ફુટબોલરે પાંચ દિવસના શિશુને લઈ હોસ્પિટલના ચક્કર કાપ્યા
લાઈબેરિયાના ખેલાડીને એકેય હોસ્પિટલે જગ્યા ન આપી
કોલકાતા, કોરોના વાયરસના પેશન્ટને પ્રાથમિકતા આપવાના પ્રયાસમાં અન્ય દર્દીઓની હાલત શું થાય છે અને તંત્ર કેવી રીતે કામ કરે છે તેનો નમૂનો છે અંસુમાન ક્રોમાહ છે. લાઇબિરીયાનો આ ફૂટબોલર કોલકાતામાં રહે છે જ્યાં તેની પત્નીએ પાંચેક દિવસ અગાઉ બાળકીને જન્મ આપ્યો હતો બાળકી બીમાર હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી જરૂરી હતી ત્યારે ક્રોમાહ અને તેની પત્ની પૂજા આખી રાત એક પછી એક હોસ્પિટલમાં ચક્કર કાપતા રહ્યા હતા.
કોઈએ કહ્યું કે તેમની પાસે બેડ નથી તો કોઈએ કહ્યું કે અહીં તો માત્ર કોરોનાના જ પેશન્ટને સારવાર અપાય છે. અંતે તેણે પોતાની બાળકીને પાર્ક સ્ટ્રીટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ગયા વર્ષે કોલકાતા ફૂટબોલ લીગમાં ઐતિહાસિક દેખાવ કરનારી પિયરલેસ એફસીની ચેમ્પિયન ટીમનો કેપ્ટન ક્રોમાહ ગયા બુધવારે પિતા બન્યો હતો શનિવારે તેની પુત્રીમાં કમળાના રોગના લક્ષણો દેખાયા હતા. ક્રોમાહ અને પૂજા તેની પુત્રી બિંદુને શામબાઝાર ર્નસિંગ હોમ લઈ ગયા જ્યાં તેનો જન્મ થયો હતો. પણ ત્યાં કોઈ બેડ ખાલી ન હતો એટલે તેને ત્યાં દાખલ કરી શકાઈ નહીં.
ત્યાર બાદ તેઓ અનેક ખાનગી હોસ્પિટલમાં ગયા પણ કોઈએ તેમને એન્ટ્રી આપી નહી. અંતે પોલીસે દરમિયાનગીરી કરી અને એક ખાનગી હોસ્પિટલમાં તેને જગ્યા મળી. ક્રોમાહે જણાવ્યું હતું કે આ અમારું પ્રથમ સંતાન છે અને અમે જે રીતે અડધી રાતે હોસ્પિટલ શોધવા માટે નીકળ્યા હતા તે અમારા માટે એક ખરાબ સ્વપ્ન હતું. અમે અડધી રાત્રે ભાગમભાગ કરી રહ્યા હતા પરંતુ કોઈએ અમારી મદદ કરી નહીં. એક હોસ્પિટલે તો અમને ત્રણ કલાક રાહ જોવડાવી અને અમે બેસી રહ્યા. અંતે તેમણે અમને કહી દીધું કે જગ્યા નથી બીજે લઈ જાઓ.