૫ રાજ્યમાં ૩ કરોડનું ઓનલાઇન ચીટિંગ કરનાર ટોળકી ઝડપાઈ
વડોદરા, ભાયલીના યુવકે વેબ સાઇટ પર નોકરી માટે બાયોડેટા મૂક્યા બાદ ભેજાબાજોએ યુવકને ફોન કરી ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપીને ૧.૮ કરોડ પડાવ્યા હતા. છ મહિના બાદ જિલ્લા એલસીબીએ છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ૭ જણને ઝડપી ૧૯.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં આ ટોળકીએ ૫ રાજ્યોમાં ૩ કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે આજે તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. જિલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, ભાયલીના નાગેશ રુગનાથ ઘુગરધરે નામના કન્સલ્ટિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે ઘરેથી વ્યવસાય કરતા યુવકને નોકરીની જરૂર હોવાથી લિન્ક્ડઇન પર બાયોડેટા રજિસ્ટર કરાવ્યો હતો.
ત્યારબાદ રોહન માને નામના શખ્સે ફોન કરી લા મેન પાવર સર્વિસની મેમ્બરશિપ લેશો તો જનરલ ઇલેક્ટ્રિકની ફ્રેન્ચાઇઝી આપીશું, તમને એક વિઝિટના ૪૦ હજાર મળશે, તેમ જણાવ્યું હતું. બાદમાં અન્ય લોકોએ ૮થી ૧૦ ઇ-મેલ અને ફોન કરીને યુવક પાસેથી ૧.૦૮ કરોડ ભરાવ્યા હતા. યુવકે હવે હું પૈસા ભરી શકું તેમ નથી, તમે મેમ્બરશિપ કેન્સલ કરી દો તેમ જણાવતાં, જો તમે પૈસા નહીં ભરો તો ભરેલા પૈસા મળશે નહીં તેવી ધમકી આપી હતી.
જિલ્લા એલસીબીના પીઆઈ ડીબી વાળા અને પીએસઆઇ એમએમ રાઠોડની ટીમે ઠગાઈ કરનારી ગેંગના મુખ્ય સૂત્રધાર સેલ્વા સંતોષ નાડર, રમાકાંત ઉર્ફે બાબુ પડોહી વિશ્વકર્મા, રાકેશ તારાચંદ જાદવ, સંદીપ ઉર્ફે વિનયસિંહા જમીલ ખાન દુબર, નીલોફર જમીલખાન દૂબર અને સજ્જાદ સતાર બેગ ઉર્ફે સુરેશ બેગાની પાટીલને ઝડપી લીધા હતા. તમામનો કોરોના ટેસ્ટ કરાવતાં સેલવા, રમાકાંત અને રાકેશ પોઝિટિવ આવતાં તેમની સારવાર કરાવી તમામની ધરપકડ કરી હતી. ટોળકીએ ૫ રાજ્યોમાં ૩ કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. HS