Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરના નવા ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા હશે

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના નવા ઉપ રાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ગિરિશચંદ્ર મુર્મૂના રાજીનામાનો સ્વીકાર કરી દીધો છે. જમ્મુ-કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ ગિરિશચંદ્ર મુર્મૂએ મંગળવાર સાંજે રાજીનામાની રજૂઆત કરી હતી. સૂત્રો મુજબ, મુર્મૂ આગામી કન્ટ્રોલર ઓફ ઓડિટ જનરલ હોઈ શકે છે. નોંધનીય છે કે, મુર્મૂને ઓક્ટોબર ૨૦૧૯માં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પહેલા ઉપ-રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત કેડરના આઈએએસ અધિકારી જીસી મુર્મૂને કાયદાકિય વ્યવસ્થાનો લાંબો અનુભવ રહ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે મુર્મૂ ગૃહ વિભાગમાં સચિવ રહ્યા બાદ સીએમઓમાં પણ તેમના સચિવ હતા. મુર્મૂ ૧૯૮૫ બેચના આઈએએસ અધિકારી છે.

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ મનોજ સિન્હા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્રીય સંચાર મંત્રી અને રેલ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહ્યા છે. મનોજ સિન્હાનો ગાજીપુર ઉપરાંત મઉ અને આઝમગઢ જિલ્લામાં દબદબો માનવામાં આવી રહ્યો છે. સિન્હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ રહેલા અમિત શાહના નિકટતમ માનવામાં આવે છે. વડાપ્રધાન અને મનોજ સિન્હાની વચ્ચે આરએસએસના દિવસોથી જ સારા સંબંધ છે.

ગાજીપુરમાં જન્મેલા આઈઆઈટી બીએચયૂમાં શિક્ષણ મેળવનારા મનોજ સિન્હાની છબિ સારી છે. તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યૂનિયનના અધ્યક્ષ હતા. વર્ષ ૧૯૮૯માં બીજેપી રાષ્ટ્રીય પરિષદના સભ્ય બન્યા. બાદમાં વર્ષ ૧૯૯૬, ૧૯૯૯ અને ૨૦૧૪માં ગાજીપુરના સાંસદ તરીકે ચૂંટાયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.