Western Times News

Gujarati News

રૂપિયાની ઉઘરાણીમાં ઓઢવનાં વેપારીનું અપહરણ કરી ઢોર માર માર્યાે

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોમાં શહેરમાં વેપારીઓને માર મારવાની તથા અપહરણ કરવાની ઘટનાઓ નોંધાઈ છે. જેને પગલે શહેરનાં વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે અને સાથે સાથે રોષ પણ ફેલાયો છે. ધંધાની લેતી દેતીમાં વાકુ પડતાં જ કેટલાંક વેપારીઓ કે અસામાજીક તત્ત્વો  રૂપિયા માટે ગેરકાયદેસર રસ્તા અપનાવી રહ્યાં છે. જેને પગલે પોલીસ પણ દોડતી થઈ છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે દિનેશભાઈ નટવરલાલ પટેલ હાલમાં જમીન દલાલીનું કામકાજ કરે છે અને નિકોલ, ટોરેન્ટ પાવરની બાજુમાં રહે છે. આશરે પાંચ વર્ષ અગાઉ તે મહેશ આહીર નામના વ્યક્તિ સાથે વિઝા એજન્ટ તરીકે વ્યવસાય કરતાં હતા અને પોતાનું કામ મિનેષ પટેલને આપતાં હતા.

જા કે એક વ્યક્તિનાં વિઝા બનાવવાનાં દસ લાખ રૂપિયા મિનેષને આપવાને બદલે મહેશ લઈને ભાગી ગયો હતો. એ ઘટના બાદ ચાર વર્ષ રસ્મત નામનો શખ્સ આ રૂપિયાની ઉઘરાણી કરવા દિનેશભાઈનાં ઘરે આવતો હતો. શનિવારે સાંજે ચાર વાગ્યે દિનેશભાઈ ઓઢવ રીંગ રોડ ઉપર બ્રીજ નીચે ટ્રાફીક પોલીસ ચોકીની બાજુમાં ઊભા હતા. ત્યારે  રસ્મિત  પટેલ તથા અન્ય ચાર શખ્સો એક સફેદ કારમાં આવ્યા હતા. જેમણે અપહરણ કરી દિનેશભાઈને પોતાની કારમાં વચ્ચે બેસાડી કાર ભગાડી મુકી હતી.

અને ચાલુ ગાડીએ તારે વિઝાના દસ લાખ રૂપિયા આપવા જ પડશે કહી તેમને કારમાં જ ઢોર માર માર્યાે હતો. નાના ચિલોડા થઈ હિંમતનગર રોડ મોતીપુરા ગામ આગળ આવેલી એક નદીના કિનારે લઈ જઈ કાર રોકીને રસ્મિત અને તેનાં સાગરીતોએ દિનેશભાઈને નીચે ઊતાર્યા હતા. અને ફરીથી લાકડીઓ વડે માર માર્યાે હતો. જેનાં કારણે એક હાથમાં તેમને ફ્રેક્ચર પણ થઈ ગયું હતું. તેમને ઢોર માર માર્યા બાદ ત્યાંથી પરત કારમાં બેસાડી મોડી સાંજે રીંગ રોડ અપોલો સર્કલ ખાતે ઊતારી દીધા હતા અને પોલીસને જાણ કરી તો મારી નાંખવાની ધમકીઓ પણ આપીને પાંચેય શખ્સો ફરાર થઈ ગયા હતા.

ઘરે પહોંચેલા દિનેશભાઈની હાલત પરીવારજનો ચિંતિત બન્યા હતા. જેમને દિનેશભાઈએ સમગ્ર હકીકતથી વાકેફ કરતાં પરીવાર ચોંકી ઊઠ્યો હતો. અને તાબડતોબ દિનેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેમણે ઓઢવ પોલીસમાં પોતાની ફરીયાદ નોંધાવી છે.

વેપારીનું અપહરણ કરી ઢોર માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને રસ્મિત  સહિત પાંચેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.