પોસ્ટવિભાગના 10 કરતા વધુ કર્મચારીઓ કોરોનાની ઝપટમાં: 31 પોસ્ટઓફિસો 15 દિવસ માટે બંધ
અમદાવાદ (દેવેન્દ્ર શાહ) : અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની ઝપટમાં તબીબો,પોલીસ કર્મચારીઓ,બેન્ક કર્મચારીઓ બાદ હવે મોટી સંખ્યામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ આવી રહ્યાં છે. જેના કારણે અમદાવાદની 31 પોસ્ટઓફિસો બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરની 31 પોસ્ટઓફિસો 15 દિવસ માટે કરવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યા મુજબ પોસ્ટ વિભાગ માં કોરોનાના 10 કરતા વધુ કેસ નોંધાતા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગની આશ્રમરોડ પર આવેલી ડિવિઝનલ ઓફિસમાં કોરોનાના 06 પોઝીટીવ કેસ આવ્યા છે
.રેલવે મેઈલ સર્વિસ માં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓ અને મણિનગર પોસ્ટઓફિસના એક કર્મચારી પણ પોઝિટિવ જાહેર થયા છે. કોરોનાની ઝપટમાં આવનાર તમામ કર્મચારીઓ ઓફિસ સ્ટાફમાં છે. પોસ્ટમેન કક્ષાના કોઈપણ કર્મચારીને સંક્રમણ થયું નથી તે સારી બાબત છે. કોરોનાના વ્યાપને અટકાવવા માટે જે પોસ્ટઓફિસોમાં એક ક્લાર્ક અને એક પોસ્ટમાસ્તર છે તેવી 31 પોસ્ટઓફિસો ને નજીકની મોટી પોસ્ટઓફિસોમાં 15 દિવસ માટે મર્જ કરવામાં આવી છે.
શહેરના અસારવા ચકલા,અસારવા સાઉથ, ખોડિયાર નગર, કુબેરનગર, મોટેરા, કુબેરનગર બી.એ., નરોડા એસ.એ.,જમાલપુર, ઘીકાંટા રોડ, દિલ્હી દરવાજા, ડી કેબીન, સી.ટી.એમ.ચાર રસ્તા, કેંટોનમેન્ટ, ભૈરવનાથ રોડ, બાપુનગર, ઓ.એન.જી.સી., નિકોલ, નોબલનગર, સરખેજ, સ્પીડ પોસ્ટ ભવન, સુખરામનગર સહિતની 31 નાની પોસ્ટઓફિસો 15 દિવસ માટે બંધ રહેશે.