ઓનલાઈન નહીં પણ સ્ટેશન કાઉન્ટરથી પણ ટિકિટ મળશે
પહેલી જૂનથી ૨૦૦થી વધુ ટ્રેનો ચલાવવાની જાહેરાત થઇ
નવી દિલ્હી, આખરે કેન્દ્ર સરકારે લોકડાઉનમાં રાહત આપવાનું શરૂ કરી દીધું છે. ભારતીય રેલ્વેએ ૧ જૂનથી ૨૦૦ થી વધુ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. પરંતુ તેનાથી પણ સારી બાબત એ છે કે હવે તમે ઓનલાઇન તેમજ રેલ્વે સ્ટેશન કાઉન્ટરથી ટિકિટ ખરીદી શકશો. કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સામાન્ય લોકોને ખૂબ જ જલ્દીથી રેલ્વે સ્ટેશન કાઉન્ટરથી ટિકિટ મળશે. આ માટે રેલવે વિભાગની ટીમ તમામ સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી રહી છે. એકવાર તમામ વ્યવસ્થાઓ મળી ગયા બાદ ટિકિટ કાઉન્ટરો સામાન્ય લોકો માટે ખુલી જશે. રેલ્વે મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે, આગામી ૧-૨ દિવસમાં કાઉન્ટરથી ટિકિટ ખરીદવાની સેવા પુનઃ સ્થાપિત થઈ શકે છે.
ભારતીય રેલ્વેએ કરેલા ટિ્વટ મુજબ ૧ જૂનથી ચાલનારી ટ્રેનોનું બુકિંગ ૨૧ મેની સવારથી શરૂ થઈ ગયું છે. આ ટ્રેનોનો અગાઉથી આરક્ષણ સમયગાળો ૩૦ દિવસનો રહેશે. એટલે કે, તમે ૧ મહિના અગાઉથી ટિકિટ બુક કરી શકો છો. ટ્રેનમાં દરેક વર્ગનું ભાડુ સામાન્ય ભાડુ રહેશે, જે આવી મેઇલ / એક્સપ્રેસ / જન શતાબ્દી પ્રકારની ટ્રેનોમાં હોય છે. આ ટ્રેનોમાં એસી અને નોન એસી બંને કોચ હશે. એટલે કે, તેમની રચના નિયમિત ટ્રેનની જેમ હશે. નોંધનીય છે કે રેલવે મંત્રાલયે આપેલી માહિતી અનુસાર ૧ જૂનથી રેલ્વે રોજ ૨૦૦ જેટલી વધુ ટ્રેનો દોડાવશે.
આ ટ્રેનોમાં મુસાફરો ૨૧ મે, એટલે કે આજે સવારે ૧૦ વાગ્યાથી બુક કરાવી શકશે. રેલવે દ્વારા આ તમામ ટ્રેનોની સૂચિ પણ બહાર પાડવામાં આવી છે. આમાં નોન-એસી ટ્રેનો તેમજ દુરંટો, સંપર્ક ક્રાંતિ, જન શતાબ્દી અને પૂર્વા એક્સપ્રેસ જેવી ઘણી લોકપ્રિય ટ્રેનો શામેલ છે. હાલમાં આ તમામ ટ્રેનોનું ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. પરંતુ ટૂંક સમયમાં સુવિધા ટિકિટ કાઉન્ટરમાંથી પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે.