Western Times News

Gujarati News

ડાંગ જિલ્લામાં નવા બે કોરોના પોઝેટીવ કેસ મળ્યા

(ડાંગ માહિતી બ્યૂરો)આહવા: આરોગ્ય વિભાગની સતર્કતાના કારણે ડાંગ જિલ્લો કોરોનામુક્ત બન્યા બાદ લાંબા સમયબાદ ડાંગ જિલ્લામાં ફરી આજરોજ કોરોના વાઇરસ કોવિડ ૧૯ ના બે કેસો ધ્યાન ઉપર આવ્યા છે. ડાંગ જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના દિશા-નિર્દેશ સાથે જિલ્લાના વહીવટી તંત્ર,આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા ભારે જહેમતભરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આહવા તાલુકાના હનવતચૌંડ (નીચલુ ફળિયું) ગામના ટ્‌વીંકલબેન અંકેશભાઇ બાગુલ (ઉ.વ.૧૯ વર્ષ) તેમની ટ્રાવેલ અંગેની કોઇ હિસ્ટ્રી નથી પરંતુ સગર્ભાવસ્થામાં આહવા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર તપાસણી માટે આવતા હતા તેમજ સુન્દા (ઉપલુ ફળિયું) ગામના શાંતિબેન તુલસ્યાભાઇ મહાકાળ (ઉ.વ.૬૩ વર્ષ) હાઇપર ટેન્શન જેવી બિમારીથી પીડાતા હોય તેઓ પણ સિવિલ હોસ્પિટલ,આહવા ખાતે સારવાર માટે અવાર-નવાર આવતા હતા.

તેઓ પણ ખાસ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ન હોવા છતા તેમના કોરોના કોવિડ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવતા આ બંને દર્દીઓને કોવિડ ૧૯ હોસ્પિટલ,આહવા ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ તુરંત હનવતચૌંડ અને સુન્દા ગામની મુલાકાત લઇ કોરોના પોઝેટીવ દર્દીઓના ધરની મુલાકાત લઇ કુટુંબીજનોના ખબર અંતર પુછયા હતા. સાથે આરોગ્ય વિભાગની ટીમને સર્વેલન્સની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તેઓના સીધા સંપર્કમાં આવેલા વ્યક્તિઓ,સગા સબંધીઓની યાદી તૈયાર કરી તેઓને કોરન્ટાઇન કામગીરી શરૂ કરી દેવાઇ હતી. વધુમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરી ગામના સરપંચશ્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. પીંપરી સામુહિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ઉપરોક્ત બંને ગામોમાં ૪૦ ધરોના કુલ ૨૧૯ વ્યક્તિઓના સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા. તેમજ કુટુંબના ૬ સભ્યોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં ડાંગ જિલ્લામાં ૯૫૩ વ્યક્તિઓને કોવિડ ૧૯ ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અગાઉ એપ્રિલ માસ દરમિયાન ૩ કોરોના પોઝેટીવ નોંધાયા હતા. જેઓ સારવાર બાદ સંપૂર્ણ સાજા થતા નિયમાનુસાર રજા આપવામાં આવી હતી. આજરોજ ઉપરોક્ત બંને ગામોમાં મુલાકાત વેળાએ પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત,નાયબ પોલીસ અધિક્ષક જે.આઇ. વસાવા, મામલતદાર ધવલ સંગાડા, માર્ગમકાન પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી માહલા, વધઇ પોલીસ સબ ઈન્સ્પેકટર શૈલેષભાઇ રાઠોડ, આહવા પી.એસ.આઇ. મોદી ર્ડા.પાઉલ વસાવા,ર્ડા.કોમલ ખેંગાર, હનવતચૌંડ સરપંચશ્રી હેમંતભાઇ, ધોધલી સરપંચશ્રી આનંદભાઇ, માજી ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ સહિત અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.