પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ લાભાર્થી બહેનોને LPGના ત્રણ સિલિન્ડરનું નિઃશૂલ્ક વિતરણ
મૂશ્કેલીના સમયમાં રાહત મળતા અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરની લાભાર્થી મહિલાઓમાં ખુશાલી
કેન્દ્ર સરકારે કોરોના મહામારીના પગલે લાદેલા લોકડાઉનમાં ગરીબ નાગરિકોને મદદરૂપ થવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.70 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા બાદ 20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અન્વયે યોજના ગરીબ લાભાર્થી મહિલાઓને રાંધવામાં અગવડ ન પડે એ માટે એપ્રિલ મહિનાથી સતત ત્રણ મહિના માટે મફત ગેસ સિલિન્ડર પૂરા પડાઇ રહ્યા છે. દેશના 8 કરોડ પરિવારો આ યોજનાથી લાભાન્વિત થઈ રહ્યા છે. 20 મે 2020ના સરકારી આંકડા મુજબ 6.8 કરોડ નિઃશૂલ્ક એલ.પી.જી. ગેસ સિલિન્ડરનું વિતરણ લાભાર્થીઓને થઈ ચૂક્યું છે.
પેટની આગને ઠારવા ઘરમાં ચૂલો સળગાવવો પડતો હોય છે. અને લાકડાના બળતણથી સળગતો ચૂલો પરિવારના સભ્યોનું પેટ તો ઠારે છે પરંતુ એ જ ચૂલાનો ધૂમાડો રસોઇ રાંધનાર મહિલાની આંખોમાં બળતરા ઉભી કરે છે અને એના સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડે છે. માટે જ આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીએ આવી મહિલાઓની વેદનાને જાણી દેશમાં ઉજ્જવલા યોજના શરુ કરી જે અંર્તગત દેશની કરોડો મહિલાઓને વિનામૂલ્યે ગેસ કનેકશન સાથે ગેસની બોટલ પણ મફતમાં આપવામાં આવી, જે ગરીબ મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની રહી હતી. તો વર્તમાન સમયની કોરોના વાયરસથી ઉભી થયેલ વિકટ પરિસ્થિતિમાં પણ ફરી એકવાર આ જ ઉજ્જવલા યોજના ગરીબ પરિવારોની વ્હારે આવીને ઉભી છે. દેશભરમાં કરોડો ઉજ્જવલા ગેસ ધારક મહિલાઓને આ સમયમાં ગેસની બોટલ સહાયના ભાગરૂપે મળી રહી છે. ગેસની બોટલના કંપનીને ચૂકવવા પડતા રૂપિયા સરકાર એ મહિલાના બેંક ખાતામાં સહાયરૂપે પાછા આપી રહી છે. જેનાથી એમ કહી શકાય કે મહિલાને ગેસની બોટલ વિનામૂલ્યે પ્રાપ્ત થઇ રહી છે.
અમરેલી જિલ્લાની મહિલાઓને પણ આ પ્રકારે ઉજ્જવલા યોજનાનો લાભ પ્રાપ્ત થતાં એમના આનંદનો કોઇ પાર નથી. લુણીધર ગામના લાભાર્થી જયશ્રીબેન જયંતિભાઇ ચાવડાનું કહેવું છે કે આ ઉજ્જવલા યોજના એ માત્ર અમને અપાતી સહાય નથી પરંતુ અમારા મુશ્કેલ સમયમાં અમને મળતો સરકારનો સથવારો છે.
તો તોરી ગામના કરીનાબેન ધીરુભાઇ રાઠોડે પી.આઇ.બી. ના પ્રતિનિધિને જણાવ્યું કે અમને મૂશ્કેલ સમયમાં સરકારે જે સહાય કરી છે, એ દર્શાવે છે કે આપણા પ્રધાનમંત્રીશ્રી અને દેશની વર્તમાન સરકાર અમારા જેવી મહિલાઓ માટે કેટલી ચિંતા કરે છે અને અમને કોઇ મૂંઝવણ ઉભી થાય તે પહેલાં જ મદદ કરવા તત્પર છે. આવી સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે .
તોરી ગામના જ ગંગાબેન રામજીભાઇ રાઠોડ પણ સરકાર તરફ્થી સમયસર મળેલી મદદથી ખૂશ છે. એમણે જણાવ્યું કે ગેસ સિલિન્ડરના રૂપિયા સરકારે એમના બેંક ખાતામાં સીધા જ જમા આપી દીધા, એનાથી એમના કુટુંબને ઘણી રાહત થઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓને સમયસર લાભ મળી રહે એ માટે તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના 1000 કરતા વધારે LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
લૉકડાઉનના સમયમાં પણ ગ્રાહકોને તેમના ઘર સુધી LPG સિલિન્ડરોની ડિલિવરી પહોંચાડતા વિતરકોને તેમણે અપીલ કરી હતી કે, કોવિડ-19 મહામારી સામેની લડાઇ દરમિયાન ગરીબોને સહાય કરવા માટે જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત PMUY લાભાર્થીઓને ત્રણ મફત LPG સિલિન્ડરની ડિલિવરી મહત્તમ સંખ્યામાં કરવા માટે તેઓ વધુ સક્રીય બને.
મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે LPG સિલિન્ડરોના સેનિટાઇઝેશન સહિત તેની ડિલિવરીમાં રાખવામાં આવતી તમામ તકેદારીઓની તેમજ ડિલિવરી બોય અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવાનો પણ આગ્રહ કર્યો હતો.