એલીસબ્રીજમાં ધમધમી રહેલું ગેરકાયદેસર કોવીડ કેર સેન્ટર
મ્યુનિ. કોર્પોરેશને “હ્ય્દય સે” કોવીડ સેન્ટરને માન્યતા આપી નથી : ડો. ભાવિન સોલંકી
(દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા માટે અલગથી કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશને ત્રણ સ્થળે આવા કોવિડ કેર સેન્ટર તૈયાર કર્યાં હતા. તેમજ શહેરની વિવિધ હોટેલો સાથે પણ કરાર કર્યા હતા, જે દર્દીઓને મનપાના કોવિડ કેર સેન્ટરમાં રહેવાની ઈચ્છા ન હોય તે દર્દી નિયત રકમ ચુકવીને આ હોટેલોમાં રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ તમામ હોટેલો સાથે કરાર કરવામાં આવ્યા છે. એલિસબ્રીજ વિસ્તારમાં કોર્પોરેશનની માન્યતા વિના જ છેલ્લા એક મહીનાથી કોવિડ કેર સેન્ટર ચાલી રહયુ છે. મ્યુનિ. આરોગ્ય ખાતાના અધિકારીઓ પણ આ બાબતથી વાકેફ છે તેમ છતાં અગમ્ય કારણોસર પરવાનગી વિના ચાલી રહેલા કોવિડ કેર સામે કાર્યવાહી કરવામાં આવતી નથી દર્દીઓની જીંદગી સાથે ચેડા થઈ રહયા હોવા છતાં મૂક બનીને તમાશો જાેયા કરે છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા છે. જયારે સામાન્ય લક્ષણ હોય તેવા દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે. શહેરની ર૦ જેટલી હોટેલો સાથે કરાર કરીને મનપા દ્વારા રહેવા જમવા સહિતના દર નકકી કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના સમંતિપત્રક બાદ આ કોવિડ સેન્ટરોમાં દર્દીઓને રહેવાની વ્યવસ્થા થાય છે.
મનપા સાથે કરાર થયા હોવાથી આ તમામ કોવિડ કેર સેન્ટરને અધિકૃત માનવામાં આવે છે. જયારે એલીસબ્રીજ વિસ્તારમાં ટાઉનહોલ પાસે આવેલા અગ્રવાલ સેન્ટરમાં છેલ્લા દોઢ મહીનાથી “હ્ય્દય સે” નામથી કોવિડ કેર સેન્ટર શરૂ થયુ છે.
જેમાં દર્દી માટે રૂા.૯૦ હજારનું પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. આ પેકેજમાં રહેવા જમવા, મેડીટેશન, ચા-નાસ્તા વગેરેનો સમાવેશ થાય છે. “હ્ય્દય સે” કોવિડ કેરની જાહેરાતમાં અ.મ્યુ.કો.ની માન્યતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ મ્યુનિ. કોર્પોરેશને આ બાબતનો સ્વીકાર કર્યો નથી આ સમગ્ર ગેરરીતિ થોડા દિવસ પહેલા બહાર આવી હતી. એક દર્દીને એડમીટ કરવા માટે કોવિડ કેર સેન્ટરના સંચાલકોએ ઝોનના ડે. હેલ્થ ઓફીસરનો પત્ર લઈ આવવા જણાવ્યું હતું. દર્દીના સગાએ પત્ર માટે પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફીસરનો સંપર્ક કર્યો હતો ત્યારે સત્ય હકીકત સામે આવી હતી.
મ્યુનિ. આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ “હ્ય્દય સે” કોવિડ કેર દ્વારા ખાસ જ્ઞાતિજનો માટે વિનામુલ્યે વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવે છે. ચાંદખેડાના એક વૃધ્ધાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમના સ્વજનોએ “હ્ય્દય સે” કોવિડ કેરનો સંપર્ક કર્યો હતો. જ્ઞાતિજન હોવાથી વિનામૂલ્યે રહેવાની વ્યવસ્થા અંગે માહિતી લેવા પ્રયાસ કર્યા હતા તે સમયે સંચાલકોએ ઝોનના ડે. હેલ્થ ઓફિસર ડો. દક્ષાબેન મૈત્રકની ભલામણ લઈ આવવા સૂચના આપી હતી, દર્દીના સ્વજનોએ ડો. દક્ષાબેન મૈત્રકનો સંપર્ક કરતા તેમણે ભલામણ પત્ર આપવાની સ્પષ્ટ ના કહી હતી. તથા “હ્ય્દય સે” કોવિડ કેર ગેરકાયદેસર રીતે ચાલી રહયુ હોવાથી તેને નોટિસ આપવાની છે તથા પેનલ્ટી કરીને બંધ કરવામાં આવશે તેમ પણ જણાવ્યુ હતુ. આ મામલે મ્યુનિ. મેડીકલ ઓફીસર ડો. ભાવિન સોલંકીનો સંપર્ક કરતા તેમણે પણ “હ્ય્દય સે” કોવિડ કેર ને માન્યતા આપવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. આ કોવિડ કેર સેન્ટરમાં તબીબી સેવા ઉપલબ્ધ ન હોવાથી તેને માન્યતા આપવામાં આવી નથી તેમ વધુમાં કહયું હતું.
મ્યુનિ. મેડીકલ ઓફીસર અને ઝોનના ડે. હેલ્થ ઓફીસરે “હ્ય્દય સે” કોવિડ કેર ને માન્યતા આપી નથી તથા તે અનઅધિકૃત રીતે ચાલી રહયુ હોવાની બાબતથી વાકેફ છે તેમ છતાં હજી સુધી તેની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. કોવિડ સેન્ટરમાં દાખલ થયેલ દર્દીની સ્થિતિ ગંભીર થઈ જાય તે સમયે તેને સારવાર કોણ આપશે ? “હ્ય્દય સે” કોવિડ સેન્ટરમાં દર્દીઓની જીંદગી સાથે ચેડા થઈ રહયા છે.
આ કોવિડ સેન્ટર મનપા ના ઉચ્ચ અધિકારીઓની રહેમ નજરે બેરોકટોક ચાલી રહયુ છે તથા નાગરિકોની જીંદગી સાથે ચેડા થઈ રહયા છે. મ્યુનિ. અધિકારીઓ માત્ર નાના માણસો પાસેથી જ દંડ વસુલ કરીને સંતોષ માને છે, જયારે મોટા માથાઓ સામે કાર્યવાહી કરતા ડરી રહયા છે. જેના કારણે “હ્ય્દય સે” કોવિડ સેન્ટર બેરોકટોક ચાલી રહયુ છે. નોંધનીય બાબત એ છે કે મનપા દ્વારા પરવાનગી આપવામાં આવી નથી તેમ છતાં તેના કોવિડ કેર સેન્ટરોની યાદીમાં “હ્ય્દય સે”નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આને ભુલ કહેવાય કે કૌભાંડ ? તેના જવાબ મ્યુનિ. અધિકારીઓ જ આપી શકે તેમ છે. કારણ કે “હ્ય્દય સે” ને પરવાનગી આપવામાં આવી નથી તેવા નિવેદન પણ તેમણે જ કર્યા છે ?