ક્રાઈમ બ્રાંચે પાલડીમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે રીઢા ગુનેગારને ઝડપી લીધા
બંન્ને વાસણાના રહેવાસીઃ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે તથા પાસા પણ થયો છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હેરમાં લોકડાઉન દરમ્યાન પણ ચોરીઓની ઘટના બનવા પામી હતી. જેને પગલે સ્થાનિક પોલીસ તથા અન્ય એજન્સીઓ પણ આવા તત્ત્વો ઉપર નજર રાખી રહ્યા છે. અને ચોરીના બનાવોના ભેદ ઉકેલવા માટે સક્રીય છે. આ સ્થિતિમાં શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે પાકી બાતમીના આધારે પાલડી નજીકથી બે શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂપિયા સવા લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં શખ્સોએ આચરેલી કેટલીક ચોરીના ભેદ પણ ઉકેલાયા છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર. એસ. સુવેરાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે તેમની ટીમે શનિવારે બપોરે પાલડી, મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે વાચ ગોઠવી હતી. દરમ્યાનમાં માહિતી મુજબની રીક્ષા આવતા જ તેને કોર્ડન કરી લેવાઈ હતી. જેમાં મુકેલા સામાન અંગે રીક્ષાચાલક તથા અંદર બેઠેલા અન્ય શખ્સની પૂછપરછ કરતાં બંન્ને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.
જા કે પાકી માહિતી હોવાથી કડક રીતે પૂછપરછ કરવામાં આવતા રીક્ષાચાલક વિજય કિશનભાઈ દંતાણી (ન્યુ ગણેશનગર,ભાઠા ગામ, વાસણા) તથા સંજય ઉર્ફેે કલ્લુ-વિજયભાઈ દંતાણી (ન્યુ ગણેશનગર, ભાઠા ગામ, વાસણા) ભાંગી પડ્યા હતા. અને દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી કર્યાનું કબુલ્યુ હતુ.
બંન્નેની પૂછપરછમાં હાલમાં બે ચોરીના ભેદ ખુલ્યા છે. જેમાં બે માસ અગાઉ રાત્રે વાસણા ચંદ્રનગર ખાતે પનામા સોસાયટીના મકાનમાંથી ગેસના બાટલાની ચોરી અને એ જ રાત્રે બાજુના ઘરની બારી તોડીને તેમાંથી સોના-ચાંદીના દાગીના મોબાઈલ ફોન તથા એલઈડી ટીવીની ચોરી સામે આવી હતી. વિજય (ર૦) સંજય ઉર્ફે કલ્લુ (ર૦) મોડી રાત્રે રીક્ષા લઈને નીકળતા હતા. અને બંધ મકાનના તાળા તોડીને મકાનમાં પ્રવેશતા હતા.
આ બંન્ને આરોપીઓની તપાસ બાદ ચોરીના વધુ ભેદ ઉકેલાવાની શક્યતા છે. બંન્ને રીક્ષા આરોપીઓ હોવાનું સામે આવ્યુ છે. જેમાં વિજય અગાઉ પાલડી, સાબરમતી, વાસણા, ઘાટલોડીયા, નવરંગપુરા સહિતના પોલીસ સ્ટેશનમાં ૧૪ ગુનાઓમાં પકડાયેલો છે. ઉપરાંત જામનગર તથા ભૂજમાં પણ પાસા થઈ છે. જ્યારે સંજય પણ રાણિપમાં ચોરીના ગુનામાં પકડાયેલો છે તથા રાજકોટમાં પાસા હેઠળ જેલમાં જઈ આવ્યો છે. શનિવારે બંન્ને પાસેથી રીક્ષા, એલઈડી, દાગીના, ગેસના બાટલા સહિત સવા લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.