Western Times News

Gujarati News

સુપ્રીમનો કેન્દ્રને આદેશઃ વીમા કંપનીઓને કોરોનાની સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવા કહો

નવદિલ્હી, સુપ્રીમ કોર્ટે વીમા કંપ્નીઓ કોરોનાની સારવારનો સંપૂર્ણ ખર્ચ ન ચૂકવતી હોવાની ફરિયાદો પણ સુનાવણી કરી હતી અને કેન્દ્ર સરકારને મહામારી દરમિયાન નાગરિકો દ્વારા વેઠવી પડી રહેલી મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું હતું.
ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે તેમજ જસ્ટીસ એ.એસ. બોપન્ના અને જસ્ટીસ વી. રામાસુબ્રમણ્યનની ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, તેઓ ‘વીમા કંપ્નીઓનું ધ્યાન રાખે’. જેઓ કથિત રીતે કોરોનાના દર્દીઓના કારણે વળતરની રકમ ઓછી આપી રહ્યા હોવાનો આરોપ છે. આ સામાન્ય ફરિયાદ છે કે કોવિડ-૧૯ની સારવારના ખર્ચમાં વૃદ્ધિ થઈ છે, કારણ કે ડોક્ટરો, નર્સો અને આરોગ્ય કાર્યકરો દ્વારા વપરાતી પીપીઈ કિટ અને ફેસ શીલ્ડની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ વીમા કંપ્નીઓ હોસ્પિટલો દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ માટે બિલમાં આપવામાં આવતી રકમનું વળતર આપતી નહોતી.

મહેતાએ કહ્યું કે, વીમા રેગ્યુલેટરી ઓથોરિટીએ તમામ વીમા કંપ્નીઓને પહેલાથી જ કડક સૂચનાઓ આપી છે કે ઉપયોગમાં લેવાયેલી તમામ વસ્તુઓનો ખર્ચ કોવિડ સારવારમાં સામેલ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આઈઆરડીએ’ને તે સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવી શકે છે કે હોસ્પિટલોમાં કોવિડની સારવારનું વળતર મેળવવામાં કોઈ વ્યક્તિ રહી ન જાય’.સીજેઆઈના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યું કે, ‘મહામારીના સમયમાં વીમા કંપ્નીઓ મોં ફેરવી શકે નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે’. વકીલ સચિન જૈન અને અન્યએ દાખલ કરેલી પીઆઈએલ પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

ખાનગી હોસ્પિટલોના એસોસિએશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને મુકુલ રોહતગીએ કહ્યું કે, કેન્દ્રએ કોરોનાના સારવારના ખર્ચ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. ‘હાલમાં સરકાર દ્વારા ઉભી કરાયેલી કોરોનાની હોસ્પિટલોમાં ઘણા બેડ ખાલી છે. દરેક વ્યક્તિ સમજી શકે છે કે જ્યારે બેડની સંખ્યા જરૂરિયાત કરતાં ઓછી હોય ત્યારે હોસ્પિટલો વધારે ચાર્જ વસૂલે છે. ખાનગી હોસ્પિટલો પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે કારણ કે સામાન્ય દર્દીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે’.ખંડપીઠે કહ્યું કે, ‘મહદઅંશે સરકારની કોરોના સારવાર ખર્ચ અંગેની માર્ગદર્શિકા સાથે સંમત છીએ’. જો કે મહેતાને સૂચવવામાં આવ્યું કે, શહેરોને જુદા-જુદા સ્તરોમાં વર્ગીકૃત કરવાની શક્યતાને શોધો કે જેથી નાના શહેરોમાં કોરોનાની સારવારનો ખર્ચ સરખામણીમાં ઓછો રહે. ‘આખરે ખર્ચ ચૂકવવાની ક્ષમતા મહત્વની છે’, તેમ ખંડપીઠે ઉમેર્યું હતું. સુપ્રીમ કોર્ટે તમામ સલાહકારોને એક અઠવાડિયામાં મહેતાને કેન્દ્રની માર્ગદર્શિકા સુધારવા માટેના સૂચનો આપવા જણાવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.