કોરોનાના સંક્રમણની ગતિ ઘટી, રિકવરીના રેટમાં વૃદ્ધિ
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની પકડ થોડી ઢીલી પડતી હોય એમ લાગે છે. વિશ્વના બાકીના દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાની ગતિ તો ધીમી છે જ વળી માંદગીમાંથી સાજા થનારાઓની સંખ્યા પણ વધુ છે. દેશનો રિકવરી રેટ હાલમાં ૫૫.૭૭ ટકા છે, જે અમેરિકા, બ્રાઝિલ, રશિયા જેવા દેશો કરતા ખૂબજ સારો છે. સત્તાવાર આંકડાના અનુસાર દેશમાં કોરોનાના ૪.૨૫ લાખ મામલામાંથી ૨.૩૭ લાખથી વધુ લોકો રિકવર થઈ ગયા છે.
આ ઉપરાંત વસતીની દ્રષ્ટીએ પણ કોરોનાને કાબૂમાં લેવા સંદર્ભે ભારતે સારો દેખાવ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલને ટાંકતા જણાવ્યું છે કે ભારત તેની ખૂબજ વધુ જનસંખ્યા છતાં પ્રતિ લાખ વસતીએ સૌથી ઓછા કોરોનાના કેસની યાદીમાં સામેલ છે. ભારતમાં પ્રતિ લાખની વસતી પર ૩૦.૦૪ મામલા છે
જ્યારે ગ્લોબલ એવરેજ આના કરતા ત્રણ ગણા કરતા પણ વધુ ૧૧૪.૬૭ છે. કોઈ પણ દેશમાં કોરોનાનો રિકવરી રેટ સારા થઈ ગયેલા દર્દીઓની સરખામણીએ ત્યાંની તુલનાએ ર્દીઓની સંખ્યા વધુ છે. માની લઈએ કે કોઈ દેશમાં ૧૦૦ મામલા સામે આવ્યા છે જેમાં ૪૦ રિકવર થઈ ગયા છે
તો એ દેશનો રિકવરી રેટ ૪૦ ટકા થશે. રિકવરી રેટથી કોઈ દેશમાં કોરોનાની સ્થિતિની ભયાનકતાનો અંદાજ આવી શકે છે. જેમ કે ઈટાલી, સ્પેન અને અમેરિકામાં એક સમયે રિકવરી રેટ ખૂબજ ઓછો હતો અને મોટી સંખ્યામાં લોકોનાં મોત થઈ રહ્યા હતા. સાથે જ નવા મામલા પણ સામે આવી રહ્યા હતા. ભારતમાં એવું નથી. અહીં જો નવા કેસ સામે આવી રહ્યા છે તો રોજ તેનાથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે. દેશનું પાટનગર જે અત્યાર સુધીમાં કોરોના કેસના બોજા હેઠળ દબાયેલું હતું ત્યાંથી સાર સમાચાર આવ્યા છે. પહેલી વખત દિલ્હીમાં સાજા થયેલા કોરોના પેશન્ટ, એક્ટિવ દર્દીઓથી વધુ થઈ ગયા છે. છેલ્લા ચાર માસમાં દિલ્હીના રિકવરી રેટમાં ૧૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
છેલ્લા ચાર માસમાં જેટલા દર્દી ઠીક નથી થયા લગભગ તેટલા જ દર્દી ચાર દિવસમાં રિકવર થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે. તાજેતરમાં દિલ્હીનો રિકવરી રેટ ૫૫.૨૬ ટકા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં જોઈએ તો જર્મનીનો રિકવરી રેટ સૌથી સારો છે. ત્યાં ૯૨ ટકાથી પણ વધુ દર્દી રિકવર થઈ ગયા છે. એ પછી ઈરાનનો નંબર આવે છે જ્યાં આશરે ૮૦ ટકા દર્દી હવે સ્વસ્થ છે. ઈટાલીમાં ૭૫ ટકા કોવિડ-૧૯ના દર્દી સાજા થઈ ગયા છે જ્યારે એ પછી સીધો રશિયાનો નંબર આવે છે કે જેનો રિકવરી રેટ ભારતની આસપાસ જ છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાનો રિકવરી રેટ ૪૦ ટકાની આસપાસ છે.
સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ૯૦ લાખથી વધુ કોવિડ-૧૯ના દર્દી મળ્યા છે. જેમાંથી ૪૮ લાખથી વધુ રિકવર થઈ ગયા છે. આશરે ૩૭ લાખ કેસ હજુ પણ એક્ટિવ છે. અમેરિકામાં સૌથી વધુ ૨૩.૫ લાખ કેસ છે જ્યારે બ્રાઝિલમાં ૧૦ લાખથી વધુ મામલા છે. રશિયામાં ૫.૯૨ લાખ મામલા છે અને એ પછી ભારતનો નંબર છે જ્યાં ૪.૨૫ લાખ કેસ આવ્યા છે. એક્ટિવ કેસમાં પણ દેશોનો આ ક્રમ જ જળવાઈ રહ્યો છે.