નીરવ મોદીની રૂ. ૧૪૦૦ કરોડ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ

મુંબઈ, પ્રિવેશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે પંજાબ નેશનલ બેંકમાં રૂ. ૧૩,૫૭૦ કરોડના કૌભાંડ બાદ ભાગી ગયેલા ઉદ્યોગપતિ નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે મની લોન્ડરિંગ કેસ હેઠળ નીરવ મોદીની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ફ્યુજિટિવ એક્ટ હેઠળ આપવામાં આવ્યો છે. કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નીરવ મોદીની મુંબઈ, દિલ્હી, જયપુર, અલીબાગ, સુરતમાં મિલકત છે, જેની કિંમત લગભગ રૂ. ૧૪૦૦ કરોડ છે. જપ્ત કરાયેલ તમામ સંપત્તિ ભારત સરકારના કબજામાં હશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપેલા આદેશમાં કોર્ટે પંજાબ નેશનલ બેંક અને બેન્કોના કન્સોર્ટિયમ માટે અનામત રાખેલી તેની સંપત્તિ છોડી દેવા જણાવ્યું છે. મોદીની સંપત્તિ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર એક્ટ ૨૦૧૮ની કલમ ૧૨ (૨) અને (૮) હેઠળ કેન્દ્ર સરકારના કબજામાં રહેશે. કાયદા મુજબ જો કોઈ કેસમાં આરોપી ફરાર આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવે છે તો પછી એફઇઓ કાયદા હેઠળ કેન્દ્ર સરકારને તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૦૧૮માં નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવા અદાલતની મંજૂરી માગી હતી.
નીરવ મોદીની મુંબઈ, દિલ્હી, જયપુર, અલીબાગ, સુરતમાં સંપત્તિ છે. આ શહેરોમાં તેમના વૈભવી મકાનો, ફ્લેટ્સ, કરોડોના એપાર્ટમેન્ટ, વૈભવી ઓફિસો, ઘણા પ્લોટ છે. નીરવ મોદીના મુંબઈના વરલીમાં સમુદ્ર મહલ નામની બિલ્ડિંગમાં છ એપાર્ટમેન્ટ છે. દરેક એપાર્ટમેન્ટની કિંમત લગભગ રૂ. ૧૦૦ કરોડ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુજબ, મુંબઈની સેશન કોર્ટ નજીક કાલાઘોડા વિસ્તારમાં નીરવ મોદીનું ૩૫૦૦ સ્ક્વેર ફીટનું રિધમ હાઉસ નામનો મોટું મ્યુઝિક સ્ટોર, પેડર રોડ પરની મિલકત, બ્રિચ કેન્ડી રોડ પર એક ફ્લેટ, ઓપેરા હાઉસના ૩ ફ્લેટ જપ્ત કરવામાં આવશે.મુંબઈ, જયપુર, સુરતમાં ફોરસ્ટાર ડાયમંડ્સ કંપનીના નામથી ઓફિસો છે.
જ્યારે દિલ્હીના પોશ વિસ્તારોમાં ઘણી મિલકતો છે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ભવ્ય ઓફિસ છે. મહારાષ્ટ્રમાં અલીબાગ કિનારે એક વૈભવી બીચ વિલા છે.માર્ચ ૨૦૨૦માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નીરવ મોદીની ઘણી સંપત્તિઓને જપ્ત કરી હરાજી કરી હતી. આમાં મોંઘી પેઇન્ટિંગ્સ, ઘડિયાળો, પર્સ, મોંઘી કાર, હેન્ડબેગ જેવી ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનુસાર, હરાજી દરમિયાન લગભગ રૂ. ૫૧ કરોડ મળ્યા હતા.