૧૨ યુવાનોને માસ્ક વગર ઊભા રહીને સેલ્ફી લેવાનું ભારે પડ્યું
એસજી હાઈવેના ઈસ્કોનબ્રિજ પર ઘણા મિત્રો ટોળે વળી સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ સેલ્ફી લેતાં હતા
અમદાવાદ, અનલોક-૧ જાહેર થયા બાદ પણ પોલીસની કાર્યવાહી હતી તેમની તેમ જ છે. ત્યારે ઈસ્કોનબ્રિજ પર આનું એક ઉદાહરણ જાવા મળ્યું. બારેક જેટલા જુવાનિયાઓ ગ્રુપ સેલ્ફી લેવા જતા તેઓને તેમની એક ક્લિક ભારે પડી હતી. આ મિત્રો ગ્રુપ સેલ્ફી લેવા જતા જ ત્યાંથી પોલીસ નીકળી અને પોલીસે મોઢે રૂમાલ ન બાંધનારા અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનારા આ મિત્રોની ધરપકડ કરી હતી.
અનલોકમાં પણ અનેક લોકો નિયમોનું પાલન ન કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે એસજી હાઈવે પર પણ એક એવો કિસ્સો બન્યો જે જાણીને નવાઈ લાગે. એસજી હાઈવે પરના ઈસ્કોનબ્રિજ પર કેટલાક મિત્રો ટોળે વળીને માસ્ક પહેર્યા વગર સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ સેલ્ફી લેતાં હતા.
તેવામાં સેટેલાઈટ પોલીસની વાન ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે ગાડી રોકીને આ તમામ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે આ તમામ લોકો અનેક સમય બાદ બહાર ગ્રુપમાં નીકળ્યાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. પણ કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ બંધાયેલી હોવાથી પોલીસે સહેજ પણ કચાશ રાખી ન હતી. પોલીસે આ તમામ લોકો સામે ગુનો નોંધી તેમની જાહેરનામા ભંગના ગુના બદલ અટકાયત કરી હતી.
સેટેલાઈટ પોલીસે કાલુપુરમાં રહેતા મોહમદ ફાઈઝ શેખ, અદનાન ખાન પઠાણ, મહમદ ઈરફાન શેખ, મહમદ ઓસામા મલેક, બિલાલ સૈયદ, મુશરફ મલા, વેજલપુર માં રહેતા અબ્દુલા રજાક શેખ, જમાલપુરમાં રહેતા સાદ અલગોટાવાલા, આસ્ટોડીયામાં રહેતા અતિક ભવરવાલા, પાલડીમાં રહેતા ફઈમ સીધા, જમાલપુરમાં રહેતા સાકીબ મદોસરવાલા અને કાલુપુરમાં રહેતા મહમદ ઉજેર અરબ નામના યુવાનોની ધરપકડ કરી હતી.