શ્રી ખોડલધામ સમિતિ-અમદાવાદ દ્વારા ‘આરોગ્યના પંથે-મહામારીના હાથવગા ઉપાય’ વિષય પર યોજાયો વેબિનાર
ફેસબુકના માધ્યમથી લાખો લોકોએ વેબિનારને નિહાળ્યો –નિષ્ણાત ડૉ.એચ.વી.પટેલ દ્વારા ફેસબુક પર વેબિનાર થકી લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું
હાથ જોડીને અભિવાદન, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જાળવીશું તો અનેક રોગને દૂર રાખી શકીશુઃ નરેશભાઈ પટેલ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ સમતિ-અમદાવાદ દ્વારા કોરોના મહામારીના સમયમાં લોકોને ઘરે બેઠા આરોગ્યલક્ષી માર્ગદર્શન મળી શકે તે માટે વેબિનારનું આયોજન કરાયું હતું. આરોગ્યના પંથે મહારમારીના હાથવગા ઉપાય વિષય પર યોજાયેલા આ વેબિનારમાં નિષ્ણાત તબીબ દ્વારા લોકોને મહામારીના આ સમયમાં પોતાના અને પરિવારનું સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે રાખવી તે અંગેના જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ફેસબુકના માધ્યમથી લાખો લોકોએ આ વેબિનારનો લાભ લીધો હતો.
દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે હવે દરેક લોકોએ પોતાના આરોગ્યની જાળવણી જાતે જ કરવી અનિવાર્ય બની ગયું છે. ત્યારે મહામારી સામે લડવા માટે લોકોને આરોગ્ય અંગેનું જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી શ્રી ખોડલધામ સમિતિ-અમદાવાદ દ્વારા આરોગ્યના પંથે મહામારીના હાથવગા ઉપાય વિષય પર વેબિનાર યોજાયો હતો.
આ વેબિનારમાં ઝુમ એપ્લિકેશન પર અમદાવાદના જાણીતા તબીબ એચ.વી. પટેલ સાહેબ દ્વારા લોકોને કઈ રીતે આજના આ કપરા સમયમાં સ્વાસ્થ્ય અંગેની જળવણી રાખવી તેના અતિ ઉપયોગી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઘરમાં જ રહીને કેવા કેવા ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકાય, રોગપ્રતિકાર શક્તિ વર્ધક ક્યા આયુર્વેદ ઔષધ ઉપયોગમાં લેવા, આપણી સ્વાસ્થ્યની અવિકસિત બાજુને કેવી રીતે વિકસાવવી વગેરે વિષયો પર માર્ગદર્શન પૂરું પડાયું હતું.આ વેબિનારને ફેસબુક પર લાઈવ પ્રસારિત કરાયો હતો. ફેસબુક પર લાખો લોકોએ આ વેબિનારને નિહાળ્યો હતો.
આ વેબિનારમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ પણ જોડાયા હતા. શ્રી નરેશભાઈ પટેલે વેબિનારમાં જણાવ્યું હતું કે, કુદરત ન ધારે તો પાંદડું પણ હલે નહીં તે આ સમયમાં સાબિત થઈ ગયું છે.આગામી સમયમાં આપણે બધાએ સ્વયંશિસ્ત ભર્યું વાતાવરણ હવે પછીની જિંદગીમાં લાવવું પડશે. કુદરતે આપણને આ સમયમાં અનેક સંકેતો આપ્યા છે.
આગામી દિવસોમાં કેવી જીવનશૈલી અપનાવવી તે અંગે વાત કરતાં શ્રી નરેશભાઈ પટેલે કહ્યું કે, હવે પછી આપણે હાથ જોડીને જ અભિવાનદ કરીશું તો બીજા રોગો પણ આપણી નજીક નહીં આવી શકે. સ્વચ્છતા રાખીશું, જરૂરિયાત મુજબનું કામ કરીશું, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરીશું અને સ્વાસ્થ્ય જાળવીશું તો આવા અનેક રોગોથી બચી શકીશું. અંતમાં શ્રી નરેશભાઈ પટેલે આ પ્રકારના વેબિનારનું આયોજન કરવા બદલ શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદની સમગ્ર ટીમ અને ડૉક્ટર એચ.વી. પટેલ સાહેબને અભિનંદન પાઠવ્યા હતા.