Western Times News

Gujarati News

કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત તીડ ત્રાટક્યાં, ખેડૂતો ચિંતામાં

સુરેન્દ્રનગર, રાજ્યમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે વધુ એક તીડ નામની આફત આવીને ઉભી છે. અત્યાર સુધી સરહદી વિસ્તારોમાં તીડનો આતંક હતો હવે પહેલી વાર સૌરાષ્ટ્રમાં પણ તીડના ટોળા દેખાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. વઢવાણ તાલુકાના શિયાણી ગામનાં ખેતરોમાં અચાનક તીડના ટોળેટોળા દેખાતા દોડધામ મચી ગઇ છે. ખેતીવાડી શાખા અધિકારીઓએ શિયાણીનો સર્વે કરી બાજુના ગામ ખજેલીને એલર્ટ કરી દીધું છે.

આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાં તીડનું આક્રમણ થયું છે. આ વિસ્તારનાં ગામનાં ખેડૂતો હવે વિવિધ રીતોથી તીડને પોતાના ખેતરોમાંથી ભગાવવાની કામગીરી કરી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના શિયાણી ગામની સીમમાં તીડનું ટોળુ આકાશમાં ફરી રહ્યું છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. લીંબડી તાલુકાના શિયાણીમાં તીડ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. તો લોકો સીમમાં થાળી વગાડીને અને બૂમો પાડી તીડ ઉડાડી રહ્યા છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના નસીતપુર અને મોતીધરાઈ ગામે તીડ ત્રાટકયા છે.

વાડીઓમાં તીડનું ટોળું આવી ચઢતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. રાત્રિના સમયે એકાએક તીડનું ટોળું ખેતરોમાં આવી ગયુ હતું. જેથી ખેડૂતો રાતેને રાતે જ તીડને દૂર કરવામાં લાગી ગયા હતાં. આ સાથે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સાતેક ગામમાં તીડના ઝુંડ દેખાયા છે. નવા ઇશનપુર, રણમલપુર, ધણાદ, માલણીયાદ, જુના ઇશનપુર ગામમાં તીડનો આતંક જોવા મળ્યો છે. તીડને કારણે તલ સહિતના અનેક પાકમાં ખેડુતોને નુકશાન થયા તેવી દહેશત સતાવી રહી છે. ત્યારે આ જાણ થતા જ ખેતીવાડી અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડ્‌યા હતા અને તીડનો નાશ કરવા માટે રાત્રિ દરમ્યાન દવાનો છંટકાવ કરવા માટેનું તંત્રએ આયોજન કર્યું છે.

નોંધનીય છે કે, રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતાં તીડનું સંકટ હજુ ટળ્યું નથી, ત્યાં તો બીજી શક્યતાએ બારણે દસ્તક દીધી છે. તીડ નિયંત્રણ વિભાગે આપેલા એલર્ટ મુજબ, આગામી જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં રાજસ્થાન કે પાકિસ્તાન તરફથી નહીં પરંતુ સોમાલીયા તરફથી તીડના ઝુંડનું આક્રમણ થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. વિભાગના મતે થોડા દિવસ પહેલા ગુજરાતથી ૧૦૦૦ કિલોમીટર દૂર સોમાલીયામાં તીડનું ઝુંડ દેખાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.