કાલુપુરમાં નકલી માસ્ક અને હેન્ડગ્લોઝ વેચવાનું ષડયંત્ર
અમદાવાદના મુખ્ય બજાર ગણાતા કાલુપુરમાં પોલીસના વ્યાપક દરોડા : પાંચ દુકાનોમાંથી બ્રાન્ડેડ કંપનીના નામના નકલી હેન્ડગ્લોઝ સહિતના જથ્થાને જપ્ત કરી પોલીસે દુકાનના માલિકો વિરૂધ્ધ શરૂ કરેલી કાર્યવાહી
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે કેન્દ્ર સરકાર અને રાજય સરકારો દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે આ ઉપરાંત સમગ્ર દેશમાં અનલોક-ર જાહેર કરવામાં આવેલુ છે અને તેમાં રાત્રિ કફર્યુનો કડકાઈથી અમલ ઉપરાંત દરેક નાગરિકોને માસ્ક પહેરવું ફરજીયાત કરાયેલું છે જાેકે કોરોના વાયરસની હજુ સુધી રસી નહી શોધાતા લોકોમાં પણ ફફડાટ જાેવા મળી રહયો છે અને નાગરિકો પણ સ્વૈચ્છિક રીતે સરકારના આ નિર્ણયોનો અમલ કરી રહયા છે.
અમદાવાદ શહેર સહિત રાજયમાં કોરોનાના દર્દીઓ માટે જરૂરી એવા ઈન્જેકશનના કાળા બજારનું ષડયંત્ર ગઈકાલે પકડવામાં આવ્યું છે અને હજુ તેની તપાસ ચાલુ છે આ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં વધુ એક ષડયંત્રનો પદાર્ફાશ થયો છે જેમાં બ્રાન્ડેડ કંપનીના નકલી માસ્ક, હેન્ડ ગ્લોઝ સહિતની નકલી ચીજવસ્તુઓનુ વેચાણ કરવાનું ષડયંત્ર ચાલી રહયું છે.
કંપનીઓના આગેવાનોએ નોંધાવેલી ફરિયાદ બાદ આ અંગે તપાસ કરતા શહેરના મુખ્ય બજાર ગણાતા કાલુપુર વિસ્તારમાં ગઈકાલે દિવસભર પોલીસે વોચ ગોઠવી માહિતી એકત્ર કરી હતી અને ત્યારબાદ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં પાંચ જેટલી દુકાનોમાંથી નકલી જથ્થો જપ્ત કરી તમામ દુકાનોના માલિકો સામે કોપી રાઈટ ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કામગીરીથી અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે વિશ્વભરના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસથી હાહાકાર મચેલો છે ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહયો છે. કોરોના સામેની લડાઈમાં અર્થતંત્રને મજબુત કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારે લોકડાઉન બાદ અનલોક જાહેર કરી કેટલીક છુટછાટો આપી છે.
જાેકે અનલોકની સ્થિતિમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં કેન્દ્ર અને રાજય સરકાર ચિંતિત બની છે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે દેશભરમાં નાગરિકો માટે માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે જેના પગલે મોટાભાગના નાગરિકો માસ્ક પહેરીને ફરતા જાેવા મળે છે. કોરોનાની રસી હજુ વિશ્વના એક પણ દેશે શોધી નહી હોવાથી નાગરિકોમાં ભારે ફફડાટ જાેવા મળી રહયો છે અને કેન્દ્ર સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ નાગરિકો તેનું પાલન કરી રહયા છે. ગુજરાતમાં પણ રાજય સરકારે અનલોક-ર જાહેર કરી કેટલાક નિર્ણયો લીધા છે જેમાં રાત્રિના ૧૦ વાગ્યા પછી રાજયભરમાં રાત્રિ કફર્યુનો કડકાઈથી અમલ કરવામાં આવી રહયો છે.
આ ઉપરાંત દુકાનો અને બજારો પણ નિયત સમયે બંધ થઈ જાય છે. પોલીસતંત્ર નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ શહેરમાં પોલીસતંત્ર દ્વારા શહેરમાં ઠેરઠેર પોઈન્ટ ગોઠવીને પ્રત્યેક નાગરિક પર નજર રાખવામાં આવી રહી છે નાગરિકો માટે માસ્ક પહેરવું ફરજીયાત કરાયુ છે અને જે કોઈ પણ નાગરિક માસ્ક પહેયાँ વગર ફરતો જાેવા મળે તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહયો છે. પોલીસની કાર્યવાહી તથા કોરોનાની મહામારીથી બચવા નાગરિકો સ્વૈચ્છિક રીતે સરકારના નિર્ણયનું પાલન કરવા લાગ્યા છે.
જેના પરિણામે માસ્ક, હેન્ડગ્લોસ સહિતની ચીજવસ્તુઓની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રાન્ડેડ કંપનીના માસ્ક સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહયું છે આ અંગે કંપનીઓના આગેવાનોએ નોંધાવેલી ફરિયાદ બાદ કાલુપુર પોલીસે તપાસ શરૂ કરી હતી શહેરના કાલુપુર વિસ્તારમાં હોઝીયરી તથા અન્ય ચીજવસ્તુઓના મુખ્ય બજારો આવેલા છે અને અહીંયા દિવસભર ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જાેવા મળતી હોય છે પોલીસે તપાસ કરતા કેટલીક દુકાનોમાંથી નકલી ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહયુ હોવાની માહિતી મળી હતી જેના આધારે કાલુપુર પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
કાલુપુર પોલીસે કાલુપુર ટંકશાળ વિસ્તારમાં નકલી ચીજવસ્તુઓનું વેચાણ કરતી પાંચ દુકાનો પર છેલ્લા બે દિવસથી વોચ ગોઠવી હતી અને ત્યારબાદ સચોટ માહિતી મળ્યા બાદ ગઈકાલે બપોર બાદ ટંકશાળ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સૌ પ્રથમ કાલુપુર સ્ટેશનની બાજુમાં ટંકશાળ રોડ પર આવેલી મયુરી હેન્ડલુમ નામની દુકાનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં નકલી વસ્તુઓ મળી આવી હતી
જેના પરિણામે પોલીસે દુકાનના માલિક સુરેશકુમાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ કાલુપુર દરવાજા પાસે આવેલી ઓનેસ્ટ સેલિબ્રેશનમાં દરોડો પાડી તેના માલિક ઈકબાલભાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રેવડીબજારમાં હોટલ જલારામની ગલીમાં આવેલી બાબાસાંઈ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી પણ નકલી ચીજવસ્તુઓનો જથ્થો જપ્ત કયોર્ હતો અને તેના માલિક મહેશભાઈ વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત તેની નજીકમાં જ આવેલી લક્કી હોઝીયરી નામની દુકાનમાં તપાસ કરતા તેમાંથી નકલી ચીજવસ્તુઓ મળી આવી હતી આ ઉપરાંત આ દુકાનની બાજુમાં આવેલી એ.એ. ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ કરતા નકલી ચીજવસ્તુઓ જાેવા મળી હતી પોલીસે આ પાંચેય દુકાનોમાંથી નકલી માસ્ક, હેન્ડગ્લોસ તથા ટોપીઓનો મોટો જથ્થો જપ્ત કયોર્ છે અને પાંચેય દુકાનોના માલિકો વિરૂધ્ધ કોપી રાઈટ ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસની કામગીરીથી વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે પોલીસે ગઈકાલે બપોર બાદ શરૂ કરેલી દરોડાની કાર્યવાહી બાદ હવે અન્ય વિસ્તારોમાં પણ આજ પ્રકારે કાર્યવાહી કરવામાં આવનાર છે. કોરોના વાયરસ જેવી ગંભીર બીમારી સામે નાગરિકોને બ્રાન્ડેડ કંપનીના માસ્ક સહિતની વસ્તુઓના બહાને નકલી ચીજવસ્તુઓ પધરાવવાના ષડયંત્રનો પદાર્ફાશ થતાં જ નાગરિકો પણ ચોંકી ઉઠયા છે.