સમય પહેલાની પ્રસૂતિને કારણે થયેલ અનેક મુશ્કેલીઓ વચ્ચે બાળકીને નવજીવન મળ્યું
કિડની….આંતરડા….શ્વસનતંત્રમાં તકલીફની સાથે જન્મેલ કોરોના સંક્રમિત નવજાતશિશુએ અનેક મુશ્કેલીઓ વચ્ચે ૨૫ દિવસ ઝઝૂમી કોરોના સામેનો જંગ જીત્યો
એક સાંધો તેર તૂટે જેવી પરિસ્થિતિ માંથી નવજાત બાળકીને મુક્તિ અપાવતા સિવિલના તબીબો
જન્મતાની સાથે જ દુઃખોનો પહાડ તૂટી પડે તે છતાંય હિંમત ન હારે અને તેનો મક્કમતાથી સામનો કરી વિજયી મેળવે એ જ એક ખરા યોધ્ધા કહેવાય….. કંઇક આવું જ બન્યું છે સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં….. સમય પહેલા થયેલ પ્રસૂતિના કારણે ઘણી બધી જટિલ સમસ્યાઓ સાથે જન્મેલ બાળકીએ ૨૫ દિવસ સુધી વિવિધ મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમીને આખરે કોરોનાને મ્હાત આપી.
કંકુબેનને ત્યાં જોડીયા બાળકનો જન્મ થયો…એક બાજુ મુખે પ્રસન્નતા હતી… ત્યારે બીજુ બાજુ અશ્રુઓ સાથેની અતિ ગંભીર ચિંતા….. જોડીયા બાળકમાંથી એક બાળકીનો કોરોના રિપોર્ટ જન્મના ૬ઠ્ઠા દિવસે પોઝિટિવ આવતા સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સઘન સારવાર માટે આવી પહોંચ્યા….. પ્રસૂતિ વખતે બાળકીનું વજન ફક્ત ૧.૪ કિ.ગ્રા હોવાના કારણે બાળકીને શ્વસન તંત્રમાં તકલીફ પડી રહી હતી. જેથી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી……હજુ તો આ તકલીફમાંથી ઉગારવા સારવાર ચાલી રહી હતી ત્યારે બાળકીને આંતરડામાં ચેપ લાગીને રક્તસ્ત્રાવની નવી સમસ્યા ઉભી થઇ ગઇ… જે કારણોસર તેને અતિ મોંઘા એન્ટીબાયોટીક્સ આપી રક્તસ્ત્રાવ ઓછું કરવા FFP ની સારવાર આપવામાં આવી…. આ સઘન સારવારના કારણે બાળકી થોડી સાજી થઇ રહી હતી ત્યારે એક સાંધે ને તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ…. બાળકીના શરીરમાં શર્કરાની પણ ખામી ઉભી થઇ…. જેથી તબીબોને સોનોગ્રાફી કરવું જણાઇ આવતાં સોનોગ્રાફીમાં જાણવા મળ્યું કે બાળકીને કિડનીની પણ તકલીફ ઉભી થઇ છે……..
આ તમામ તકલીફો જ્યારે એકીસાથે આવી પડી ત્યારે સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગની ટીમ દ્વારા આ કેસને એક પડકાર સમજીને સઘન સારવાર માટેનો ટ્રીટમેન્ટ પ્લાન બનાવ્યો….. ડૉ.જોલી વૈષ્ણવ અને ડો. ચારૂલ મહેતાની ટીમ દ્વારા ૨૫ દિવસના અથાગ પ્રયત્ન સાથેની બાળકીના જીવ બચાવવા માટેની કટિબધ્ધતાની સાથે શ્રેષ્ઠ સારવાર બાદ બાળકીને દરેક બિમારીના લક્ષણોની સારવાર કરીને તેને સ્વસ્થ જીવન પ્રાપ્ત થઈ શક્યું.
બાળકીના માતા કંકુબેન કહે છે કે, મારી બાળકી જીવી શકશે તે આશા જ છોડી ચૂકી હતી પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે દેવદૂત બનીને મારી બાળકીને નવજીવન બક્ષ્યું છે… વિવિધ પ્રકારની ગંભીર બિમારી-તકલીફો વચ્ચે મારી બાળકી ૨૫ દિવસ ઝઝૂમતી રહી પરંતુ આ તબીબોએ એકક્ષણ માટે પણ હાર ન માની અને જેમ આ બાળકીને ગમે તે ભોગે બચાવવી છે તે જુસ્સા સાથે તેની સઘન સારવાર શરૂ કરી અને છેક સુધી હકારાત્મક પરિણામ ન મળી રહે ત્યાર સુધી ખડેપગે મારી બાળકીની સારવાર સાથે દેખરેખ રાખી જે માટે સિવિલ હોસ્પિટલની હું હરહંમેશ ઋણી રહીશ……..