ઉતરઝોનમાં માત્ર 18 દિવસમાં કોરોનાના 1071 કેસ અને 109 ના મૃત્યુ
અમદાવાદ (દેવેન્દ્ર શાહ) : રાજ્યના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોના કેસ ની સંખ્યામાં અસામાન્ય વધારો થયો છે. અમદાવાદના હોટ સ્પોટ બનેલા મધ્ય ઝોન ના કોટવિસ્તાર કે જ્યાં શહેરના સૌથી વધુ કેસો હતાં ત્યાં પોઝિટિવ કેસ ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અનલોક1માં કોટ વિસ્તારમાં 18 જૂન સુધી દૈનિક સરેરાશ 32 જેટલા જ કેસ નોંધાયા છે.મધ્યઝોનની જેમ અન્ય હોટસ્પોટ દક્ષિણઝોનમાં પણ પોઝીટીવ કેસ ઘટી રહ્યા છે.જયારે ઉતરઝોન માં પોઝિટિવ કેસ ની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. અનલોક -1 દરમ્યાન માત્ર પ્રથમ 18 દિવસમાં નોંધાયેલ પોઝિટિવ કેસના લગભગ 20 ટકા કેસ અને 25 ટકા મૃત્યુમાત્ર ઉતરઝોનમાં કન્ફર્મ થયા છે
ઉત્તરઝોનમાં માત્ર 18 દિવસમાં એક હજાર કરતા વધ કેસ અને 100 કરતા વધુ મરણ થયા છે.અનલોક 1 માં પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન માં પણ કેસ વધી રહ્યા છે. શહેર માં પ્રથમ ચાર લોકડાઉન કરતા અનલોક 1 માં દૈનિક સરેરાશ કેસ વધ્યા છે.
રાજ્યમાં લોકડાઉન 4.0 બાદ અનલોક 1 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઘણી બધી છુટછાટ આપવામાં આવી છે. અનલોક 1 ના પ્રથમ પાંચ દિવસ દરમ્યાનઅમદાવાદ શહેરમાં 1387 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 117 વ્યક્તિ ના મૃત્યુ થયા હતા.
ત્યારબાદ માત્ર 13 દિવસમાં વધુ 3933 કેસ અને 294 મરણ થયા છે. શહેરમાં અનલોક 1 દરમ્યાન માત્ર 18 દિવસમાં 5320 કેસ અને 411 મરણ નોંધાયા છે. સંખ્યામાં સામાન્ય વધારો થયો છે.અનલોક1 માં ઉતરઝોન હોટસ્પોટ બન્યું છે.અનલોક 1 ના પ્રથમ 05 દિવસ દરમ્યાન 1387 કેસ નોંધાયા હતા જે પૈકી ઉતરઝોનમાં 336 કેસ નોંધાયા છે.ઉતરઝોનમાં જૂન મહિનાના 18 દિવસમાં કોરોનાના 1071 કેસ નોંધાયા છે જે પૈકી છેલ્લા ચાર દિવસમાં 228 કેસ કન્ફર્મ થયા છે.ઉતરઝોનમાં અનલોક1દરમ્યાન મૃત્યુઆંક પણ વધ્યો છે.જૂનના 18 દિવસમાં 109 દર્દીઓના મરણ થયા છે.
આ આંકડા ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે. ચાલુમાસ મૃત્યુદર 10 ટકા જેટલો થાય છે. ઉતરઝોનની સાથે સાથે પશ્ચિમ ઝોનમાં પણ કેસ વધી રહ્યા છે. તેમજ જૂન મહિનામાં કોરોનાના 1026 પોઝીટીવ કેસ નોંધાયા છે. પશ્ચિમઝોનમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કોરોના વિસ્ફોટ થયો હોય તેમ લાગી રહ્યું છે.
પશ્ચિમઝોનમાં 15 જૂને 81, 16 જૂને 60, 17 જૂને 62 અને 18 જૂને 73 કેસ જાહેર થયા છે. આમ,પશ્ચિમઝોનમાં માત્ર ચાર દિવસમાં જ 276 કેસ નોંધાયા છે. જે ચાલુ માસમાં નોંધાયેલ કેસ ના 27 ટકા થાય છે. પશ્ચિમ ઝોનમાં જૂન માસ દરમ્યાન 62 દર્દીઓના મૃત્યુ થયા છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનલોક1 દરમ્યાન કુલ 1898 કેસ નોંધાયા છે.શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોન માં 454, દક્ષિણ પશ્ચિમ ઝોન માં 418, પૂર્વ ઝોનમાં 983 તેમજ દક્ષિણ ઝોન માં 758 કેસ અનલોક 1 દરમ્યાન નોંધાયા છે. શહેરમાં ગુરુવારે (18 જૂન) કોરોનાના 308 પોઝિટિવ કેસ જાહેર થયા છે .જે પૈકી મધ્યઝોનમાં 20, પશ્ચિમઝોનમાં 73, ઉત્તરપશ્ચિમ ઝોનમાં 37, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 31, ઉતરઝોનમાં 56, પૂર્વઝોનમાં 57 અને દક્ષિણ ઝોનમાં 19 કેસ નોંધાયા હતા. શહેરમાં ગુરૂવારે 19 મરણ નોંધાયા છે જૂન મહિનામાં પ્રથમ વખત 20 કરતા ઓછા મૃત્યુ ગુરુવારે નોંધાયા હતા. જૂન મહિનામાં કુલ 411 દર્દીઓના મરણ થયા છે.