ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નૌગામા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
કોરોના સામેની લડતમાં ૪૩ જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું : કોરોના સંદર્ભેની તકેદારી સાથે રક્તદાન કેમ્પમાં ૪૩ યુનિટ બ્લડ કલેક્શન થયું
લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે જિલ્લાના કોઈ પણ બીમારીના દર્દી તેમજ થેલેસેમિયાના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે બાલાસિનોર તાલુકામાં આવેલ ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલ ના સહયોગથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સ્વપ્નિલ શાહની રાહબરીમાં ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં શ્રી ડૉ. આર.આર સકસેના તેમજ આયુષ મેડીકલ ઓફિસર ડૉ ધવાની શાહ તથા નૌગામા સી એચ. ઓ શ્રી પ્રદીપભાઈ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગોધરાના શ્રી ડૉ ચૌહાણ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. જે.પી.પરમાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓથવાડની ટીમ દ્વારા યોજવામાં આવેલ આ રક્તદાન કેમ્પમાં ૪૩ જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર બની અનેરું યોગદાન આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં કોરોના વાયરસના સંક્રમણની નિયંત્રણમાં રાખવા માટેના સરકારના વખતો વખતના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ખૂબ જ કાળજી પૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું કોઈપણ રક્તદાતા ને કોરોના ચેપ ન લાગે તે માટે દરેકે દરેક રક્તદાતાને નવી બેડશીટ પાથરીને રક્તદાન કરાવવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી સાથે તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસરશ્રી બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલાઓ સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓની બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું સુચારું આયોજન કર્યું હતું.
રક્તદાન એ શ્રેષ્ઠ અમૂલ્ય દાન છે. જે કોરોના ના દર્દી અને થેલેસેમિયાનાં દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારીનાં કપરા સમય વચ્ચે આ રક્તદાન શિબિર ઘણી જ ઉપયોગી બની જન જન માટે ઘણી જ સાર્થક પુરવાર થશે.