Western Times News

Gujarati News

ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય કોરોનાના ઝપેટમાં – જગદીશ પંચાલ હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ, અમદાવાદમાં હવે જાણીતી સેલિબ્રિટીઝ પણ કોરોનાના ઝપેટમાં આવી રહી છે. હવે રાજકીય નેતાઓ પણ તેનાથી બાકાત નથી. ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના નીકળ્યો છે. ભાજપના પ્રમુખ જગદીશ પંચાલને ૨ દિવસથી તાવ આવતો હતો. ગત રાત્રે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જગદીશ પંચાલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં ભાજપ-કોંગ્રેસના ૧૦ વધુ નેતાઓ કોરોનાનાં શિકાર બની ચૂક્યા છે.

અમદાવાદના શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલને કોરોના પોઝિટિવ આવતા તેઓને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જગદીશ પંચાલના કોરોના પોઝિટિવના સમાચાર વહેતા થતા તેઓએ ટિ્‌વટ કરીને પોતે હાલ ક્વોરેન્ટાઈન થયા હોવાનો ખુલાસો કર્યો હતો. તેઓએ ટિ્‌વટ કરીને કહ્યું કે, સવારથી ખૂબ લોકો મારા સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં છે. હું સ્વસ્થ છું મને કોઈ તકલીફ નથી. હાલ હું ક્વોરેન્ટાઈન છું, આપણે જલ્દી જ મળીશું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. છેલ્લા ૧૫-૨૦ દિવસથી દરરોજ ૨૫૦-૩૦૦ કેસ નોંધાઈ રહ્યાં છે. મંગળવારે સાંજથી બુધવારે સાંજ સુધી ૨૪ કલાકમાં નવા ૨૫૬ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૧ હજારને પાર પહોંચી ગઈ છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૧૦૯૭ કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદમાં થયા છે.

અમદાવાદ ગ્રામ્યના કેસ ૧૭૮ પર પહોંચી ગયા છે. ગઈકાલે બાવળામાં ૪ નવા કેસ નોંધાયા હતા. એક સાણંદ અને ૩ કેસ ધોળકામાં નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધી કુલ નવ લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ ૧૨૫ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ ગ્રામ્યનો ડિસ્ચાર્જ રેશિયો ૭૦ ટકા અને અમદાવાદ ૧૮ ટકા છે. એટલે કે, ૩૭ એક્ટિવ કેસ પૈકી ૩૦ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ૪ ટકા દર્દી એટલે કે ૭ દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ ૯ મોત એટલે કે ૫ ટકા દર્દીના મોત નિપજ્યાં છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.