રિવર્સ ક્વોરંટિનની પદ્ધતિ લાગુ કરનારો રાજયમાં અમદાવાદ જિલ્લો સૌ પ્રથમ
સેમ્પલ ટેસ્ટિંગ બુથ, હેલ્થ ચેકપોસ્ટ, મોબાઈલ ટેસ્ટિંગ વાનઅને રિવર્સ ક્વોરંટિન અમદાવાદ જિલ્લાની આગવી પહેલ…
લોકડાઉનઅને કોવિડ-૧૯ અંતર્ગત વિવિધ માર્ગદર્શિકાઓ અને સંલગ્ન રણનીતિના અમલીકરણમાં અમદાવાદ જિલ્લાએ સક્રિયપણે કામગીરી કરી છે તેના પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસને એક ચોક્કસ લેવલ સુધી અટકાવી શકાયો છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે અમદાવાદ જિલ્લામાં રિવર્સ ક્વોરંટિન અમલી બનાવીને કોરોનાની તીવ્રતાને ઓછી કરાઈ છે. રિવર્સ ક્વોરંટિન સમાજના ચોક્કસ વયજુથના લોકોને અલિપ્ત કરવાની પ્રક્રિયા છે જેને સંક્રમણનો સૌથી વધુ ખતરો છે.
વયોવૃદ્ધ લોકોને સંક્રમણનો સૌથી વધુ ખતરો રહે છે વળી જો તેઓ સંક્રમિત બને તો ઉંમરના કારણે તેમના શરીરમાં વાયરલ લોડ વધારે રહે છે અને સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે આથી તેઓને આગોતરા આયોજનરૂપે રિવર્સ ક્વોરંટિન કરવામાં આવે છે. જ્યારે નોર્મલ ક્વોરંટિનમાં સંક્રમિત વ્યક્તિ કે તેના સંપર્કમાં અવેલી વ્યક્તિને અલિપ્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે ૬૦ વર્ષ કે તેથી વધુ વયજૂથના લોકોને રિવર્સ ક્વોરંટિન કરવામાં આવે છે. કેન્સર, હાર્ટ, ઈમ્યુન સીસ્ટમ નબળી હોય, નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓનો આમાં સમાવેશ કરવામાં આવે છે. ૬૦ વર્ષની વયજૂથ પૈકીના ૧૦ % લોકોને પ્રથમ તબક્કામાં તથા સામાન્ય કે ભારે બીમારી ધરાવતા ૫૯ % લોકોને બીજા તબક્કામાં રિવર્સ ક્વોરંટિન કરવામાં આવે છે.
તેઓએ જણાવ્યું કે ગ્રામયોદ્ધા કમિટી અમદાવાદ જિલ્લાની પહેલ હતી જેની ભારત સરકારે પણ નોંધ લીધી છે. ગ્રામ યોદ્ધા કમિટીમાં સરપંચ, તલાટી, સામાજિક કે ધાર્મિક આગેવાન, એક શિક્ષકે, એક કોન્સ્ટેબલ અને એક આરોગ્ય કર્મીનો સમાવેશ કર્યો હતો.આ ઉપરાંત આઇસોલેટેડ મોબાઈલ ટેસ્ટિંગ વાન, માઈક્રો-પ્લાનિંગ સાથે છેવાડાના ગામ સુધી પહોંચી સેનીટાઇઝિંગ અને ફોગિંગની કામગીરી કરવામાં આવી છે.
૬૦થી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને સગર્ભા સ્ત્રીઓ માટે રિવર્સ ક્વોરંટિનની પદ્ધતિ લાગુ કરનારો કેરળ રાજ્ય બાદ અમદાવાદ જિલ્લો દ્વિતિય બન્યો છે.
શહેરની બોર્ડર તથા શહેરમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશવાના માર્ગ પ્ર ૯ મળી કુલ ૧૨ હેલ્થ ચેકપોસ્ટસાથે સાથે સેમ્પલ ટેસ્ટિંગ બુથ પણ અમદાવાદ જિલ્લા પંચાયતની પહેલ હતી જેની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઇ છે. આ બધી પહેલથી અમદાવાદ જિલ્લામાં ટેસ્ટ રેટ વધ્યો છે અને ગ્રામ્ય સ્તરે ઇન્ફેક્શન રેટ અને ડેથ રેટસંપૂર્ણપણે નિયંત્રિત રહ્યો છે.
તેઓએ જણાવ્યું કે વડીલો, સગર્ભા સ્ત્રીઓ,હાયપરટેન્શન,બ્લડ-પ્રેશર અને અન્ય કોમોર્બિડ અવસ્થાવાળા વ્યક્તિઓની ઓળખ અને વિશેષ સારવારની કામગીરીમાં અમદાવાદ જિલ્લો પ્રથમ રહ્યો છે.જિલ્લાસ્તરે પંચાયત વિભાગ દ્વારા આયુષ ઉકાળા અને હોમિયોપેથીક દવાનું વિતરણ મોટાપાયે થયું છે.
સ્ટ્રીટ વેન્ડર્સ સ્ક્રિનિંગ, એ.પી.એમ.સી.માં સ્ક્રિનિંગ, ઇન્ડસ્ટ્રીયલ સ્ક્રિનિંગ વગેરે ફોકસ્ડ ગ્રુપ ટેકનીકના આધારે આપણે સંક્રમણને અટકાવવામાં સફળ રહ્યા.અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકા ગ્રીન ઝોનમાં રહ્યા તેનું કારણ આ તમામ કામગીરી અને પહેલ છે. જિલાની તમામ કામગીરી માટે ૧૪ વિભાગ અને ૨૯ પરિમાણો-પેરામીટર્સ ધ્યાને લેવાયા છે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે.