Western Times News

Gujarati News

૨૦૧૧ વર્લ્ડકપ ફાઇનલ ફિક્સ હતીઃ મહિદાનંદાનો આક્ષેપ

ભારતે ફાઇનલ મેચમાં શ્રીલંકાને છ વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે મહિદાનંદા શ્રીલંકાના રમતમંત્રી હતા
કોલંબો,  શ્રીલંકાના ભૂતપૂર્વ રમત પ્રધાન મહિદાનંદા અલુથગામાએ એવો આક્ષેપ કર્યો છે કે ૨૦૧૧માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ ક્રિકેટ મેચ ફિક્સ હતી અને શ્રીલંકન ટીમે એ મેચ વેચી દીધી હતી. જોકે શ્રીલંકાના ભૂતપૂર્વ સુકાની અને મહાન ક્રિકેટર મહેલા જયવર્દને અને વર્લ્ડ કપની ફાઇનલ મેચના શ્રીલંકાના સુકાની કુમાર સંગાકરાએ આ આક્ષેપોને વાહિયાત ગણાવીને પુરાવા રજૂ કરવાની માગણી કરી છે. એક સ્થાનિક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં અલુથગામાએ જણાવ્યું હતું કે ફાઇનલ મેચ ફિક્સ હતી.

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ભારતે એ ફાઇનલમાં શ્રીલંકાને છ વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. જેમાં ગૌતમ ગંભીરે ૯૭ અને ધોનીએ અણનમ ૯૧ રન ફટકાર્યા હતા. ભારત આ સાથે બીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તેના ૨૮ વર્ષ અગાઉ ૧૯૮૩માં કપિલદેવની ટીમે ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને કપ જીત્યો હતો. ૨૦૧૧માં વર્લ્ડ કપ રમાયો ત્યારે મહિદાનંદા શ્રીલંકાના રમત પ્રધાન હતા. તેમણે જણાવ્યું કે એ ફાઇનલ ફિક્સ હતી આજે હું કહી શકું છું કે અમે વર્લ્ડ કપ વેચી દીધો હતો

પરંતુ દેશની પ્રતિષ્ઠા અને સન્માન જોતાં આથી વધુ કાંઈ કહેવા માગતા નથી. તેમણે કોઈ પુરાવો પણ આપ્યો નથી પરંતુ માત્ર એટલું જ કહ્યું કે એ મેચમાં શ્રીલંકા જીતી શકે તેમ હતું. હું કોઈ ખેલાડીનું નામ નહીં લઉં પણ મને ચોક્કસપણે ખાતરી છે કે ખેલાડીઓનું એક ગ્રૂપ ફિક્સ કરવામાં સામેલ હતું. દરમિયાન મહેલા જયવર્દનેએ જણાવ્યું હતું કે દેશમાં ચૂંટણી આવી રહી છે

એટલે આ સરકસ શરૂ થઈ ગયું છે, આ આક્ષેપ સામે કોઈ પુરાવા કે કોઈના નામ જાહેર થતાં નથી. આ મેચમાં શ્રીલંકાએ ૫૦ ઓવરમાં છ વિકેટે ૨૭૪ રન નોંધાવ્યા હતા. મહેલા જયવર્દનેએ ૮૮ બોલમાં ૧૦૩ રન ફટકાર્યા હતા સંગાકરાએ ૩૦ અને કુલશેખરાએ ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. લસિત મલિંગાએ ભારતના સચિન તેંડુલકર અને સેહવાગની વિકેટ તો સસ્તામાં ખેરવી દીધી હતી પરંતુ ગૌતમ ગંભીર અને મહેન્દ્રસિંહ ધોનીએ ટારગેટ ચેઝ કરીને ટીમને ટાઇટલ અપાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.