કોરોનાગ્રસ્ત મહિલાની લાશ બાથરૂમથી ૮ દિવસ બાદ મળી

હોસ્પિટલની બેદરકારી – દિવસમાં બે-ત્રણ વખત બાથરૂમ સાફ થવા છતાં લાશ પર નજર કેમ ન ગઈ એ મોટો પ્રશ્ન
મુંબઈ, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપ એક ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના જાલગાંવની સિવિલ હોસ્પિટલમાં ભારે બેદરકારી સામે આવી છે. અહીં હોસ્પિટલના બાથરૂમમાં ૮૦ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ મળી હતી, જે ૨ જૂનથી ગુમ હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ૧ જૂને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી જૂને સમાચાર આવ્યા કે તે (મહિલા) ગુમ થઈ ગઈ છે. મહિલાના ગુમ થયાના અહેવાલ પણ પોલીસમાં નોંધાયા છે. એ દરમિયાન, હોસ્પિટલમાં લાશ મળી આવતાં હોબાળો મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ૮૦ વર્ષીય મહિલાને કોરોનાના લક્ષણો મળ્યા બાદ મહારાષ્ટ્રની જાલગાંવ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. તેનો કોરોના રિપોર્ટ ૧ જૂને પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે સમાચાર આવ્યા કે મહિલા ગુમ થઈ ગઈ છે. જેના લીધે સમગ્ર મામલે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવાઈ હતી.
મહિલાના પરિવારના જણાવ્યા મુજબ બુધવારે સવારે ૯.૩૦ વાગ્યે તેમને કહેવામાં આવ્યું હતું કે મહિલાની લાશ એ જ હોસ્પિટલના બાથરૂમમાં મળી આવી હતી. જલગાંવના ડીએમ અવિનાશ ડાંગેએ કહ્યું છે કે આ ખૂબ ગંભીર બાબત છે. આ અત્યંત બેદરકારી છે. દિવસમાં ૨ થી ૩ વખત હોસ્પિટલના બાથરૂમ સાફ કરવામાં આવતા હતા. તો બાથરૂમમાં મહિલાને કોઈએ કેમ જોઈ નહીં. અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું.