ગરીબ આદિવાસીઓને સંકટમાંથી ઉગારવાના તમામ પ્રયાસો થશે : મોહન ડેલકર
દપાડા,વાસોણા અને પાટી ગામમાં અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી- ગરીબોને વળતર અપાવવા જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાનીમાં સર્વેનું કામ શરૂ કરાવ્યું- ગત ઓક્ટોબર માસમાં લોકસભામાં ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો મુદ્દો ઉઠવ્યો હતો,તે પ્રમાણે આ મુદ્દે પણ રજૂઆત કરાશે.
દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આજે ફરીવાર પુર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં તેઓ પોતાની ટીમ સાથે દપાડા પટેલાદના ગામોમાં જઈ પુર પીડિત આદિવાસી પરિવારોની રૂબરૂ મળ્યા હતા .દપાડા,વાસોણા અને પાટી ગામમાં પૂર પ્રકોપના કારણે જે આદિવાસી પરિવારોને ભારી નુકસાન થયું છે તે તમામના ઘરે પહોંચી વાસ્તવિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.આ સ્થળેથી સાંસદ મોહન ડેલકરે અચાનક આવી પડેલ સંકટમાંથી ગરીબ આદિવાસીને ઉગારવા તમામ પ્રયાસો થશે તેવું નિવેદન આપ્યું છે.
સાંસદ મોહનભાઇ ડેલકરે અનેક ગરીબ આદિવાસી પરિવારોને ખૂબજ મુશ્કેલીઓમાં મુકાયેલા જોઈને તાત્કાલિક જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવાની આગેવાની હેઠળ એક ટીમ બનાવી જે પણ આદિવાસી પરિવારોને પૂરમાં નુકસાન થયું છે તે તમામના ઘરે ઘરે જઈ સર્વે કરવાનું કામ સોંપ્યું છે જેમાં લોકોના ઘર તૂટી જવાથી લઇ અનાજ અને ઘરના સામાન સુધી જેટલું પણ નુકસાન થયું છે તેની યાદી તૈયાર કરવામાં આવશે અને આ સર્વેની કામગીરીના રિપોર્ટ મુજબ દરેક અસરગ્રસ્ત આદિવાસી પરિવારોને વળતર અપાવવાનું કામ કરવામાં આવશે.