જમાલપુર શાક માર્કેટ સ્વયંભૂ બંધ
માત્ર ૩૩ ટકા દુકાનો ખુલી રાખવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ |
(પ્રતિનિધિ) અમદાવાદ: સમગ્ર રાજયમાં અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે આ પરિÂસ્થતિમાં કેન્દ્રમાંથી આવેલી ટીમે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો કરતા ઘોર નિંદ્રામાં પોઢેલુ કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુ છે અને કોરોનાનો ફેલાવો અટકાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ દરમિયાનમાં શહેરમાં શાકભાજીનો પુરવઠો સપ્લાય કરવા માટે મુખ્ય બજાર ગણાતા જમાલપુર શાકમાર્કેટમાં માત્ર ૩૩ ટકા દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવતા વહેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને આ નિર્ણયના કારણે વહેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહયું છે.
આ નિર્ણયના પગલે શહેરમાં શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. કોર્પોરેશનના આ નિર્ણયના વિરોધમાં આજે સવારથી જ જમાલપુર શાકમાર્કેટ સ્વયંભુ બંધ થઈ ગયું છે અને બપોરે રાજયના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળી વહેપારીઓ રજુઆત કરવાના છે. સવારથી જ માર્કેટ બંધ રહેતા શાકભાજીના ભાવોમાં હજુ વધુ ઉછાળો આવવાની સંપૂર્ણ શક્યતા છે જેના પગલે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાશે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કોરોનાના કેસો નોંધાયા છે જાકે છેલ્લા કેટલાક દિવસોથી કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય બની જતા પરિસ્થિતિ વધુ વિકટ બનવા લાગી છે આ દરમિયાનમાં કોરોનાનો ચેપ પ્રસરે નહી તે માટે અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જાણીતા અને મુખ્ય શાકમાર્કેટને અગાઉ જેતલપુર ખાતે ખસેડવામાં આવ્યુ હતું.
પરંતુ ત્યારબાદ અર્થતંત્રને મજબુત કરવાના આશ્રયથી દુકાનો અને બજારો ખોલવાનો નિર્ણય કરાયો હતો જેના પગલે જમાલપુર શાકમાર્કેટમાં પણ ૩૩ ટકા દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવી હતી જેતલપુરથી શાકમાર્કેટ ખસેડયા બાદ મુળ સ્થાને પરત ફરતા વહેપારીઓ ખુશીની લાગણી જાવા મળતી હતી પરંતુ કોર્પોરેશને માત્ર ૩૩ ટકા દુકાનો ખોલવાનો આદેશ કરતા જ વહેપારીઓમાં નિરાશા ફેલાઈ ગઈ હતી જમાલપુર શાકમાર્કેટમાં રાત્રિ દરમિયાન ગામડાઓમાંથી શાકભાજીની ટ્રકો આવતી હોય છે અને આખી રાત શાકમાર્કેટ ધમધમતી હોય છે.
પરંતુ રાજયમાં અનલોક દરમિયાન રાત્રિ ફકર્યુનો અમલ કરવામાં આવી રહયો છે જેના પરિણામે બહારગામથી શાકભાજી લઈને આવતા ખેડૂતો અને વહેપારીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે તેમ છતાં જમાલપુરમાં શાકમાર્કેટ શરૂ કરવા માટે વહેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી હતી.
જમાલપુરમાં શાકમાર્કેટ પુનઃ ધમધમતુ થશે તેવી આશા સેવાતી હતી પરંતુ કમિશ્નરે ૩૩ ટકા દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ કરતા વહેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં જમાલપુર શાકમાર્કેટમાં કુલ ૧પ૯ દુકાનો આવેલી છે અને તેમાંથી રોજ પ૩ દુકાનોને જ ખોલવાની મંજુરી મળી હતી જેના પરિણામે હોલસેલમાં શાકભાજી ખરીદનાર વહેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ત્રણ ત્રણ દિવસે દુકાનો ખોલવાનો વારો આવતા ખરીદેલી શાકભાજી સડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી
કમિશ્નરના આ આદેશના વિરોધમાં ગઈકાલ દિવસભર જમાલપુર શાકમાર્કેટના વહેપારીઓની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી અને આ બેઠકમાં કોર્પોરેશનના નિર્ણયનો વિરોધ કરવાનો નિર્ણય લેવાયો હતો.
જમાલપુર શાકમાર્કેટના તમામ દુકાનદારો એક સુત્ર થઈ ગયા હતા અને તમામ દુકાનોને ખોલવાની મંજુરી મળે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં ગઈકાલે રાત સુધી આ અંગે રજુઆતો કરવામાં આવી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી જેના પગલે જમાલપુર શાકમાર્કેટના તમામ વહેપારીઓએ સ્વયંભૂ રીતે તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. બીજીબાજુ વહેપારીઓમાં રોષ જાવા મળતા પોલીસતંત્ર સક્રિય બન્યું હતું.
મ્યુનિ.કોર્પો.ના અધિકારીઓ પણ આ અંગે ચર્ચા કરતા જાવા મળ્યા હતાં બીજીબાજુ તમામ વહેપારીઓ લડી લેવાના મુડમાં જાવા મળતા હતા તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા સાથે દુકાનો ખોલવાની દુકાનદારોએ મંજુરી માંગી હતી પરંતુ આ અંગે કોઈ જ યોગ્ય નિર્ણય નહી લેવાતા આજે સવારથી જ જમાલપુર શાકમાર્કેટ સ્વયંભૂ બંધ જાવા મળી રહયું છે.
ગઈકાલે રાત્રે શાકમાર્કેટમાં કેટલીક ટ્રકો આવી હતી આ તમામ ટ્રકોને પરત મોકલી દેવાઈ હતી તો કેટલીક ટ્રકોને અન્યત્ર ખસેડવામાં આવી હતી. જમાલપુર શાકમાર્કેટ સવારથી જ બંધ થઈ જતા શહેરભરમાં શાકભાજીનો પુરવઠો ખોરવાઈ ગયો છે બીજીબાજુ શહેરના મોટાભાગના નાગરિકો અને છુટક ફેરિયાઓ કાલુપુર શાકમાર્કેટ દોડી ગયા હતા. જમાલપુર શાકમાર્કેટના તમામ વહેપારીઓ સવારથી જ એકત્ર થઈ ગયા હતા અને આ નિર્ણયનો વિરોધ કરતા જાવા મળ્યા હતા શાકમાર્કેટની તમામ દુકાનો ખોલવાની મંજુરી મળી તે માટે આજે બપોરે વહેપારીઓએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મુલાકાત લેવાના છે અને આ બંને અગ્રણીઓ સમક્ષ વહેપારીઓ રજુઆત કરવાના છે.
આમ જમાલપુર શાકમાર્કેટના વહેપારીઓ આંદોલનનો માર્ગ અપનાવતા શહેરના નાગરિકો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. છેલ્લા કેટલાક દિવસથી શાકભાજીના અપુરતા પુરવઠાના કારણે તેના ભાવમાં સતત વધારો થઈ રહયો છે અને આજે સવારથી જ તમામ દુકાનો બંધ થઈ જતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.