સરકારી નોકરી છોડીને ખારેકની ખેતીમાં ડંકો વગાડતો ભીમપુરાનો યુવાન
૩ હજાર ટીડીએસ સુધીના ખારા પાણીથી મીઠી મધ જેવી ખારેક પકવી શકાય છે યુવાન ખેડુત શ્રી અશ્વિનભાઇ પટેલ
(માહિતી બ્યુરો,પાલનપુર) આજના સમયમાં યુવાનોએ સરકારી નોકરી મેળવવા માટે દોટ મુકી છે. ધોરણ-૧૨ કે કોલેજ કર્યા પછી ઘણાં યુવાનો કોચીંગ ક્લાસ કરીને સરકારી નોકરીની તૈયારીમાં લાગી જાય છે. સરકારી નોકરીમાં જ ઉજ્જવળ ભવિષ્ય અને સલામતિ છે એવું લોકો પણ માનતા હોય છે પરંતુ તેવું નથી બીજા અનેક ક્ષેત્રોમાં પણ પોતાની આવડત અને કુશળતાથી ભવિષ્ય ને સોનેરુ બનાવી શકાય છે. આજે આપણે એક એવા યુવાનની વાત કરવી છે કે જેમણે સરકારી નોકરી છોડીને બાગાયતી ખારેકની ખેતી દ્વારા ડંકો વગાડ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભીમપુરા ગામનાં યુવાન શ્રી અશ્વિનભાઇ ચેલાભાઇ પટેલને વર્ષ-૨૦૧૦માં ઇન્ડીયન આર્મીમાં નોકરી મળી હતી. સરકારી નોકરી મળતાં જ પરિવારમાં આનંદનો માહોલ છવાયો અને એમાંય આ તો આર્મીની રૂઆબદાર નોકરી એટલે ગામમાં વાહવાહ થવા લાગી.. પરંતું આ યુવાનનું મન ખેતીમાં જ રચ્યુંપચ્યું રહેતું હતું. તેને ખેતી ક્ષેત્રે કંઇક નવું કરી આ વિસ્તારમાં નવો ચીલો ચાતરવો હતો. એટલે તેણે વર્ષ-૨૦૧૨માં સ્વૈચ્છાએ નોકરી છોડીને પોતાના વતન આવી ગયો. ખેડુત પુત્ર શ્રી અશ્વિનભાઇ પટેલને બાપ-દાદાની ૬૩ એકર જમીન તો હતી જ એટલે બીજો કોઇ આર્થિક ઉપાર્જનનો પ્રશ્ન તો હતો જ નહીં.
આ યુવાનને પહેલેથી જ કંઇક નવું કરવાની તમન્નાએ તેને બાગાયતી ખેતી કરવા તરફ પ્રેર્યો. વિવિધ નર્સરીઓ અને બાગાયતી પાકોના ફાર્મની મુલાકાત લીધા પછી શ્રી અશ્વિનભાઇ પટેલે નક્કી કર્યુ કે, મારે પણ બાગાયતી ખેતી કરીને ખેતીમાંથી સારી આવક મેળવવી છે. તેમણે વર્ષ-૨૦૧૩માં ૧૫ એકર જમીનમાં દાડમ અને ૪ એકર જમીનમાં ૨૦૦ રોપા ઈઝરાયેલી બરહી જાતિના ખારેકના રોપાઓ લાવી વાવ્યા. દાડમના પાકમાંથી વર્ષે રૂ. ૧૬ લાખથી વધુની આવક થાય છે પરંતું તેમાં દવા, મજુરી વગેરે ખર્ચ પણ થાય છે.
જયારે ખારેકની ખેતીમાં વાવણી સમયે રોપાઓ અને મજુરીનો ખર્ચ એકવાર થાય છે ત્યારબાદ કોઇ દવાનો છંટકાવ કરવો પડતો નથી. ખારેકના થડમાં ફક્ત છાણીયું ખાતર આપવામાં આવે છે એટલે સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી આ ખેતી થાય છે. ખારેકને વાવ્યા પછી ચોથા વર્ષથી તેની આવક શરૂ થાય છે. તેમના ખેતરમાં વર્ષ-૨૦૧૬થી ખારેક આવવાનું શરૂ થયું છે. ગયા વર્ષે ૨૪ ટન જેટલું ખારેકનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે સીઝન ચાલુ છે અને ૩૦ ટન જેટલી ખારેકનું ઉત્પાદન થવાની ધારણા છે. તેમણે જણાવ્યું કે, આ ખારેક માર્કેટમાં રૂ. ૪૭ થી ૫૦ ના ભાવે હોલસેલમાં અને ૭૦ થી ૮૦ ના ભાવે રિટેલમાં વેચાય છે.
આમ ગયા વર્ષે જુલાઇના માત્ર એક મહિનામાં રૂ. ૧૩ લાખની ખારેકનું વેચાણ થયું હતું અને આ વર્ષે રૂ. ૧૫ લાખની ખારેક વેચાવાની ધારણા છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં પુષ્કાળ પ્રમાણમાં દાડમ પણ પાકે છે. દાડમના પાકના ખેડુતોને યોગ્ય ભાવ મળે તે માટે મેં બાલાજી ફ્રુટ કંપની બનાવી છે. હું ખેડુતો પાસેથી દાડમ ખરીદીને દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ જેવા મોટા શહેરો અને વિદેશમાં પણ દાડમની નિકાસ કરું છું.
શ્રી અશ્વિનભાઇ પટેલ કહે છે કે, આ વિસ્તારના ખેડુતો માટે ખારેકની ખેતી ખુબ સારી ખેતી છે. ઓછા ખર્ચે વધુ આવક આપે છે. તેમણે કહ્યું કે ખારેકમાં જયારે પાક બેસે તેવા સમયે ફેબ્રુઆરી માસમાં ગ્રેડીંગ કરવામાં આવે તો ફળની સાઇઝ મોટી અને સારી આવે છે. તેમણે કહ્યું કે ૩૦૦૦ ટીડીએસ સુધીના ખારા પાણીથી મીઠી મધ જેવી ખારેક પકવી શકાય છે. એટલે કે આ પાકને કોઇપણ પાણી આપવામાં આવે તો પણ ચાલે છે. તેમણે કહ્યું કે બાગાયતી ખેતીને પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકારના બાગાયત ખાતા દ્વારા એક રોપા દીઠ રૂ. ૧૨૫૦ લેખે સબસીડી આપવામાં આવે છે. ખારેક પાકના વાવેતર માટે મને રૂ. ૨.૩૦ લાખની સબસીડી રાજય સરકારના બાગાયત ખાતા દ્વારા મળી છે.
તેમણે કહ્યું કે ખારેકનું આયુષ્ય ખુબ લાંબુ હોય છે તેને વાવ્યા પછી ૭૦ વર્ષ સુધી તો એકધારી સારી આવક આપે છે. તેમણે કહ્યું કે ખારેકના બે છોડ વચ્ચેની જગ્યામાં આંતરપાક તરીકે એપ્પતલ બોર વાવ્યા છે એ પણ વધારાની આવક આપે છે. તેમણે આ વિસ્તારના ખેડુતોને અનુરોધ કરતાં જણાવ્યું કે હવે જમાનો ખુબ ઝડપથી બદલાઇ રહ્યો છે. ચીલાચાલું ખેતીથી પાલવે તેમ નથી ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી આધુનિક પધ્ધતિથી ખેતી કરી સારી ઉપજ અને આવક મેળવીએ.