Western Times News

Gujarati News

સિંધુભવન રોડ પરના કોફી બારના કંપાઉન્ડમાં જુગાર રમતાં ૭ ઝડપાયા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં ગુનાખોરીનો આંક વધતા પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે શહેરમાં રાત્રિ કફર્યુનો અમલ કરવામાં આવી રહયો છે ત્યારે શહેરભરમાં પોલીસનું નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે શહેરમાં રાત્રિ કફર્યુ દરમિયાન ઠેરઠેર જુગારના અડ્ડા ધમધમવા લાગ્યા છે જેના પરિણામે પોલીસે દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે .

આ દરમિયાનમાં શહેરના સીંધુભવન રોડ પર એક કાફે બારના કંપાઉન્ડમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા જ ગઈકાલે જ પોલીસે દરોડો પાડી ૭ જેટલા નબીરાઓને જુગાર રમતા ઝડપી લેતા રાતભર પોલીસ સ્ટેશનમાં લોકોની ભારે અવરજવર જાેવા મળી હતી પરંતુ પોલીસે કોઈની શેહશરમ રાખ્યા વગર તમામની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત દેશભરમાં રાત્રિ કફર્યુનો અમલ કરવામાં આવી રહયો છે ગુજરાતમાં રાત્રિના ૧૦ થી સવારના પ વાગ્યા સુધી કફર્યુ લાદવામાં આવેલો છે કોરોના વાયરસના પગલે ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે રાત્રિ કફર્યુનો કડકાઈથી અમલ કરવા માટે પોલીસતંત્રને આદેશ આપવામાં આવ્યો છે.

સિંધુભવન રોડ ઉપર દબાણોનો રાફડોઃ ફૂટપાથ પર કબજો

⇑ વધુ વિગતો વાંચવા ઉપરની લિંક પર ક્લીક કરો

આ દરમિયાનમાં બીજીબાજુ શહેરમાં રાત્રિના સમયે જુગારના અડ્ડા ધમધમતા હોવાની વિગતો પોલીસને મળતા શહેરભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વસ્ત્રાપુર પોલીસને ગઈકાલે બાતમી મળી હતી કે બોડકદેવ સીંધુભવન રોડ પર આવેલા પામદે બીસ્તો કોફીબારની પાસે કંપાઉન્ડમાં રાત્રે લોકો ટોળે વળીને બેસે છે જેના પગલે પોલીસને શંકા ગઈ હતી.

ગઈકાલે રાત્રે ખાનગીરાહે તપાસ કરતા કોફીબારના કંપાઉન્ડમાં કેટલાક યુવકો આયોજનબદ્ધ રીતે ટેબલ ખુરશી ગોઠવી કોઈન્સથી જુગાર રમતા હોવાનુ જાણવા મળ્યું હતું આ તપાસ બાદ પોલીસે એક ટીમ બનાવી હતી અને રાત્રે દરોડો પાડતા જ નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે સૌ પ્રથમ સ્થળની આસપાસ વોચ ગોઠવી દીધી હતી અને ત્યારબાદ દરોડો પાડતાં જ નાસભાગ કરી મુકનાર તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં વસ્ત્રાપુર પોલીસે સ્થળ પર તપાસ કરતા આ શખ્સો ખુરશી ટેબલ ગોઠવી જુગાર રમી રહયા હતા પકડાયેલા શખ્સોમાં (૧) સોહમ નાયર – વસ્ત્રાપુર (ર) ઋત્વિક શાહ – પ્રહલાદનગર (૩) શિલ્પન- નારણપુરા (૪) શુભમ મહેતા – બોડકદેવ (પ) માનુસ વોરા- પ્રહલાદનગર (૬) જેનીલ શાહ- બોડકદેવ અને (૭) શ્લોક મિસ્ત્રી- વસ્ત્રાપુરનો સમાવેશ થાય છે.

પોલીસે જુગાર રમતા ૭ નબીરાઓને ઝડપી લીધા બાદ મોડીરાત સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભારે ચહલપહલ જાેવા મળતી હતી પોલીસે તમામ સાતેય નબીરાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.  સીંધુભવન રોડ પર ગેરકાયદેસર દબાણો તથા તેની આસપાસ અડીંગો જમાવીને બેસતા શખ્સોના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળી રહી છે આ વિસ્તારમાં ગુનાખોરીનો આંક પણ વધવા લાગ્યો છે. સીંધુભવન રોડ પરથી ગેરકાયદેસર દબાણો અને લારી ગલ્લા હટાવવાની માંગણી કરવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.