જીવન પર અંકુશ રાખવો સરળ કામ નથી !
“ઘરેથી નીકળીને ગાડીમાં ડ્રાઈવ કરતાં ઝાયડસ હોસ્પિટલના રસ્તે જતો હોઉ છું ત્યારે ‘મુક્તિધામ’ની ચીમની ના ધૂમાડા દેખાય છે- અહેસાસ થાય છે કે કોઈની ચિતા જલી ચૂકી છે… અને એક દિવસ મારો પણ આવો જ કાળો ધૂમાડો એજ ચીમનીમાંથી નીકળતો હશે !!” |
“મૃત્યુનો વ્યવહાર હજી સમજાતો નથી ! એ ખોટ એક જખમ છે, રુઝાય છે, પણ એ ઘા રહી જાય છે.” |
બનાવટી રીતે જિંદગીને લંબાવ્યે રાખવી અર્થહીન છે ! |
“જીવતાં આવડવું એ એક વાત છે ! મરતાં આવડવું એ બીજી વાત છે. ઘણાને એક પણ વાત આવડતી નથી. ઘણાને શોખથી જીવતાં આવડે છે, શાનથી મરતાં આવડે છે ! ક્યારેક મૃત્યુના સમાચાર એકાએક આવે છે, ગાલ ઉપર એક તમાચો મારીને ગાયબ થઈ જાય છે ! ઘણા લોકોની એક્ઝિટ પણ (Exit) પણ આશ્ચર્યજનક હોય છે ! જેમકે વેણીભાઈ પુરોહિત અચાનક એક્ઝિટ કરી ગયાં હતાં ! મન ખિન્ન થઈ જાય એ સાંભળીને – વાંચીને ! તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી લખનાર… અર્થી પર સૂતો… કેવો લાગતો હશે ? અહીં… આ સ્થિતિમાં… આ સાંભળતા.. આ વાંચતા શબ્દો ખરેખર ના સૂઝે !! ઉમાશંકર જોષીની વિદાય જરા પણ સ્પંદનો મુક્યાં વિના પસાર…!! ‘વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં… એકલો અટૂલો ઝાંખો પડ્યો’ ! લખનાર હવે હયાત નથી ! ‘પ્રભુને ગમ્યું તે ખરું’ એ કદાચ સૌથી ઉપ્યુકત લીટી છે ! પણ ન પૂરાય એવી ખોટ ખરેખર પડતી હોય છે ?… મૃત્યુનો વ્યવહાર હજી સમજાતો નથી ! એ ખોટ એક જખમ છે, રુઝાય છે, પણ એ ઘા રહી જાય છે ! આપણે વિચારેલો દરેક શબ્દ, આપણને જ જૂઠો લાગ્યા કરતો હોય છે, કારણ કે આપણા સ્વજન ના મૃત્યુનું કરાલ આપણાં આંસુ ઓથી પણ પલળતું નથી ! ખેર.. મૃત્યુ બધાને સમાનતા આપી દે છે અને કોઈકનું મૃત્યુ એકાએક આપણા શરીર પરના દરેક સફેદ વાળમાં જીવનનો વિદ્યુત પ્રવાહ વહાવી દે છે !.. જન્મે છે એનું મૃત્યુ નક્કી છે એવું શ્રી ભગવાને ગીતામાં કહયું છે, અને ગીતામાં ન કહયું હોત તો પણ એ ધ્રુવસત્યની આપણને ખબર હતી ! સ્વજનનું… આત્મીયજનનું મોત આપણને શોક આપી જાય છે ! મૌત, જિંદગી, માનવસંબંધો, વ્યવહારવિશ્વ આ બધું જ આંખો સામે જ્યારે જ્યારે ઘરેથી નીકળીને ગાડીમાં ડ્રાઈવ કરતાં ઝાયડસ હોસ્પિટલનાં રસ્તે જતો હોઉ છું ત્યારે ‘મુક્તિધામ’ની ચીમની ના ધૂમાડા દેખાય છે અને અહેસાસ થાય છે કોઈની ચિતા જલી ચૂકી છે અને ત્યાં હાજર રહેલાંઓ હવે ભસ્મ ને પ્રણામ કરશે ! અને એક દિવસ મારો પણ આવો જ કાળો ધૂમાડો એ જ ચીમની માથી નીકળતો હશે એવું બધુંજ આંખો સામે ઝિલમિલાઈ જાય છે !! સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ઝિંદગી યૂં હી તમામ હોતી હૈ.. વાળો શેર એના સર્જક શાયરે આવી જ એક મનોદશા માં લખ્યો હશે ! એક કહેવત વાંચેલી… ‘માણસ મરી ન જાય ત્યાં સુધી કહેવું જ નહીં કે એ સુખી હતો ! ન મરી જવાની ચિંતા અને જીવતા રહયા કરવાનો દુરાગ્રહ ઘણીવાર મૌતને અત્યંત કષ્ટદાયક કરી મૂકે છે ! જ્યારે આપણા જ શરીરનાં અંગો પર આપણો કાબૂ કે અંકુશ ન રહે, જ્યારે સમાજ અને જગત આપણી જ સતત ઉપેક્ષા કરે. જ્યારે આપણાં જ પોતાનાં સંતાનો માટે આપણે અસહ્ય થવા લાગીએ ત્યારે સમજ્વું કે જીવનલીલા શેષ કરવાનો પ્રહર આવી ગયો છે ! જીવન પર અંકુશ રાખવો સરળ કામ નથી. વીસમી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક- ગણિતજ્ઞ ડો. આલ્બર્ટ આઈનસ્ટાઈન ની અંતિમ બીમારી વખતે એરોટાએન્યુરીઝમ (આ લખનારને પણ આ જ બીમારી જીવંત છે) માટે ઓપરેશન કરવાનું હતું. આઈનસ્ટાઈને કહયુંઃ ‘બનાવટી રીતે જિંદગીને લંબાવ્યે રાખવી અર્થહીન છે. મે મારું કામ કરી લીધું છે, હવે વિદાયનો સમય થઈ ગયો છે ! ર્ડા. આલ્બર્ટ આઈનસ્ટાઈનને કોઈપણ વિધિ વિના અગ્નિદાહ કરવામાં આવ્યો હતો અને એમની ભસ્મ એક અજ્ઞાત સ્થાને ફેંકી દેવામાં આવી હતી કે જેથી એમની સમાધિ યાત્રા સ્થળ ન બની જાય ! પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ફિલ્મ અભિનેત્રી એલિઝાબેથ ટેલરનું કેલિફોર્નિયાની બેટી ફોર્ડ ક્લિનિકમાં ઓપરેશન કરવામાં આવ્યું. હોસ્પિટલે જયારે એને કહયું કે એનું ઓપરેશન સફળ થયું નથી અને દુખાવો ચાલુ રહયો હતો ત્યારે એલિઝાબેથ ટેલર કંટાળી ગઈ અને એને ખબર પડી કે એ હવે ચાલી શકશે નહીં ત્યારે પ૬ વર્ષીય એલિઝાબેથ ટેલરે કહયુંઃ ‘મારે હવે જીવવું નથી !’ સંવત્સરીઓ, મૃત્યુ શતાબ્દીઓ, પુણ્યતિથિઓ, દેહ વિલયની તારીખો યાને કે મોત જેને આપણે અવસાનોત્સવ બનાવી દીધો છે ! પ્રતિભાવ આપો. સાઠ વર્ષ પૂરાં થયાં છે,… પ્રતિભાવ આપો ! નવા નવા પરિવર્તનો થતાં જાય છે ! સાલ્લુ, મૃત્યુ પણ એક સામાજિક વ્યવહાર બની ગયું ?
ખીડકીઃ- શેખાદમ આબુવાલા કહેતા કે મને ભિખારીઓની વધતી જતી વસ્તીનું ખૂબ દુઃખ થઈ રહયું છે. લાલ સિગ્નલ ઉપર ગાડી રોકાય એટલે કારમાં એક હાથ લંબાયઃ ‘ઓ શેઠ ! ઓ શેઠ ! ભૂખા હૂં!… સંભાળય. બસ સ્ટેન્ડ પર પણ બસની રાહ જોતા ઉભા હોઈએ એટલે ‘ઓ શેઠ ! ઓ શેઠ ! ભૂખી હુંઃ ન સાંભળીએ ત્યાં સુધી બસ જ ન મળે ! મેં એક દિવસ નક્કી કર્યું કે આ ઓ.. શેઠ ! ઓ… શેઠ ! કેટલીવાર સાંભળવા મળે છે ! અને કરકસરથી કામ લેવા છતાં માફ કરો ! માફ કરો ! કેટલીવાર બોલવું પડે છે તેનો હિસાબ કાઢવો. સવારથી તે મોડીરાત સુધી મેં એકસો તેત્રીસવાર ! ‘ઓ શેઠ ! સાંભળ્યું અને મેં અઠાણુંવાર ‘માફ કરો’ ! કહયું હતું !… શેખાદમ કહેતાં કે સત્તાવીસ વરસ પછી પણ ભિખારીઓએ આપણને માફ કર્યા નથી ! વ્હોરાના કબ્રસ્તાનમાં શેખાદમની કબર આગળ ઉભો રહીને મેં કહેલું શેખાદમ… સડસઠ વર્ષ પછી પણ ભિખારીઓ એ આપણને માફ કર્યા નથી !!!… શું આપણે પણ પશ્ચિમના ઔદ્યોગિક દેશોને ઓ શેઠ ! ઓ શેઠ ! નથી કરી રહયાં ? જ્યારે તેઓ આપણને કહી દેશેઃ ‘માફ કરો!… કદાચ એ દિવસ આપણા દેશ માટે- ભવિષ્ય માટે સોનાનો દિવસ હશે… કેમ કે આપણી ભિક્ષાનીતિ બંધ થશે !
સ્ફોટકઃ- ધૃતબહેન ‘પંચાત’ વાળા કહેતાં એકજણને ત્યાં સાસુએ સારી વહુ ટીવીમાં જાઈને પોતાની વહુને કહયું કે, “જા આ કેટલી ડાહી છે, ખરી વહુ આવી હોય.. ત્યારે વહુએ પરત ચોપડાવ્યું કે, ‘માજી, એ વહુ ને અડધો કલાક ડાહી ડમરી થઈને રહેવાના દસ હજાર રૂપિયા મળે છે, એના જેવી જ હું પણ થઈને બતાવું અડધી કિંમતમાં, બોલો મંજૂર છે ?”