Western Times News

Gujarati News

અમદાવાદથી ૭૦૦થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા

બંગાળના માલદા પાસે બોર્ડર પર ભૌગોલિક સ્થિતિ ખરાબ છે, ફેન્સિંગ વગરની બોર્ડર હોવાથી સરળતાથી ઘૂસણખોરી
અમદાવાદ,  અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઘુસી આવતાં બાંગ્લાદેશી લોકોને ઝડપી લેવા માટે એસઓજી કાર્યરત છે. ત્યારે છેલ્લા ૧૪ વર્ષમાં અનેક બાંગ્લાદેશી ઘુસણખોરી કરીને રહેતા ઝડપાયા છે. તાજેતરમાં રથયાત્રાને લઈને અપાયેલાં એલર્ટના ઈનપુટને પગલે એસઓજીએ વધુ પાંચ બાંગ્લાદેશીઓને ઝડપી પાડયાં.

ત્યારે વર્ષ ૨૦૦૭થી અત્યારસુધીમાં ૭૦૦થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે. દેશના પશ્ચિમ બંગાળના માલદા જિલ્લા નજીક બોર્ડર પર ભૌગોલિક પરિસ્થિતિ ખરાબ છે અને ફેન્સિંગ વગરની બોર્ડર હોવાથી બાંગ્લાદેશી નાગરિકો સરળતાથી ઘુસણખોરી કરી રહેલા હોવાનું અત્યાર સુધીના અનેક કિસ્સાઓમાં સામે આવ્યું છે. ત્યારે એસઓજી દ્વારા અમદાવાદ શહેરમાંથી વર્ષ ૨૦૦૭થી અત્યારસુધીમાં ૭૧૨ ઘુસણઘોરોને ઝડપી પાડવામાં આવ્યાં છે.

અમદાવાદ શહેરના વટવા, ચંડોળા, નારોલ, રામોલ વિસ્તારમાં રહેતાં હવે આ બાંગ્લાદેશીઓ ગોતા વિસ્તારની આસપાસ રહેવા લાગ્યા છે. આ ઘુસણખોરો નકલી દસ્તાવેજ બનાવી અમદાવાદમાં વસવાટ કરતા હોવાનું પોલીસને ધ્યાને આવ્યુ હોવાનું એસઓજીના એસીપી બી.સી. સોલંકીએ જણાવ્યું છે. ઘુસણખોર બાંગ્લાદેશીઓથી દેશના નાગરિકોને આડકતરી રીતે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. અત્યાર સુધી ઘુસી આવેલાં બાંગ્લાદેશીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે,

બાંગ્લાદેશમાં ગરીબી હોવાથી તેઓ મજૂરી કામે આવતાં હોય છે. જેથી દેશના લોકોને ઓછી નોકરી મળે છે અને બેરોજગારી વધે છે. તો ઘણાં બાંગ્લાદેશીઓ છે એ ગુજરાતમાં ચોરી અને લૂંટ જેવા ગુનાઓ કરી રહ્યાં છે. અમુક મહિલાઓતો દેહ વેપારના ધંધામાં આવી જતાં ક્રાઈમનો ગ્રાફ પણ ઊંચો જઈ રહ્યો છે. પકડાયેલાં તમામ આરોપીઓની જાઈન્ટ ઈન્ટ્રોગ્રેશન કમિટી દ્વારા પૂછપરછ કરવામાં આવશે. જેમાંના કેટલાંક લોકોની ગતિવિધિ શંકાસ્પદ જણાશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અને ત્યારબાદ ડિપોર્ટ કરવાની પણ કામગિરી કરાશે.

તમામ લોકો એજન્ટ મારફતે જ સસ્તા ભાવે ઘુસતા હોવાનું અનેક વખત તપાસમાં સામે આવ્યું છે. ચાલાક ઘુસણખોરો એક વખત પ્રવેશી જતાં હોય છે અને બાદમાં પોતાનું સ્થળ બદલી નાખતાં હોય છે. આતંકી સંગઠનો દ્વારા ભારતને ટાર્ગેટ કરાય તેવી ભીતી અનેકવાર જાવા મળી છે. ભારતની બાંગ્લાદેશ બોર્ડર પર ફેન્સિંગ નહીં હોવાના કારણે કોઈપણ આતંકી સરળતાથી ઘુસી શકે છે તેવી પણ શક્યતાઓને નકારી શકાય નહીં. ત્યારે આ બોર્ડરથી આતંકી આપણાં દેશમાં ઘુસી ખુંવારી ના સર્જે તે માટે સરકારે અને પોલીસે નક્કર પગલાં લેવા જરૂરી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.