના થકી ગ્રામ્ય જીવન ધબકતું થયું

જિલ્‍લાની ૧૫૩ ગ્રામ પંચાયતોમાં ૩૭૫ કામો શરૂ કરી ૩૮૦૯ શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે
ગાડવા ગામે ૧૬૦ થી વધુ શ્રમિકોને મનરેગા હેઠળ રોજગારી સ્‍થાનિક કક્ષાએ પુરી પાડવામાં આવી
લોક ડાઉનની પરિસ્‍થિતિમાં સ્‍થાનિક કક્ષાએ રોજગારી મળવાથી શ્રમિકોમાં અનેરો આનંદ વ્‍યાપ્‍યો
-શ્રી આર.ટી.ઝાલા, નિયામકશ્રી, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી

નડિયાદ-કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને અનુલક્ષીને સમગ્ર દેશમાં લોક ડાઉન અમલી બનાવવામાં આવ્‍યુ છે. લોક ડાઉન દરમ્યાન રોજ કમાઇને ખાતા શ્રમિક વર્ગને કોઇ પ્રકારની તકલીફ ના પડે એ માટે રાજય સરકાર દ્વારા ચિંતા કરવામાં આવી છે. ખેડા જિલ્‍લામાં ગ્રામીણ વિસ્‍તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થાય તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પુરી પાડવાની સૂચના મળતા ખેડા જિલ્‍લામાં કલેકટરશ્રી આઇ.કે.પટેલ અને શ્રી ડી.એસ.ગઢવી, જિલ્‍લા વિકાસ અધિકારી સહ ચેરમેનશ્રી, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના માર્ગદર્શન હેઠળ કામોનું ત્‍વરીત આયોજન કરી, મંજૂરીઓ આપી મનરેગા યોજના અંતર્ગત ૧૫૩ ગ્રામ પંચાયતોમાં ૩૭૫ કામો શરૂ કરી ૩૮૦૯ શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી ઝાલાએ જણાવ્‍યું હતું કે, ગાડવા ગામે સ્‍થાનિક તળાવ ઉંડુ કરવાની કામગીરી મનરેગા કાર્યક્રમ અન્‍વયે ચાલી રહી છે. અહિંયા દરેક શ્રમિકોને બપોરના તાપમાં રાહત રહે તે માટે ઠંડા પીવાના પાણી, લીંબુ શરબત તેમજ છાસની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવે છે તેમ જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી આર.ટી.ઝાલાએ જણાવ્‍યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, શ્રમિકો જયાં કામ કરી રહયાં છે ત્યાં કોરોના વાયરસની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ શ્રમિકોના બેંક એકાઉન્‍ટમાં બારોબાર તેમને મળવાપાત્ર નાણાં જમા કરવામાં આવે છે. લોક ડાઉનની પરિસ્‍થિતિમાં સ્‍થાનિક કક્ષાએ રોજગારી મળવાથી શ્રમિકોમાં અનેરો આનંદ વ્‍યાપ્‍યો છે.

કોરોના મહામારીના લીધે શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત જિલ્‍લામાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે નવા તળાવો બનાવવા, હયાત તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડિસીલ્‍ટીંગ, પ્રધાન મંત્રી આવાસ યોજના, નહેરની સાફ સફાઇ કરવી જેવા કામો કોવિડ-૧૯ની માર્ગદર્શીકાને અનુસરી શ્રમિકોને આરોગ્‍ય ચકાસણી હાથ ધરી, ફેસ માસ્‍ક પહેરી, સોશ્યલ અંતર જાળવી કામો શરૂ કરવામાં આવ્યા છે. આમ, લોક ડાઉનની પરિસ્‍થિતિમાં ગામડાના શ્રમિકોને ઘર આંગણે રોજગારી આપતા આર્શીવાદરૂપ બની રહી છે. રાજય સરકારના સકારાત્‍મક પગલાંઓ અન્વયે ખેડા જિલ્‍લાનું ગ્રામ્ય જીવન ગતિશીલ બની રહયું છે.

હાલ ચાલી રહેલ કામોમાં શ્રી આર.ટી.ઝાલા, નિયામકશ્રી, ડીઆરડીએ દ્વારા રૂબરૂ મુલાકાતો લેવાઇ રહેલ છે. ચાલુ કામોમાં શ્રમિકોની સંખ્‍યા વધારવા મુલાકાતો હાથ ધરેલ છે. તેમજ આયોજન બધ્ધ રીતે જિલ્‍લાની તમામ ગ્રામ પંચાયતોમાં કામ કરવા માંગતા શ્રમિકોને કામ મળી રહે તેવું આયોજન અને અમલીકરણ હાથ ધરવામાં આવી રહયું છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.