Western Times News

Gujarati News

અમદાવાદમાં હવે બાપુનગર, સરસપુર, નરોડા અને અમરાઈવાડી કોરોનાના હોટસ્પોટ બન્યા

રાજ્યમાં વધી રહેલા કોરોનાના દર્દીને લઈને કોંગી ધારાસભ્યોએ કરી મુખ્ય સચિવ સાથે મુલાકાત

અમદાવાદ, અમદાવાદમાં કોરોના મહામારીના આંક સતત વધી રહ્યા છે. પહેલા કોટ વિસ્તારને ભરડામાં લીધું હતું. હાલમાં ઉત્તર ઝોનનો વારો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં લોકડાઉનનો ચોથો તબક્કો અંતીમ ચરણમાં છે ત્યારે ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૧૧૯૫ કેસ સક્રિય છે. આ વિસ્તારોમાં નરોડા, સરસપુર, બાપુનગર, રખિયાલ વગેરે વિસ્તારો આવે છે. જ્યારે કોટ વિસ્તારના મધ્ય ઝોનમાં હવે ૧૧૧૨ એક્ટિવ કેસ છે.

મધ્યઝોનમાં જમાલપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયા વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદમાં હોટસ્પોટ તરીકે સૌથી પહેલા કોટ વિસ્તારોમાં આ વિસ્તારોને અસર પહોંચી હતી. હાલમાં કોરોનાએ અમદાવાદમાં ચોક્કસ તેનું સ્થાન બદલ્યું હોય તેવું લાગી રહ્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કેસો ઘટી રહ્યા છે જ્યારે નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કેસોનો વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કારણે દર્દીઓને પડતી મુશ્કેલી અંગે કોંગી ધારાસભ્યોએ મુખ્ય સચિવ મામલે રજૂઆત કરી હતી. ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ, હિંમત ભાઈ પટેલ સહિત અન્ય કોંગ્રેસના નેતાઓએ મુખ્ય સચિવને આવેદનપત્ર આપ્યુ હતુ.

કોરોનાના કારણે દર્દીઓન પડતી હાલાકી અને પ્રજાને હાલાકી ન પડે તે માટે સરકાર તરફથી કેવા આયોજનો કરવામાં આવી રહ્યા છે તે મામલે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યોએ મુખ્ય સચિવ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરી. ગાંધીનગર ખાતે કોંગ્રેસના ડેલિગેશન રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને મળીને આવેદનપત્ર આપ્યું હતુ..અને કોરોનાની પરિસ્થિતિમાં સરકાર કેવા પ્રકારના કામો કરી રહી છે. તેની જાણકારી માંગી હતી.સાથેજ તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોના સિવાયની અન્ય બિમારીઓ કેન્સર, હાર્ટ,કીડની, હાઈપર ટેન્સનની સારવાર પુનઃ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ કરવા રજૂઆત કરી હતી. શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્ય આપવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે.

પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાની કોઈ સ્પષ્ટ નીતી નથી. તે નીતિ નક્કી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે જ અમદાવાદ શહેરમાં મહામારી પર કાબૂ મેળવવા એગ્રીસેલી ટેસ્ટીંગની નિતી અપનાવવાની માંગ પણ કરી હતી. બીજી બાજુ ખાનગી હોસ્પિટલમાં કોવિડ ૧૯ ના ઈલાજ માટે તોતિંગ ફી ઉઘરાવવામાં આવતી હોવા અંગે પણ મુખ્ય સચિવને રજૂઆત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.