પ્રધાનમંત્રી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોનિક ચર્ચા થઇ
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ ગોતાબાયા રાજપક્ષે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવો વચ્ચે વર્તમાન કોવિડ-19 મહામારી અને પોતાના ક્ષેત્રોમાં આરોગ્ય તેમજ આર્થિક ક્ષેત્ર પર તેની અસરો અંગે ચર્ચા થઇ હતી.
પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, ભારત મહામારીની આ સ્થિતિના કારણે ઉભી થયેલી વિપરિત અસરો દૂર કરવા માટે શ્રીલંકાને શક્ય હોય તેવો તમામ પ્રકારે સહકાર આપવાનું ચાલુ રાખશે. રાજપક્ષેએ પ્રધાનમંત્રીને આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે તેમના દેશની સરકારે લીધેલા વિવિધ પગલાં અંગે માહિતી આપી હતી. આ સંદર્ભે, બંને નેતાઓ એ વાતે સંમત થયા હતા કે, શ્રીલંકામાં ભારતની સહાયથી ચાલી રહેલી વિકાસની પરિયોજનાઓમાં હવે ઝડપ લાવવાની જરૂર છે. તેમણે શ્રીલંકામાં ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા રોકાણ અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા અંગે શક્યતાઓ વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રીલંકાના લોકોનું આરોગ્ય સારું રહે અને તેમની સુખાકારી જળાવઇ રહે તે માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.