ISISIની પ્રિય ટ્રામાડોલનો જથ્થો ડીઆરઆઈએ પકડી પાડ્યો

નશીલી દવાનો હજીરા પોર્ટ પરથી ગિનીના બંદરે ગેરકાયદે વેપલો થતો હતોઃ ૧૫૨૦૦૦૦ ટેબલેટ જપ્ત કરાઈ
અમદાવાદ, આફ્રિકાના દેશોમાં જેનો નશો કરીને ધુત થઈ જવાનું સામાન્ય છે અને અખાતના દેશોમાં એક સમયે ખતરનાક ખૌફ ફેલાવીને દુનિયાને જેણે ડરાવી હતી તે આઈએસઆઈએસના આતંકવાદીઓ દ્વારા જે દવાનું સેવન થતું હતું તે ટ્રામાડોલને સુરત અને વાપીની ફાર્મા કંપનીઓ દ્વારા બારોબાર વિદેશમાં વેચી કાઢવાનું જબરદસ્ત કૌભાંડ ડીઆરઆઈએ પકડી પાડ્યું છે.
ડીઆરઆઈએ મેડિકલ દુનિયામાં જેને સાયકોટ્રોપિક સબટન્સ કહે છે તે દવાની ૧,૫૨,૦૦૦૦ જેટલી ટેબલેટનોથી જથ્થો હઝીરા પોર્ટ પરથી બાતમીના આધારે પકડી પાડ્યો છે. સુરત અને વાપી ડીઆરઆઈના અધિકારીઓને એવી માહિતી મળી હતી કે, હજીરા પોર્ટ પરથી બે કન્ટેનરમાં સાયકોટ્રોપિક દવાનો જથ્થો આફ્રિકાના ગિની દેશ ખાતેના કોનાક્રી પોર્ટ પર જઈ રહ્યો છે. હઝીરા પોર્ટ પર આ બે કન્ટેનરને ચેક કરાતાં તેમાંથી ૧,૫૨,૦૦૦ ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો.
આ ટેબલેટને અન્ય દવાઓ જેવીકે, ઓઆરએસ, મલ્ટીવિટામિન્સ સહિતના જથ્થાની નીચે છુપાવીને લઈ જવાઈ રહ્યો હતો. આ દરોડા પછી ફેક્ટરીઓની તલાશી લેવામાં આવી હતી જયાંથી અધિકારીઓને ઈફ્રેડિન અને સ્યુડોઈફેડ્રિનનો મોટો સ્ટોક પણ મળ્યો હતો.
આ સ્ટોક ગેરકાયદે દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય તે પહેલાં પકડી પડાયો હતો. ૧૭૪.૯૭૮ કિગ્રા ઈફ્રેડિન અને ૧૩૭.૧૭૫ કિગ્રા સ્યુડોઈફેડ્રિન હાઈડ્રોક્લોરાઈડનો જથ્થો તેમાંથી મળ્યો હતો. ઉપરાંત, અધિકારીઓની તપાસમાં કંપનીના ડિરેક્ટરે એવી કબૂલાત પણ કરી હતી કે તેણે ૪૪.૮૦ લાખ ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો કે જેની કિંમત રૂપિયા ૩.૫૮ કરોડ થાય છે તે બારોબાર ગેરકાયદે વિદેશમાં મોકલી આપ્યો હતો. આ દવાઓ બનાવવામાં જે મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે તેને પણ ડીઆરાઈએ જપ્ત કરી લીધાં છે.
ટ્રામાડોલ સિન્થેટિક ડ્રગ છે જે મનના શાતા આપવા માટે લેવામાં આવે છે. જે લોકો નશો કરે છે તેમને આ ડ્રગ ખૂબ ગમતી હોય છે. આફ્રિકાના દેશો નાઈજિરિયા, ગિનીમાં તેનો ખૂબ વપરાશ છે. અખાતના દેશોમાં આઈએસઆઈએસના આતંકવાદીઓ પણ આ ડ્રગ બહુ લેતા હોવાનું અધિકારીઓએ કહ્યું છે. ટ્રામાડોલનો દુરુપયોગ થઈ શકે તેમ હોવાથી ભારત સરકારે તેને નાકોર્ટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ ૧૯૮૫ અંતર્ગત આવરી લીધી છે.