દિલ્હીમાં નિર્ભયા કાંડ જેવી વધુ એક ઘટના: સગીર બાળા પર રેપ કરી ગંભીર ઇજા પહોંચાડી
નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હીના પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢીમાં થોડાં વર્ષો પહેલાં નિર્ભયા કાંડ જેવો એક ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો. 13 વર્ષની એક સગીર બાળા પર ગેંગ રેપ કર્યા બાદ ગંભીર ઇજા પણ પહોંચાડવામાં આવી હતી. પોલીસ માને છે કે આ કિસ્સામાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવા જોઇએ. આ સગીર બાળાએ પોતાના પર થઇ રહેલા અત્યાચારનો વિરોધ કરતાં ધારદાર કાતર વડે એના પર હુમલો કરવામાં આવ્યો હતો અને લોહીથી લથપથ કિશોરીને મરી ગયેલી સમજીને નરાધમો નાસી ગયા હતા.
લોહીયાળ સ્થિતિમાં આ કિશોરી ઘસડાતી ઘસડાતી પાડોશીના ઘર સુધી આવી હતી અને મદદ માટે કરગરતી હતી. એ થોડી મિનિટ સુધી બેહોશ જેવી સ્થિતિમાં ઊંહકારા કરતી હતી. પાડોશીનો દરવાજો ખટખટાવીને પછી પાછી બેહોશ થઇ ગઇ. એની સ્થિતિ જોઇને પાડોશી પણ સ્તબ્ધ થઇ ગયા એના ગુપ્તાંગોમાંથી સતત લોહી વહી રહ્યું હતું. એ જોઇને ડરી ગયેલા પાડોશીએ સૌ પ્રથમ પોલીસને જાણ કરી હતી.
પોલીસ તરત ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને તરત સંજય ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં એની સ્થિતિ ગંભીર જણાતા એને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)માં રિફર કરી હતી. એની સ્થિતિ ગંભીર કહેવાય છે.
આ ઘટના બની ત્યારે આ કિશોરી ઘરમાં એકલી હતી. મૂળ બિહારનો આ પરિવાર પીરાગઢીમાં ભાડે રહેતો હતો. ત્રણ માળના આ મકાનમાં નાની નાની પચીસેક ઓરડી છે. એવી એક ઓરડીમાં આ પરિવાર રહે છે. આ કિશોરીના માતા પિતા એક કારખાનામાં મજૂરી કરે છે. એને એક મોટી બહેન પણ છે.
મંગળવારે સાંજે ચારેક વાગ્યે આ ઘટના બની હોય એવું પોલીસ માને છે. AIIMSના ડૉક્ટરોએ એના શરીર પર ઠેર ઠેર ડ્રેસિંગ કર્યું હતું અને ઇજાગ્રસ્ત અંગોમાં ટાંકા લીધા હતા. પોલીસ માને છે કે ગુનેગારો સ્થાનિક હોવા જોઇએ જેમને જાણ હોય કે રોજ આ સમયે આ કિશોરી ઘરમાં એકલી હોય છે. પોલીસે પોતાની રીતે બાતમીદારો દ્વારા તપાસ શરૂ કરી દીધી હતી.