ઇસનપુર કોરોનાનું નવું હોટસ્પોટઃ લાંભામાં નવા ૨૫ કેસ નોંધાયા
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહયાં હોવાના દાવા વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યા છે.
જ્યારે કોપોર્રેશન ઘ્વારા કરવામાં આવતા એન્ટીજન ટેસ્ટ દરમ્યાન લાંભા, ઇસનપુર, વિવેકાનંદનગર , થલતેજ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ મળી આવ્યા છે. દક્ષિણ ઝોનનો ઇસનપુર વાૅર્ડ કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. ઇસનપુરમાં પોઝીટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોપોર્રેશન ઘ્વારા છેલ્લા એક સપ્તાહથી ડોર ટુ ડોર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેમાં ખુબજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. લાંભા વાૅર્ડમાં આવેલી પ્રેરણા સોસાયટીમાંથી ૨૦ કરતા વધુ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જયારે ઇસનપુર વોર્ડમાં આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં એક જ પરિવારના ૪ સભ્યો પોઝીટીવ જાહેર થયા છે.ઘોડાસર કેનાલ રોડ પરની સોસાયટીઓ કોરોના હોટસ્પોટ બની ગઈ છે. લાંભા વોર્ડમાં આવેલ ગુરુવારે શ્રીનાથહાઇટ્સમાં ૧૦ તેમજ નીલકંઠ એપાર્ટમેન્ટમાં ૦૨ પોઝીટીવ કેસ કન્ફર્મ થયા છે.
જયારે શાહવાડી વિસ્તારમાં આવેલ આંબેડકરનગરમાં એક જ દિવસમાં ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાથીજણ વિસ્તારના વિવેકાનંદનગરમાં ૧૫ પોઝિટિવ કેસ કન્ફર્મ થયા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સેકટર -૧ના ૧૨૫ મકાનોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.લાંભામાં આકૃતિ ટાઉનશીપના ઊ બ્લોક તેમજ શ્રીનાથ ટાઉનશીપના ૪૪ મકાનોને સીલ કરવામાં આવ્યા છે.દક્ષિણ ઝોનના ઇસનપુર વાૅર્ડમાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. સુત્રોનું માનીએ તો ઇસનપુરમાં દાણીલીમડા અને બેહરામપુરા કરતા પણ વધુ કેસ નોંધાયા છે.
મ્યુનિસિપલ કોપોર્રેશન ઘ્વારા ગુરુવારે વધુ ૦૮ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.જેમાં ગુરુકુળ વિસ્તારમાં આવેલ ગુરુકુલ પાર્કમાં ૩૬ મકાન, ગોમતીપુરની સરાફ ચાલીના ૩૦૦ મકાન, ઇન્દ્રપ્રસ્થ ટાવર થલતેજના ૨૪ , અક્ષય એપાર્ટમેન્ટ ચાંદલોડિયાના ૩૨ તેમજ શ્રીનાથ હાઇટ્સ લાભાના ૪૪ મકાન મુખ્ય છે. શહેરમાં કુલ ૧૫૬ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર થયા છે.