ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોથી તાલુકા વાસીઓ ચિંતિત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ફિચવાડા બાદ ઝઘડિયા ગામે ૨૫ વર્ષના યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કોરોના પોઝિટિવ યુવાન જીઆઇડીસીમાં નોકરી કરતો હોય ત્યાંથી તેને કોરોના સંક્રમણ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.જેના પગલે જીઆઇડીસી વિસ્તારમાં ફરજ બજાવતા લોકો તથા આજુબાજુના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
હાર્દિકસિંહ ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ગેલેક્સી નામની કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં ફરજ બજાવે છે.તેનો આરોગ્ય તપાસણી કરતા તેને કોરોનાના લક્ષણો જણાયા હતા.હાર્દિકને જીઆઈડીસી વિસ્તાર માંથી જ કોરોના સંક્રમિત થયો હોવાનું મનાઈ રહ્યું છે.ઝઘડિયાના રાજપૂત ફળિયામાં યુવાનનો કોરોના પોઝિટિવ આવતા ઝઘડિયાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેના પરિવાર ની આરોગ્ય ચકાસણી કરી તેમની માહીતી લેવામાં આવી હતી. કોરોના પોઝિટિવ દર્દીને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.તથા તેના પરિવારના ૭ સભ્યોને અવિધા ખાતે ફેસીલીટી હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.ઝઘડિયા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૫૯ ઘરના ૨૮૦ સભ્યોનો આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો.